હેડ ક્લાર્ક ભરતીકૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંહ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ ઉપવાસ મામલે સરકારે મચક નહીં આપતાં આખરે ‘આપ’એ ઝૂકવું પડ્યું છે. મહેશ સવાણીએ SVP હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસ જી મહારાજ અને ઋષિ ભારતી બાપુના વરદ હસ્તે પારણાં કર્યાં હતાં. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પાલક દીકરીઓના હાથે પણ પારણાં કર્યાં હતાં. ગુલાબસિંહ યાદવે પણ પારણાં કર્યાં હતાં.
મહેશ સવાણીએ કહ્યું હતું કે અસિત વોરાના રાજીનામાની માગ સાથે અમે આમરણાંત ઉપવાસ પર ઊતર્યા હતા. ભાજપની આંદોલન તોડવાની નીતિ રહી છે અને એ રીતે પંજાબમાં પણ ખેડૂતોએ એક વર્ષ સુધી આંદોલન કર્યું છતાં નેતાઓએ કોઈ ધ્યાન ન આપ્યું. આમ આદમી પાર્ટીના યુથ વિંગના નેતા યુવરાજસિંહ અને પાલક દીકરીઓએ અમને કહ્યું હતું કે જો તમે જીવશો તો આ આંદોલન કરીને આગળ યુવાનોનો અવાજ ઉઠાવી શકશો. આ આંદોલન કરવું હવે તમારું કામ નથી, એવું યુવરાજસિંહે અમને કહ્યું હતું. યુવાનો આંદોલન ચલાવે, જેથી આજે પારણાં કરી દેવામાં આવ્યાં છે. હવે આગામી દિવસોમાં યુવરાજસિંહ સહિતના યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવશે. જ્યાં સુધી અસિ�� વોરા પોતાનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જંપીને બેસવાની નથી. હવે નેતાઓ અને યુવાનો આંદોલન કરશે.
યુવરાજસિંહે અસિત વોરાના રાજીનામા માટે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું
ગઈકાલે આપ પાર્ટીના યુથ વિંગના ઉપ-પ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ-કોન્ફરન્સ કરીને મહેશ સવાણીના ઉપવાસ અંગે જાણકારી આપી હતી. યુવરાજસિંહે કહ્યું હતું કે મહેશ સવાણી અમારી વેદનાને વાચા આપી પોતાનું અનશન તોડી રહ્યા છે. તેઓ નરોત્તમ સ્વામીના આદેશથી પારણાં કરશે. યુવરાજસિંહે અસિત વોરા બે દિવસમાં રાજીનામું નહીં આપે તો ફરીવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અગાઉ પણ યુવરાજસિંહે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારે પેપર લીક મામલે કાર્યવાહી શરૂ કરતાં તેમના અલ્ટિમેટમનું સુરસુરિયું થઈ ગયું હતું.
મહેશ સવાણીને પારણાં કરવા સમજાવી લેવાયા
આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ગુલાબસિંહ યાદવ છેલ્લા એક સપ્તાહથી આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતાં. આ દરમિયાન મહેશ સવાણીની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ તેમને ઉપવાસ તોડવા માટે સલાહ આપી હતી, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ હતા. દીકરીઓ અને સામાજિક આગેવાનોની સમજાવટ બાદ તેઓ ઉપવાસ તોડવા તૈયાર થયા છે.
સરકારે મચક નહીં આપતાં ‘આપ’ના નેતાઓને ઝૂકવું પડ્યું
એક સપ્તાહના ઉપવાસ દરમિયાન સરકારે મચક નહીં આપતાં આખરે ‘આપ’ના નેતાઓને ઝૂકવું પડ્યું છે. ગઈકાલે આપ પાર્ટીના યુથ વિંગના ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ હવે વધુ મજબૂતાઈથી લડત લડવાની વાત કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે અત્યારસુધી વડીલો લડાઈ લડતા હતા, હવે યુવાનો અને વિદ્યાર્થીઓ આ લડાઈમાં સામેલ થશે. તેમણે અસિત વોરા રાજીનામું નહીં આપે તો ફરીવાર રસ્તા પર ઊતરવાનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. આ ઉપરથી એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે ઉપવાસથી નહીં, પણ આક્રમક બનીને આગળ વધશે.
મહેશ સવાણીને PAAS અને SPGના નેતાઓ મળતાં રાજનીતિ તેજ
ઉપવાસ પર બેસેલા મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા, ખોડલધામ સમિતિ સુરત કન્વીનર ધાર્મિક માલવિયાએ મહેશ સવાણીની મુલાકાત લીધી હતી. એ ઉપરાંત આજે SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ પણ તેમની મુલાકાત લેવાના છે. ત્યારે મહેશ સવાણીને PAAS અને SPGના નેતાઓ મળતાં રાજનીતિ તેજ થઈ ગઈ છે.