CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહને આજે દિલ્હી લાવવામાં આવશે. 10 ડિસેમ્બરના રોજ તેમના અંતિમસંસ્કાર કરાશે. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સ ચીફ વીઆર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી.
રાજનાથ સિંહ સંસદમાં નિવેદન આપશે
આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ સંસદમાં આ અંગે નિવેદન આપશે. તેઓ 11.15 વાગ્યે લોકસભામાં અને 12 વાગ્યે રાજ્યસભામાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે જાણકારી આપશે.
શું થયું હતું?
તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, જેમને ગંભીર સ્થિતિમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું ત્યારે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.
અમેરિકાએ શોક વ્યક્ત કર્યો
પેન્ટાગનના પ્રેસ સચિવ જોન કિર્બીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત અને તેમના સાથી સૈન્ય કર્મચારીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના પ્રમુખ જનરલ માર્ક મિલે પણ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્તિ કર્યું છે. અમેરિકાના રક્ષા સચિવ લોયડ જે ઓસ્ટિને પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.