બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સી પાછળ પાગલ લોકોની માટે એક સારા સમાચાર છે. દક્ષિણ અમેરિકાના દેશ એલ સ્લાવોડરના રાષ્ટ્રપતિ નઇબ બુકેલે દુનિયાનું પહેલું ‘બિટકોઇન શહેર’ વસાવાની જાહેરાત કરી છે. આ શહેરને એક જ્વાળામુખીમાંથી ઉર્જા મળશે અને ક્રિપ્ટોકરન્સી બોન્ડમાંથી તેનું નાણાંકીય પોષણ થશે. તેમણે કહ્યું કે આ ‘બિટકોઇન શહેર’માં રહેણાંક અને કોર્પોરેટ વિસ્તાર, સર્વિસીસ, મ્યુઝિયમ, એરપોર્ટ, બંદર, રેલવે અને મનોરંજન દરેક પ્રકારની સુવિધા હશે.
રાષ્ટ્રપતિ નઇબ બુકેલે બિટકોઇન અને બ્લોકચેન કોન્ફરન્સમાં શનિવારના રોજ આ જાહેરાત કરી. છેલ્લાં બે દાયકાથી અમેરિકન ડોલરને પોતાનું ચલણ માનનાર એલ સલ્વાડોર દુનિયાનો પહેલો એવો દેશ છે જેણે બિટકોઇનને એક મુદ્રા તરીકે કાયદાકીય માન્યતા આપી છે. બુકેલે કહ્યું કે આ બિટકોઇન શહેરને અને બિટકોઇન માઇનિંગને કોચાગુઆ જ્વાળામુખીમાંથી ઉર્જા મળશે.
શહેરમાં કાર્બનનું ઝીરો ઉત્સર્જન હશે
બિટકોઇન માઇનિંગ એક પ્રક્રિયા છે જેના અંતર્ગત કોમ્પ્યુટરની મદદથી ગાણિતિક પડકારોને ઉકેલીને નવા બિટોકોઇનનું નિર્માણ કરાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં મોટાપાયા પર વીજળીની જરૂર પડે છે. અલ સ્લાવાડોરમાં કેટલાંક ઉર્જા જિઓથર્મલ પ્લાન્ટમાંથી આવે છે જે ટેકાપા જ્વાળામુખીની મદદથી ઉર્જા પેદા કરે છે. રાષ્ટ્રપતિએ ભીડને સંબોધિત કરતાં કહ્યું કે આ શહેરમાં કાર્બનનું ઝીરો ઉત્સર્જન હશે. આ સંપૂર્ણપણે પર્યાવરણીય શહેર હશે.
તેમણે કહ્યું કે શહેરને શરૂઆતમાં ટેકાપા પ્લાન્ટથી ચલાવામાં આવશે પરંતુ બાદમાં કોંચાગુઆ પ્લાન્ટને શરૂ કરાશે. આ પ્રોજેક્ટને ફંડ કરવા માટે એલ સલ્વાડોર 1 અબજ ડોલરના બિટકોઇન બોન્ડ વર્ષ 2022માં રજૂ કરશે. બ્લોકસ્ટ્રીમના મુખ્ય રણનીતિકાર સેમસન મોઉ એ રાષ્ટ્રપિતની સાથે મંચ પર જાહેરાત કરી કે ‘જ્વાળામુખી બોન્ડ’નો અડધો બિટકોઇનમાં ઉપયોગ કરાશે.
કોઇ ઇનકમ ટેક્સ નહીં, ઝીરો કેપિટલ ગેન ટેક્સ લાગશે
મોઉ એ કહ્યું કે બાકી બચેલા અડધા પૈસા માળખાકીય સુવિધાના વિકાસ પર ખર્ચ કરાશે. તેમણે કહ્યું કે અલ સલ્વાડોર દુનિયાનું નાણાંકીય કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ બિટકોઇન શહેરમાં રહેતા લોકોને માત્ર વેટ આપવો પડશે. તેમણે કહ્યું કે આપણે ત્યાં કોઇ ઇનકમ ટેક્સ હશે નહીં. ઝીરો ટકા હંમેશા માટે હશે. ઝીરો કેપિટલ ગેન ટેક્સ લાગશે. ઝીરો પ્રોપર્ટી ટેક્સ લાગશે, ઝીરો પેરોલ ટેક્સ લાગશે. આ શહેરનું નિર્માણ કયારે પૂરું થશે તેના માટે કોઇ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.