ગોલ્ડ પર લોનની લોભામણી સ્કીમ આપી કરોડોમાં ઉઠમણું કરનારી આઇબીવી ફાઇનાન્સના કારભારીઓ સામે આખરે ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. પખવાડિયા પહેલાં વરાછા-પોદ્દાર આર્કેડ સ્થિત ઓફિસને તાળાં મારી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. 85 ગરીબ-મધ્યમવર્ગીય પરિવારના લોકોનું 11518 ગ્રામ વજનનું અને 2.95 કરોડની કિંમતના સોનાનાં ઘરેણાંની વાપસી સામે મસમોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. કૌભાંડીઓ 300થી વધુ લોકોનું 10 કરોડનું સોનું ગજવે ઘાલી છૂમંતર થઇ ગયા હોવાનું કહેવાય છે.
મળતી વિગતો પ્રમાણે વરાછામાં પોદ્દાર આર્કેડ ખાતે ચોથા માળે આઇબીવી ફાઇનાન્સ કંપનીની હેડ ઓફિસ આવેલી છે. આ કંપનીની યોગીચોક અને સરથાણા જકાતનાકા ખાતે પણ ઓફિસ આવેલી છે. આઇબીવી ફાઇનાન્સ દ્વારા લોકોને ગોલ્ડલોન, હોમલોન, મોર્ગેજ લોન, પ્રોજેક્ટ લોન આપવામાં આવે છે. વરાછા પંથકના અનેક લોકોએ આરોગ્ય કે સામાજિક કારણોસર પોતાના જીવનભરની મૂડી સમાન સોનું આઇબીવી ફાઇનાન્સ કંપનીમાં ગિરવે મૂકી લોન લીધી હતી. દરમિયાન પખવાડિયા પહેલાં પોદ્દાર આર્કેડ સ્થિત ઓફિસને તાળાં લાગી ગયા હતા. કંપનીના કારભારીઓના મોબાઇલ બંધ આવતા આખરે કંપનીની ત્રણેય ઓફિસે જઇ લોકોએ ભારે હંગામો પણ મચાવ્યો હતો.
દરમિયાન ભોગ બનનારાઓ પૈકી કપિલ અનુભાઇ ધીનૈયા (ઉં.વ. 32, રહે. પૂજન રેસિડન્સી, યોગીચોક, પુણા)એ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપી છે. કપિલભાઇએ ધંધાકીય કામાર્થે આઇબીવી ફાઇનાન્સમાં 954 ગ્રામ સોનાનાં ઘરેણાં ગિરવે મૂકતા તેઓએ રૂ. 23.73 લાખની લોન મંજૂર કરી હતી. જે પૈકી તુષાર ભીમાણીએ 12 લાખ રોકડા આપી દીધા હતા. ગત ફેબ્રુઆરી માસમાં તેઓ સોનું છોડાવવા પોદ્દાર આર્કેડ સ્થિત કંપનીની ઓફિસે ગયા તો ગલ્લાં-તલ્લાં કરાયા હતા. ત્યારબાદ કંપનીની ઓફિસને તાળાં લાગેલા જોવા મળ્યા હતા.
સરથાણા જકાતનાકા ખાતે રાઇઝોન પ્લાઝા અને યોગીચોક ખાતે સ્વસ્તિક પ્લાઝાની ઓફિસ પણ બંધ થઇ જતા સંખ્યાબંધ લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં 85 લોકોનું 11518.98 ગ્રામ વજનના સોનાનાં ઘરેણાં સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ક્રાઇમ બ્રાંચે આઇબીવી ફાઇનાન્સના કારભારીઓ તુષાર ધીરૂ ભીમાણી (રહે. પાર્કવ્યુ એપાર્ટમેન્ટ, યોગીચોક), રાકેશ ધીરૂ ભીમાણી અને ધીરૂ ખોડા ભીમાણી (બંને રહે. મારુતિધામ સોસાયટી, કારગિલ ચોક, પુણા), પ્રકાશ ધીરૂ કરેડ (રહે. રામવાટિકા સોસાયટી, વેલંજા) અને પ્રદીપ અરજણ ભીમાણી (રહે. શાંતિનિકેતન સોસાયટી, પુણા) સામે 85 વ્યક્તિના 2.95 કરોડનાં ઘરેણાંના ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે.
પોદ્દાર આર્કેડના કેમ્પસમાં ભોગ બનનારા લોકોના ધરણાં
જીવનભરની મૂડી સમાન સોનું આઇબીવી ફાઇનાન્સમાં ફસાઇ જતા ગરીબ-મધ્યમ વર્ગના લોકોની હાલત અત્યંત દયનીય થઇ જવા પામી છે. રવિવારે બપોરે 100 જેટલા લોકોએ વરાછા-પોદ્દાર આર્કેડ ખાતે કંપનીની ઓફિસ બહાર સૂત્રોચ્ચારો કર્યા હતા. પોદ્દારના કેમ્પસમાં જ ભર તડકામાં ધરણાં પર બેસી લોકોએ ન્યાયની માંગ કરી હતી. સોનું પરત લાવવા, કૌભાંડીઓની ધરપકડ કરવા પણ સૂત્રોચ્ચારો કરાયા હતા. આરોપીઓ સામે જીપીઆઇડી એક્ટની કલમનો ઉમેરો કરવા પણ માંગ કરી હતી.
લોકોના ગોલ્ડ પર ફેડરલ બેંકમાંથી 8.20 કરોડની લોન લીધી
આઇબીવી ફાઇનાન્સ કંપનીના કર્તાહર્તાઓએ લોકોએ ગિરવે મૂકેલા સોનાનાં ઘરેણાં પર ફેડરલ બેંકમાંથી લોન લીધી હતી. લોકો પાસેથી લીધેલા ઘરેણાંની 50-60 ટકા કિંમત આંકી લોન મંજૂર કરતા હતા. બીજી તરફ ગ્રાહકોને અંધારામાં રાખી તેઓનાં ઘરેણાં પર ફેડરલ બેંકમાંથી 70 ટકા રકમની ઓવરડયુ લોન મેળવતા હતા. ફેડરલ બેંકની અડાજણ શાખામાંથી 9 કરોડની ઓવરડ્રાફ્ટ લિમિટ મેળવ્યા બાદ 460 લોન એકાઉન્ટ ઓપન કરાવી સોનાના ઘરેણાં ગિરવે મૂકી 8.20 કરોડની લોન લીધી છે.