બનાસકાંઠામાં પાલનપુર બ્રિજની દુર્ઘટનાના પડઘા હવે ગાંધીનગરમાં પડી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. જેમાં GPC ઈંફ્રાસ્ટ્રકચરને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
નિર્માણાધીન સાઈટ પર કામ યોગ્ય નહીં
રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવી હતી જેમાં સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. તદઉપરાંત, માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કન્ટ્રોલના મુખ્ય ઈજનેર અને અધિક સચિવે પણ સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ કોંન્ક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઈન, નકશાઓ વગેરે એકત્રિત કરીને સ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલનાં પરીક્ષણ પરિણામો ટૂંક સમયમાં અપેક્ષિત છે. તે આવ્યા બાદ સમિતિ ઘટનાનાં વિગતવાર તારણો પર આવી શકશે.
પરંતુ, જે દુર્ઘટના બની છે, તેના પ્રાથમિક અહેવાલમાં જણાયું છે કે નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે આપી સૂચના
આ ઉપરાંત આર.ઓ.બી.ના કામના કોન્ટ્રાક્ટર જી.પી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી છે. તે જ રીતે, આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. આ આર.ઓ.બી.ની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાના આદેશો કરવાની સૂચના આપી છે.