ફેસબુક પર સસ્તુ સોનું આપવાની લાલચ આપી લાખોની ઠગાઈ આચરતી ટોળકી રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, ભચાઉ, સામખિયારી તેમજ મુંબઈ સુધી ફેલાયેલી છે. આ ટોળકીના સાગરીતો લોકોને નકલી સોનું પધરાવી લાખો રૂપિયા લઈ રફુચક્કર થઈ જાય છે. મુંબઈના કન્સ્ટ્રકશનના ધંધાર્થીને ત્રણ મહિના અગાઉ કચ્છના ભચાઉમાં સોનાની ડિલિવરી આપવાના બહાને રૂ.3.50 લાખની રોકડ લઈ ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ અંગે રાજ્યના ડીજીપીને ધંધાર્થીએ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. આ ટોળકીની લોનના નામે નકલી ચલણી નોટો બજારમાં ફેરવવાના રેકેટમાં સંડોવણી હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું.
આંગડિયા પેઢીનું વિઝિટિંગ કાર્ડ મોકલી તેમાં પૈસા મોકલવા જણાવ્યું
મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં રહેતાં અને કન્સ્ટ્ર્કશનના ધંધાર્થી વિરેન્દ્ર પાંડેયનો સંપર્ક ફેસબૂક પર દીપક પટેલ નામના શખ્સ સાથે થયો હતો. દીપકે પોતે સસ્તા સોનાનો વેપાર કરતા હોવાનું તેમજ સસ્તામાં સોનું આપવાની વાત કરી હતી. આ અંગે ચેટિંગમાં વિરેન્દ્રભાઈએ સોનાનો ભાવ પૂછતા દીપકે રૂ.3.50 લાખની 100 ગ્રામ ગોલ્ડ આપવાની વાત કરી હતી. વાતચીત દરમિયાન વિરેન્દ્રભાઈએ સોનુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતા દીપકે આંગડિયા પેઢીનું વિઝિટિંગ કાર્ડ મોકલી તેમાં પૈસા મોકલવા જણાવ્યું હતું.
દીપકે 100 ગ્રામ સોનાની પૈસા લઈ રેલવે સ્ટેશન પાસે ડિલિવરી આપી
જો કે, વિરેન્દ્ર પાંડેયે આંગડિયા પેઢીમાં પૈસા મોકલવાની ના પાડીને દીપકે રૂબરૂ મળી સોનું બતાવવા અને ચેક કર્યા બાદ તેઓ પૈસા ચૂકવશે તેમ જણાવ્યું હતું. શરૂઆતમાં દીપકે અમદાવાદ, રાજકોટ, ભચાઉ અને સામખિયારી મળવાનું જણાવ્યું હતું. જો કે, બાદમાં ભચાઉ ખાતે મુલાકાત થશે તેમ વિરેન્દ્રભાઈને કહેવામાં આવ્યું હતું. જે મુજબ વિરેન્દ્રભાઈ ભચાઉ પહોંચ્યા ત્યારે દીપકે 100 ગ્રામ સોનાની પૈસા લઈ રેલવે સ્ટેશન પાસે ડિલિવરી આપી હતી.
ચા પીવાના બહાને વિરેન્દ્ર પાંડેયને કારમાંથી ઉતારી મુક્યો
જે ચેક કરાવવાનું કહેતાં દીપકના ચહેરાના ભાવ બદલાયા જો કે, રસ્તામાં ચા પીવાના બહાને વિરેન્દ્ર પાંડેયને કારમાંથી ઉતારીને દીપક તેના ડ્રાઈવર સાથે પૈસા લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે વિરેન્દ્ર પાંડેયએ ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા, હોમ સેક્રેટરી સહિતની કચેરીમાં ફરિયાદ કરી છે. ભોગ બનનાર વિરેન્દ્ર પાંડેયએ જણાવ્યું હતું કે, દીપકનો મુખ્ય બોસ કે.બી.પટેલ તેમજ બીજા સાગરીતો જયદીપ અને કૃણાલ સોની છે. આ ટોળકી લોન આપવાના નામે નકલી ચલણી નોટો પણ પધરાવે છે. એક કરોડની લોન સામે તમે 35 લાખની ચલણી નોટો તેવી વાતો ફોન પર કરે છે, જેની પાછળ મૂળ તેઓ એક કરોડની નકલી નોટ આપવાની વાત કરે છે.