જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ. જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થઈ છે. સવારે 8 વાગે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થયો છે. જળયાત્રામાં બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ તેમ જ ધજાપતાકા સહિત મોટી સંખ્યામાં ભક્તો હાજર છે. શરણાઈઓના સૂર સાથે યાત્રાનો પ્રારંભ કરાયો છે. હાલમાં જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે સાબરમતીનું પવિત્ર જળ 108 કળશમાં ભરશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જળયાત્રામાં હાજર છે.
સાબરમતી નદીના કિનારેથી જળ ભરી 10 વાગ્યે જળયાત્રા પરત ફરશે: ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થાય છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળ અભિષેક કરવામાં આવશે. જળાભિષેકમાં ભગવાનની પ્રતિમાને દૂધ-કેસરથી સ્નાન કરાશે. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથનું ષોડશોપચાર પૂજન-ભગવાનને શ્રૃંગારમાં ગજવેશ ધારણ કરાવાશે.
વર્ષમાં 1 વાર ભગવાન ગજવેશમાં દર્શન આપે છે: એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીના બદલે જગન્નાથજીનાં દર્શન થતાં તેને લાગ્યું કે, તેઓ ભગવાન ન હોઈ શકે અને તેથી તેણે અન્નજળનો ત્યાગ કર્યો. જ્યારે જ્યેષ્ઠાભિષેક થયો ત્યારે તેને ગણેશનાં દર્શન થયાં, ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે.