નવા વર્ષના પ્રારંભે જ સમગ્ર ગુજરાતમાં નવી મગફળીની આવકો માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઇ છે. પરંતુ ચિક્કાર આવકોના લીધે તો કયાંક અવ્યવસ્થાના લીધે મગફળીની હરાજીમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે.
ભાવનગર યાર્ડ મગફળીથી ઉભરાયું
નવા વર્ષના પ્રારંભ સાથે જ ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ધુમ આવક શરૂ થઈ છે. જેના પગલે ચિત્રા યાર્ડમાં મગફ્ળીનો ભરાવો થઇ જતા જગ્યાના અભાવે યાર્ડમાં અનિશ્ચિત મુદત સુધી મગફ્ળી નહિ લાવવા યાર્ડના સુત્રો દ્વારા ખેડૂતોને સુચના આપવામાં આવી હતી. ગઈકાલે લાભ પાંચમથી મગફ્ળીની હરાજી શરૂ થઈ જવા પામી હતી. જે સવાર સુધીમાં 20 થી 25 હજાર થેલા થઈ જતા યાર્ડમા જગ્યા ઓછી પડી હતી. દરરોજ 3000 થી 3500 થેલાનો નિકાલ થતો હોવાથી જગ્યા થયે પુનઃ મગફળી લાવવા દેવાશે એમ યાર્ડના સુત્રો દ્વારા જણાવાયુ હતુ. વક્કલ વાઇઝ મગફ્ળીનો રૂ.1000 થી 1350ના ભાવે મગફ્ળીનું વેચાણ થઇ રહ્યું હોવાનું યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું.
ટેકાના ભાવે મગફળી વેચવાની પળોજણ, ખેડૂતો ચોમેરથી હેરાન, મોરબીમાં બીજા દિવસે પણ ખરીદી બંધ
ચાલુ વર્ષે મગફળીનો બમ્પર પાક થયો છે અને તેની સામે સરકારે ટેકાના ભાવે ગઈ કાલથી મગફળીની રૂ.1110ના પ્રતિ 20 કિલોના ભાવે ખરીદારી પણ શરૂ કરી છે. જો કે, મગફળી વેચવામાં પડી રહેલી મુશ્કેલી અને પૈસા મળવામાં થતા વિલંબને કારણે ખેડૂતો 20 કિલોએ 50થી 100ની ખોટ ખાઈને મુક્ત બજારમાં માલ વેચવાનું પસંદ કરી રહ્યાના અહેવાલો સાંપડે છે. સૌરાષ્ટ્રના યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નબળો પ્રતિસાદ રહ્યો છે. રાજકોટમાં 80,જૂનાગઢ જિલ્લામાં 50, હાપા યાર્ડમાં 711, પોરબંદર યાર્ડમા 7, 1ની રીજેકટ થઈ, અમરેલીના રાજુલામાં 3 ખેડૂતો વેચાણ અર્થે આવ્યા હતા. મોરબી યાર્ડમા સતત બીજા દિવસે ખરીદી થઈ ન હતી.
જામનગરમાં મગફળીની આવક બંધ કરાઇ
જામનગરમાં મગફળીની 10 હજાર ગુણીની આવક થયા બાદ આજે મગફળીની આવક બંધ રાખવામાં આવી છે. જામનગરના યાર્ડમાં તામિલનાડુના વેપારીઓએ ખરીદી માટે ધામા નાંખ્યા હોવાથી ગત વર્ષની માફક આ વર્ષે પણ ખેડૂતોના મગફળીના સારા ભાવ મળી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં બે દિવસમાં ટેકાના ભાવે મગફળી વેચવા 3 ખેડૂત આવ્યા
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સતત બીજા દિવસે રાજુલાને બાદ કરતાં એક પણ કેન્દ્રમાં ખેડૂતો આવ્યા નહોતા તેના કારણે ખરીદી થઇ શકી નહોતી. બે દિવસમાં જિલ્લામાં 50 ખેડૂતોને બોલાવાયા હતા તેમાંથી માત્ર 3 જ આવ્યા છે. પહેલાં દિવસે તો એકપણ આવ્યા નહોતા.
નસવાડી APMCમાં હરાજીમાં એક પણ ખેડૂત કપાસ વેચવા ના આવ્યો
નસવાડી APMCમાં બીજા દિવસે હરાજીમાં એકપણ ખેડૂત તપાસ વેચવા આવ્યો ન હતો. નસવાડી APMCનો કડવો અનુભવ થતા ખેડૂતો નારાજ થયા છે. વર્ષો પછી કપાસની હરાજી પહેલી વાર રાખવામાં આવી હતી. જેમાં ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતો રોષે ભરાયા હતા.
કચ્છમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનાં હજુ સુધી કોઇ ઠેકાણા નથી
આમ તો સમગ્ર ગુજરાતમાં લાભપાંચમથી જ ટેકાનાં ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પરંતુ કચ્છમાં હજુ સુધી ખરીદ કેન્દ્રો પણ નિયત કરવામાં આવ્યા નથી. તે જોતાં કયારે ખરીદી કરવામાં આવે છે તે જોવું રહ્યું. આ વખતે સમગ્ર રાજ્યમાં 2.65 લાખ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપવા માટે ઓનલાઇન અરજી કરી છે. જેમાં 549 જેટલી કચ્છની પણ અરજીનો સમાવેશ થાય છે. તેમાંયી સૌથી વધુ ભૂજ તાલુકાની 41 અરજી જોવા મળી રહી છે.