દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી સામે આવી છે. તે નીરવ મોદીના રૂ. 14 હજાર કરોડ અને વિજય માલ્યાના રૂ. 9 હજાર કરોડથી પણ અનેકગણુ વધુ રૂ. 22,842 કરોડનું કૌભાંડ છે. આ કેસમાં સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત આઠ લોકો સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ 7 ફેબ્રુઆરીએ દાખલ કેસના સિલસિલામાં શનિવારે કંપની અને તેના ડિરેક્ટરોના સુરત, ભરૂચ, મુંબઈ, પૂણે સહિત 13 પરિસરમાં દરોડા પાડ્યા અને મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા.
સૂત્રોના જણાવ્યાનુસાર, અગ્રવાલ સિવાય કંપનીના તત્કાલીન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ, રવિ વિમલ નેવેતિયા અને અન્ય એક કંપની એજીબી ઈન્ટરનેશનલ વિરુદ્ધ પણ ગુનાઈત કાવતરું, છેતરપિંડી, ગુનાઈત વિશ્વાસઘાતના કેસ દાખલ કર્યા છે. ફોરેન્સિક ઓડિટમાં માલુમ પડ્યું છે કે, વર્ષ 2012-17 વચ્ચે આરોપીઓએ કથિત રીતે મિલિભગત કરીને સંપત્તિનો દુરુપયોગ કર્યો હતો. લોન કોઈ બીજા હેતુથી લેવાઈ હતી અને પૈસાનો ઉપયોગ બીજા કામમાં કર્યો. બાદમાં બેંકોએ 2016માં આ કંપનીના ખાતા એનપીએ અને 2019માં ફ્રોડ એકાઉન્ટ જાહેર કરાયા હતા.
આ લોકોને આરોપી બનાવાયાઃ એબીજી શિપયાર્ડ લિમિટેડના ચેરમેન અને કો-મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી તેમજ ત્રણ અન્ય ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેતિયાને આરોપી બનાવ્યા છે.
દોઢ વર્ષ ચાલેલા ફોરેન્સિક ઑડિટમાં કૌભાંડ પકડાયું
નવેમ્બર 2019માં 28 બેન્ક દ્વારા CBIને ફરિયાદ કરવામાં આવી હતી. દોઢ વર્ષ સુધી ચાલેલા કંપનીના ફોરેન્સિક ઑડિટમાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. એ પછી ગત 7 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા કંપનીનું ફોરેન્સિક ઑડિટ કરવામાં આવ્યું હતું. પ્રમોટરોએ સાંઠગાંઠ કરીને લોનની રકમ સગેવગે કરી હતી.
6 બેન્કના જ રૂ. 17,734 કરોડ
બેન્ક | બાકી લેણાં |
આઇસીઆઇસીઆઇ | 7,089 |
આઇડીબીઆઇ | 3,634 |
એસબીઆઇ | 2,925 |
બેન્ક ઓફ બરોડા | 1,614 |
પંજાબ નેશનલ બેન્ક |
1,244 |
ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક |
1,228 |
કુલ | 17734 |
ડિમાન્ડ ઘટતા સ્થિતિ વણસી... 2016માં 55.7 કરોડ ડોલરની ખોટથી કમર ભાંગી
સુરતના મગદલ્લામાં 1985માં શરૂ થયેલી એબીજી શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. 1991 સુધી સારો નફો કર્યો. દેશ-વિદેશમાંથી ઓર્ડર મળવા લાગ્યા પણ 2016માં કંપનીને 55.7 કરોડ ડોલરની ખોટ ગઇ. વેપાર ઘટતાં ટર્નઓવર ઘટ્યું. કંપનીનો ખર્ચ વધુ હોવાથી અને બિઝનેસ ઘટવાથી ખોટ વધતી ગઇ. વૈશ્વિક મંદીમાંથી પણ બેઠી ન થઇ શકી. અમુક હિસ્સો રશિયન કંપનીને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
એક નહીં, બે કંપની; એલઆઇસીને પણ 136 કરોડનો ચૂનો
એફઆઇઆર મુજબ, ફ્રોડ કરનારી બે કંપની મુખ્ય છે. તેમાં એબીજી શિપયાર્ડ ઉપરાંત એબીજી ઇન્ટરનેશનલ પ્રા. લિ. પણ સામેલ છે. જોકે, બંને એક જ ગ્રૂપની કંપનીઓ છે. એલઆઇસી પણ છેતરપિંડીનો શિકાર બની છે. તેને 136 કરોડ રૂ.નો ચૂનો લાગ્યો છે.