પાકિસ્તાન નજીક વસેલા કચ્છ જિલ્લામાં જીપીએસ લોકેશન આપમેળે પાકિસ્તાનના વિવિધ પ્રાંતના થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભુજ તાલુકાના કાળીતલાવડી ગામે વિચિત્ર ટેક્નોલોજીની માયાજાળ સર્જાઈ છે,જેમાં સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કેટલાક યુઝર્સના મોબાઈલ ટાઇમઝોન સિંધ પ્રાંત અને તેના બદીન શહેરનો દર્શાવતા આશ્ચર્ય સર્જાયું છે.જો કે સમય સાથે જ તેમના ફોનના એલાર્મ પણ અડધો કલાક પહેલા રણકી ઉઠે છે.
પાકિસ્તાનના બેઝ ટ્રાન્સસેઇવરનું સિગ્નલ પ્રબળ હોવાની શક્યતા
આ અગાઉ અનેકવાર એવી ચર્ચાઓ થઇ હતી કે, પાકિસ્તાનના રેડિયો કચ્છમાં સંભળાય છે. જો કે હવે તો ત્યાંના નેટવર્ક ઝોન પણ કચ્છના ગામડાઓમાં મોબાઈલ નેટવર્કને અસર કરી રહ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. સ્પેસ એપ્લિકેશન સાથે જોડાયેલા તજજ્ઞોના મત અનુસાર પાકિસ્તાનનું બેસ ટ્રાન્સસેઇવેર સ્ટેશનનું સિગ્નલ પ્રબળ હોતા આ પ્રકારનો બદલાવ થઇ શકે છે. લોકેશન એ કોઈપણ મોબાઈલ નેટવર્કના બીટીએસ એટલે કે બેસ ટ્રાન્સસેઇવેર સ્ટેશન સિગ્નલની આસિસ્ટેડ સર્વિસ હોય છે.એટલે જ તે દૂરથી પણ સંભવત તે સિંધ કે બદીન દર્શાવતું હોય.
કાળીતલાવડી ખાસ્સી દૂર હોવા છતાં ટાઇમઝોન બદલાય છે
ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક સી.એમ નાગરાણીએ ભાસ્કરથી વાત કરતા જણાવ્યું કે,ટાઇમઝોન અને આ સેટિંગ ઓટોમાં હોય ત્યારે નજીકના મોબાઈલ ટાવરમાંથી અક્ષાંશ-રેખાંશના આધારે પકડતું હોય છે.અમેરિકામાં એકસાથે ૪ ટાઇમઝોન છે જેથી ત્યાંના લોકોને ઓટો ટાઇમઝોનની જરૂર પડતી હોય છે.રેખાંશના આધારે જે મોબાઈલ નેટવર્ક નજીક હોય ત્યાંથી તે ઓટો ટાઇમઝોન ડિટેકટ કરી મોબાઈલ લોકેશન અને ત્યાંનો સમય ઓટોમાં સેટ કરે છે. નવાઈની વાત છે, પાકિસ્તાન કાળીતલાવડીથી કેટલીય દૂરી પર હોતા આ ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે
હિમાચલમાં 160 કિલોમીટર દૂર પાક નેટવર્ક પડકાયું,કાળીતલાવડીથી બદીન 173 કિ.મી. દૂર
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ગત અઠવાડિયે જ ટ્રેકર્સે મોબાઈલમાં પાકિસ્તાની નેટવર્ક મળ્યાની ઘટના પહેલીવાર નોંધી હતી.પાક બોર્ડર અંદાજિત 1૬૦ કિમિ દૂર છે,જયારે ભુજના કાળીતલાવડીથી બદીનનું અંતર ૧૭૩ કિલોમીટર જેટલું સીધી લીટીમાં થાય છે.તો મોબાઈલના સિગ્નલ આધારે જીપીએસ અને ટાઇમઝોન બદલવા એ
સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર મુદ્દો છે.
મારા ફોનમાં સવારનું એલાર્મ અડધો કલાક વહેલું થતા ખબર પડી : યુવક
કાળીતલાવડીના હરિ આહીર નામના યુવકે જણાવ્યું કે,મારા મોબાઈલમાં સવારે પાંચ અને સાડા પાંચ વાગ્યાના અરસામાં આ ઘટના બને છે,જેમાં મારા ફોનમાં સવારનું એલાર્મ અડધો કલાક વહેલું થતા ખબર પડી હતી.થોડા સમય પહેલા સિંધ અને તાજેતરમાં બદીનનું લોકેશન દર્શાવતું હતું