આવાં ગામોને ઇન્ડોનેશિયાના લોકો 'માતાવિહોણાં ગામ' કહે છે. બીબીસીના રેબેકા હેન્શકે આવા ગામોની મુલાકાતે પહોંચ્યાં અને પાછળ રહી ગયેલાં બાળકોને મળ્યાં.
એલી સુસિયાવતી 11 વર્ષનાં જ હતાં, ત્યારે તેમનાં માતા તેમને નાની પાસે સાચવવા મૂકી ગયાં હતાં.
તેમનાં માતાપિતા થોડા વખત પહેલાં જ છુટ્ટા પડી ગયાં હતાં. ઘર ચલાવવા માટે તેમનાં માતા મર્તિયાએ સાઉદી અરેબિયામાં ઘરકામ કરવા જવાનું સ્વીકારી લીધું હતું.
હું એલીને પહેલીવાર મળી ત્યારે તેઓ શાળાના છેલ્લા વર્ષમાં હતાં. તેમણે કહ્યું કે માતા જતાં રહ્યાં તે પછી તેઓ બહુ દુઃખી હતી. દેખીતી રીતે જ જુદા પડવાની પીડા હજુ પણ હતી.
તેઓ કહે છે, "હું મારી સખીઓને તેમનાં માતાપિતા સાથે જોઉં ત્યારે મને ગમતું નહોતું. મને થતું કે મારી મા ઘરે આવી જાય તો સારું."
"મારી માતાને કામ કરવા માટે બહાર જવું પડે તેમ હું ઇચ્છતી નથી. હું ઇચ્છું છું કે તેઓ ઘરે રહે અને અમને ભાઈ-બહેનોને સંભાળે."
એલીનું ગામ વેનાસબા પૂર્વ લૉમ્બોકમાં આવેલું છે. બાળકોની સંભાળ લેવા કામ કરવા માટે યુવાન માતાએ વિદેશ જવું પડે તે વાત આ ગામમાં સ્વીકાર્ય બનેલી છે.
અહીં મોટા ભાગના પુરુષો ખેતમજૂરી કે બીજી મજૂરી કરે છે. વિદેશમાં જઈને ઘરકામ કરીને મહિલાઓ જે કમાણી કરી શકે તેની સરખામણીએ આ કમાણી બહુ ઓછી હોય છે.
ગામમાં ઘરો અડોઅડ આવેલાં છે અને વચ્ચે સાંકડો રસ્તો છે, જ્યાંથી માંડ મોટરસાઇકલ ચાલી શકે. ઘરોની પાછળ દૂર દૂર સુધી ડાંગરનાં ખેતરો ફેલાયેલાં છે.
યુવાન માતા વિદેશ કમાણી કરવા જાય તે પછી કુટુંબ અને પતિ બાળકોની સંભાળ લેતા હોય છે. અહીં સૌ એકબીજાને બાળકો સાચવવામાં મદદરૂપ થતાં હોય છે.
જોકે કોઈ પણ બાળકને માતા કે પિતાની ગેરહાજરી હોય તે ગમતું હોતું નથી.
કરિમાતુલ અદિબિયાનાં માતા પણ તેમને એક વર્ષનાં હતાં ત્યારે જ મૂકીને જતાં રહ્યાં હતાં. તેમને તો એ પણ યાદ નથી કે માતા સાથે તેમનાં દિવસો કેવા હતા.
તેઓ પ્રાથમિક શાળાનું ભણતર પૂરું કરી રહ્યાં ત્યારે તેમનાં માતા વિદેશથી પરત આવી શક્યાં હતાં.
જોકે, ત્યાં સુધીમાં કરિમાતુલ માટે તેમને ઉછેરનારાં તેમનાં માસી જ માતા જેવી બની ગયાં હતાં.
કરિમાતુલ કહે છે, "હું ખૂબ મૂંઝાઈ ગઈ હતી."
"મને યાદ છે કે મારાં માતા રડવા લાગ્યાં હતાં. તેઓ મારાં માસીને કહેતાં હતાં કે કેમ મારી દીકરી મને ઓળખતી નથી?'
કરિમાતુલની માસીએ કહ્યું કે તારો કોઈ ફોટો પણ નહોતો અને માતા તરીકે માત્ર તારું નામ અને એડ્રેસ જ રહ્યું હતું. તેથી કરિમાતુલ માતા તરીકે તેને ઓળખી ના શકે તેમાં નવાઈ ના લાગવી જોઈએ.
કરિમાતુલ કહે છે, "મને એક તરફ એવી લાગણી થતી હતી કે મારી માતા વિના મને ગમતું નહોતું, પણ બીજી બાજુ ગુસ્સો આવતો હતો કે હું આટલી નાની હતી ત્યારે જ કેમ મને છોડીને જતી રહી હતી."
હવે કરિમાતુલ 13 વર્ષનાં થઈ ગયાં છે અને રોજ રાત્રે તેમનાં માતા સાથે વીડિયો કૉલ કરીને વાત કરે છે. એકબીજાને મૅસેજ પણ મૂકે છે, પણ તેમનાં સંબંધો હજુ પણ એટલા સહજ થયા નથી.
"હવે રજાઓ લઈને મારાં માતા ઘરે આવે ત્યારે પણ મને થાય કે હું મારી માસી સાથે જ રહું. તે મને સાથે રહેવા માટે કહે, પણ હું કહું કે પછી આવીશ."
તેમનાં માસી બેગ નૂરજહાંએ તેનાં જેવાં બીજા નવ બાળકોને ઉછેર્યાં છે. તેમાંથી પોતાનું સંતાન એક જ છે.
બાકીનાં બધાં બાળકો તેમનાં બહેનોનાં છે, જેઓ નોકરી કરવા વિદેશ જતાં રહ્યાં છે.
હસતાં હસતાં તેઓ કહે છે, "મને બધા મોટી મા કહેતા હોય છે."
50 વર્ષનાં થઈ ગયેલા નૂરજહાં કહે છે, "હું બધાને એક સરખી રીતે રાખું છું. તે બધાં ભાઈબહેનોની જેમ જ રહે છે અને કોઈ માંદું પડે કે બીજી કોઈ જરૂર પડે તો હું હાજર જ હોઉં છું."
ઇન્ડોનેશિયાના આ વિસ્તારમાંથી મહિલાઓ વિદેશમાં કમાણી કરવા માટે જવા લાગી તે પ્રવાહ 1980ના દાયકાથી શરૂ થયો હતો.
તેમની પાસે પૂરતી કાયદાકીય સુરક્ષા નથી હોતી, તેથી શોષણ થવાની પૂરી શક્યતા હોય છે.
ઘણી વાર એવું બને કે કૉફીનમાં જ કોઈક પાછું ફરે. ઘણી વાર માલિકો એટલી ખરાબ રીતે માર મારતા હોય છે કે કાયમી ગંભીર ઈજાઓ થઈ જાય છે.
કેટલાકને પગાર આપ્યા વિના જ પરત મોકલી દેવાતા હોય છે.
ઘણી વાર મહિલાઓ વધુ બાળકો સાથે પાછી ફરતી હોય છે. તેમને ફરજ પાડવામાં આવી હોય છે કે પછી તેઓ સહમતીથી શારીરિક સંબંધોમાં જોડાઈ હોય છે.
આવાં બાળકોને ઘણી વાર ભેટમાં મળેલા બાળકો એવા સ્થાનિક નામે ઓળખાતા હોય છે.
મિક્સ રેસનાં બાળકો હોવાથી તેઓ ગામમાં અલગ તરી આવે છે.
18 વર્ષનાં આવાં જ યુવતી ફાતીમા કહે છે કે તેમનાં પર સૌનું ધ્યાન જાય છે એ તેમને ગમે છે.
થોડા સંકોચ સાથે તેઓ હસતાં હસતાં કહે છે, "લોકો ઘણી વાર મારી સામે આશ્ચર્યથી જોઈ રહે છે. હું એકદમ અલગ દેખાઉં છું."
"કેટલાક કહે કે અરે તું બહુ સુંદર છે, કેમ કે તારી અંદર અરબનું લોહી છે. આવું સાંભળીને મને આ���ંદ થાય છે."
જોકે, વિદેશ કમાણી કરવા જતા લોકોના અધિકાર માટે લડતાં જૂથોના કાર્યકરો કહે છે કે આવાં બાળકોની શાળામાં મશ્કરી પણ થતી હોય છે.
ફાતીમા ક્યારેય પોતાના સાઉદી અરેબિયન પિતાને મળ્યાં ન હતાં, પણ તેઓ તેમનાં માતાને પૈસા મોકલતા હતા.
વિદેશથી પિતા પૈસા મોકલતા હોવાથી ફાતીમાની માતા બાળકો સાથે વતનમાં રહી શકતાં હતાં.
થોડા વખત પહેલાં જ તેમના પિતાનું મૃત્યુ થયું તે પછી સ્થિતિ ફરી કપરી બની હતી.
તેના કારણે ફાતીમાનાં માતા ફરી બીજી નોકરી કરવા માટે સાઉદી અરેબિયા જતાં રહ્યાં છે.
ફાતીમા કહે છે, "મારી માતાએ વિદેશ કામ કરવા જવાનું નક્કી કર્યું, કેમ કે મારો નાનો ભાઈ સતત કહ્યા કરતો હતો કે મને ક્યારે બાઇક અપાવશો. બીજા લોકો પાસે મોબાઇલ ફોન જુએ ત્યારે કહે કે આપણી પાસે ક્યારે આવો ફોન હશે?"
તેઓ રડતાં રડતાં આગળ કહે છે: "મારા માતા સાઉદી અરેબિયા ના ગયાં હોત તો અમારી પાસે જીવવા માટે નાણાં જ ન હોત."
સાંજની નમાજ પૂરી થાય તે પછી બાળકો મસ્જિદમાંથી બહાર નીકળીને નજીક આવેલા એક મોટા મકાનમાં પહોંચી જાય છે.
ઇન્ડોનેશિયા પર ડચ લોકોનું શાસન હતું તે વખતનું આ મકાન બનેલું છે. બાળકો અંદર જાય ત્યારે બહાર પગથિયાં પર રંગબેરંગી પગરખાંની હાર ગોઠવાઈ ગઈ હોય.
આ બાળકોમાંથી કોઈનાં માતા કે કોઈના પિતા વિદેશમાં કામ કરવા ગયા છે.
બાળકો અહીં શાળા પછીના સમયમાં ચાલતી ક્લબમાં ભેગા થયા છે.
વિદેશ કામ કરતા લોકોના હક માટે લડતી સંસ્થા અને સ્થાનિક મહિલાઓ આ સાંજની ક્લબ ચલાવે છે.
બાળકો અંદર આવી જાય તે પછી શિક્ષક બાળકોના વાલીઓ કયા દેશમાં છે તે જણાવે છે.
શિક્ષક કહે છે, "મલેશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, આ અરબ છે અને આ મલેશિયા છે."
આ મકાન સુપ્રીહતીની માલિકીનું છે. તેમના બે દીકરા નાના હતા, ત્યારે તેમને મૂકીને સુપ્રીહતી સાઉદી અરેબિયામાં કામ કરવા ગયાં હતાં.
તેઓ કહે છે કે તેમના માટે લાગણીને કોરાણે રાખીને આ કામ કરવું પડે તેમ હતું, પણ તેનાથી ફાયદો થયો.
"મારે પણ મુશ્કેલીઓ સહન કરવી પડી હતી, પણ આખરે તેનાથી ફાયદો જ થયો."
તેમણે નોકરી કરતાં કરતાં ઘણાં નાણાં બચાવ્યાં અને તેમાંથી પોતાના દીકરાઓને હાઇસ્કૂલ સુધી ભણાવ્યા.
આજે પણ બચતમાંથી આરામની જિંદગી વિતાવે છે. તેમના દીકરાઓ હવે કામ કરે છે એટલે તેમણે હવે કમાવાની જરૂર નથી.
જોકે, વિદેશમાં કામ કરવું કેટલું મુશ્કેલ હોય છે તેનો અનુભવ હોવાથી તેમણે આવું મંડળ ઊભું કર્યું છે.
પાછળ રહી ગયેલા બાળકોને કુટુંબ જેવો અનુભવ થાય તે માટેનો આ પ્રયાસ છે.
તેઓ કહે છે, "પોતાનાં માતા હાજર હોય તેના કરતાં સગાની પાસે ઉછરવું તે અલગ જ હોય છે. બાળકો એકાકી થઈ જતા હોય છે અને તેમનો આત્મવિશ્વાસ જતો રહેતો હોય છે."
તેઓ કહે છે કે પોતાના આ ઘરમાં શાળા પછી તેઓ વર્ગો ચલાવે છે તેના કારણે ઘણો ફરક પડી ગયો છે.
"અમે તેમને ઘરકામમાં મદદ કરીએ છીએ. અમે જોઈએ છીએ કે તેમને ખરેખર ભણવું હોય છે. અમે તેને સ્માર્ટ ક્લાસ કહીએ છીએ અને આ બાળકો હવે તેમના ક્લાસના બીજાં બાળકો જેટલાં જ હોશિયાર થઈ ગયાં છે. અમે જોઈએ છીએ કે તેઓ ખરેખર ખીલી રહ્યાં છે."
યુલી આફ્રિઆના સાફિત્રી ક્લાસમાં આજે મોડી પહોંચ્યાં હતાં. તેમનાં પાંચ ભાઈ-બહેન છે, તેના માટે રાતનું રાંધવાનું હતું.
તેમનાં દાદીમાં રાંધવામાં મદદ કરતાં હતાં, પણ હાલમાં જ તેમનું અવસાન થયું છે. તેથી હવે તેમણે ભોજન તૈયાર કરવું પડે છે. ક્યારેક તેમના પિતા પણ રાંધે છે.
તેની નાની બહેન એકાદ વર્ષની હતી ત્યારે તેમનાં માતા વિદેશ કામ કરવા જતાં રહ્યાં હતાં.
થોડો સમય તેમણે પૈસા મોકલવાનું ચાલું રાખ્યું હતું, પણ તે પછી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
જોકે કંઈક અજૂગતું થયું હશે એમ તેમને લાગતું નથી.
વેનાસબાનાં બીજાં બાળકોથી વિપરિત યુલી આફ્રિઆના સાફિત્રીને માતાથી છુટ્ટા પડ્યાનું બહુ દુઃખ હોય તેમ લાગતું નથી.
તેમણે મને જણાવ્યું, "લોકો અમારી દયા ખાય ત્યારે મને જરાય ગમતું નથી. અરે તું બિચારી, તારી માતા વિદેશ છે એવું કોઈ કહે ત્યારે મને ગમતું નથી."
"હું અહીં રહીને મારા ભાઈ-બહેનોને સંભાળું છું અને અમને કંઈ ખૂટતું હોય એવું કશું જ લાગતું નથી."
"મારાથી નાનાઓને માતા યાદ જ નથી અને તેથી તેઓ ક્યારેય રડતાં પણ નથી - તેઓ મારા પિતા પાસે જ રહે છે. તેઓ રાંધે છે અને વાસણ પણ સાફ કરે છે. તેઓ કામ ના કરવાના હોય ત્યારે અમે સાથે મળીને ઘરકામ કરી નાખીએ છીએ."
તેઓ ગૌરવભેર મને જણાવે છે કે તેઓ ક્લાસમાં હંમેશાં ટોપ પર આવે છે. તેમની ઇચ્છા ઇન્ડોનેશિયાના નૌકાદળમાં જોડાવાની છે.
ઇન્ડોનેશિયામાંથી વિદેશ કમાણી કરવા ગયેલા લોકોમાં બે તૃતિયાંશ મહિલાઓ છે. તેઓ વિદેશથી પૈસા મોકલે છે તેના કારણે જ પાછળની પેઢીની જરૂરિયાતો પૂરી થાય છે.
એલી સુસિયાવતીએ નવ વર્ષથી તેમનાં માતાને જોયાં નથી. જોકે તેમનાં માતા પૈસા મોકલે છે તેના કારણે જ તેમના કુટુંબમાંથી કૉલેજમાં પહોંચનારી તેઓ પહેલાં યુવતી બન્યાં છે.
તેમનાં રાજ્યની રાજધાની માતારમમાં આવેલી યુનિવર્સિટીમાં તેઓ ઇસ્લામિક ફાઇનાન્સનું શિક્ષણ મેળવી રહ્યાં છે. તેઓ કહે છે કે પોતાની માતાએ શું ભોગ આપ્યો છે તેને પોતે સમજી શકે છે.
તેઓ કહે છે, "મારાં માતા વિદેશ ન ગયાં હોત તો હું ભણી ન શકી હોત. મારું આ જીવન તેના કારણે શક્ય બન્યું છે."
"મને મારા માતા પર ગૌરવ છે. તેઓ ખરેખર અદભૂત નારી છે. મારા માતા જેવાં મજબૂત બીજા કોઈ મહિલા નહીં હોય."
તેઓ હવે વૉટ્સઍપ કે ફેસટાઇમ પર માતા સાથે વાતચીત કરતાં રહે છે.
"હું તેને ફોન કરીને કહેતી રહું કે ક્યાં છું. બહાર જવું હોય તો તેને પૂછીને જાઉં. અમે રૂબરૂ મળતા નથી, પણ અમે સતત સંપર્કમાં હોઈએ છીએ. મારા જીવનમાં શું ચાલી રહ્યું છે તેની રજેરજની માહિતી મારી માતાને છે."
શહેરમાં આવેલી વિશાળ મસ્જિદના વરંડામાંથી તેમણે પોતાનાં માતાને વીડિયો કૉલ કર્યો, જેથી હું પણ તેમનાં માતા સાથે વાત કરી શકું.
મર્તિયા કહે છે કે સાઉદી અરેબિયામાં સારું છે. પોતે જ્યાં કામ કરે છે તે પરિવાર ભલો છે. સારો પગાર આપે છે અને સમયસર આપી દે છે.
તેઓ કહે છે, "અમારા કુટુંબની સ્થિતિ સારી નહોતી અને અમારે બહુ તકલીફો વેઠવી પડતી હતી."
"હા, મને ઇલી વિના ગમતું નથી, પણ અમારા જીવનની વાસ્તવિકતા છે કે અમારે અલગ રહેવું પડે છે. મને પણ તેના પર બહુ ગર્વ છે, કેમ કે તે બહુ મહેતન કરીને ભણી રહી છે."
લી ભણીને ડિગ્રી મેળવી લે તે પછી પોતે ઘરે પાછી ફરશે એમ જણાવે છે. તે માટે હજુ ત્રણ વર્ષની રાહ જોવી પડશે એમ ઇલી હસતાં હસતાં કહે છે.
મેં તેમને જણાવ્યું કે એલી કહે છે કે તમે ખૂબ અદભૂત નારી છો.
તેમણે હસતાં હસતાં કહ્યું, "ઓહ, એ સાંભળીને મને બહુ સારું લાગ્યું."
પણ મને લાગ્યું કે તેની આંખમાં આસું પણ હતાં.
એલીએ ફોન બંધ કર્યો અને જણાવ્યું કે તેમની કારકિર્દી બનાવવાની દિશા જુદી છે.
"શિક્ષણના અભાવે અમારાં માતાપિતાએ વિદેશ જવું પડે છે અને તે અમારા માટે મોટો તમાચો છે."
"અમારે તે વાત યાદ રાખવાની છે. મારે વિદેશ જઈને કામ કરવાનું આવશે તો તે સ્થિતિ જુદી હશે. મને ત્યાં મોકલવામાં નહીં આવી હોય. હું ત્યાં જઈને બિઝનેસ કરી રહી હોઈશ"