હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ મામલો પત્ની સાથે મારપીટ અને ઘરેલુ હિંસાનો છે. રાજસ્થાનના ઉદયપુરની સ્થાનિક કોર્ટમાં આ મામલો ચાલી રહ્યો છે અને આ મામલાની સુનાવણી 14 ડિસેમ્બર બુધવારે થશે. હિમાચલ કેબિનેટમાં ભાગ લઈ રહેલા વિક્રમાદિત્ય સિંહ માટે આ એક મોટો આંચકો છે.
કોંગ્રેસના હિમાચલ પ્રદેશના પ્રમુખ પ્રતિભા સિંહ, શિમલા ગ્રામીણના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ અને પરિવારના કેટલાક સભ્યો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. વિક્રમાદિત્ય સિંહની પત્નીએ કરેલી ફરિયાદના આધારે આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
શિમલા ગ્રામીણના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહની પત્ની સુદર્શનાએ રાજસ્થાનની ઉદયપુર કોર્ટમાં તેના પતિ અને પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ 17 ઓક્ટોબરે નોંધવામાં આવી છે. આ મામલામાં 17 નવેમ્બરે થયેલી પ્રથમ સુનાવણીમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉદયપુરની કોર્ટે પતિ વિક્રમાદિત્ય સિંહ, સાસુ પ્રતિભા સિંહ, ભાભી અપરાજિતા સિંહ, નણદોયા અંગદ સિંહ અને વિક્રમ સિંહને બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે.
કેસ રાજસ્થાનની ઉદયપુર કોર્ટમાં છે
આ કેસના તમામ પ્રતિવાદીઓને 14 ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સુદર્શનાએ ઉદયપુર કોર્ટમાં પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 20 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. સુદર્શનાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ તેના સાસરિયાના ઘરે તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
વિક્રમાદિત્ય સિંહ અને સુદર્શનાએ વર્ષ 2019માં લગ્ન કર્યા હતા
રાજસ્થાનના મેવાત વંશની રાજકુમારી સુદર્શનાના લગ્ન 8 માર્ચ 2019ના રોજ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વીરભદ્ર સિંહના પુત્ર અને શિમલા ગ્રામીણ ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ સાથે થયા હતા. આ લગ્ન રાજસ્થાનના કનોટા ગામમાં થયા હતા. ફરિયાદમાં કહેવાયું છે કે લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા હેરાનગતિ શરૂ થઈ હતી.