અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન શરૂ થયુ છે. જેમાં ગુજરાતનાં બે નામાંકિત ગ્રુપો પર તવાઇ આવી છે. તેમાં એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કુલ 40 જગ્યા પર IT ત્રાટકયું છે.
ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે અને સર્ચ
ઉલ્લેખનિય છે કે અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિત શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદમાં એકસાથે 25 જગ્યા પર રેડ કરવામાં આવી છે. તેમાં એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં તપાસ થઇ રહી છે. તથા રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં દરોડા પડ્યા છે. બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ શરૂ થઇ છે. તેમજ ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે અને સર્ચ કરવામાં આવી રહી છે.
સંકળાયેલ મોટા માથાઓને ત્યાં પણ દરોડા પડ્યા
દરોડામાં ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. બંને કંપની સાથે સંકળાયેલ મોટા માથાઓને ત્યાં પણ દરોડા પડ્યા છે. જેમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશા છે. શહેરમાં એસ્ટ્રલ કંપનીની કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. શહેરના સિંધુ ભવન વિસ્તારમાં આવેલી આ ઓફિસ પર મોડી રાતથી આઇટી વિભાગના અધિકારીઓ બેનામી મિલકતોની માહિતી મેળવવા માટે તપાસ શરૂ કરી છે. એસ્ટ્રાલ કંપનીમાં આઇટી વિભાગે સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરી છે. આઇટીની ચાર ટીમ દ્વારા આ કાર્યવાહી શરૂ કરાઇ છે.
આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યુ
આ સાથે અધિકારીઓ એસ્ટ્રલ કંપનીના કર્મચારીઓની પણ પૂછપરછ કરી શકે છે. આ કંપનીની અન્ય ઓફિસ અને સ્થળો પર પણ તપાસ હાથ ધરાઇ છે. બેનામી મિલકતોની માહિતી મેળવવા આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે.
અગાઉ 18 નવેમ્બરના રોજ આવકવેરા વિભાગે રસાયણો અને રિયલ એસ્ટેટના ઉત્પાદનમાં સક્રિય ગુજરાત સ્થિત કંપની પર દરોડા પાડીને રૂ. 100 કરોડની બિનહિસાબી આવક શોધી કાઢી હતી. આ દરોડા વાપી, સરીગામ, સિલ્વાસા અને મુંબઈમાં 20 થી વધુ સ્થળોએ પાડવામાં આવ્યા હતા.