જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. અત્યાર સુધીમાં લસણના સૌથી વધુ ભાવ સામે આવ્યો છે. ઉત્પાદનમાં ઘટાડો થયો અને જૂનું લસણ પૂર્ણ થઈ ગયું હોવાની વિગતો સામે આવી રહ્યું છે. હાલ મધ્યપ્રદેશથી લસણની આવક થઈ રહી છે. સામાન્ય દિવસોમાં જે લસણ નો ભાવ 50 થી 70 રૂપિયા પ્રતિ કિલોનો હતો તે વધીને હાલ 200 થી 300 રૂપિયે પ્રતિ કિલોએ પહોંચ્યો છે. જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.
નોંધનીય છેકે, જૂનાગઢમાં છેલ્લા છ મહિનાથી લસણ ના ભાવ 100 થી 150 રૂપિયા હતા પરંતુ છેલ્લા 15 દિવસથી ભાવ ઉંચકાયા છે. હાલ 200 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લસણ વેચાઈ રહ્યું છે. છેલ્લા એક મહિનાથી સ્થાનિક લસણ નો સ્ટોક ખલાસ થઈ ગયો છે. તેથી હાલ મધ્યપ્રદેશથી લસણ ની આવક થાય છે.
એક તરફ જુનું લસણનો જથ્થો સમાપ્ત થઈ રહ્યો છે. આ વચ્ચે આવક માત્ર મધ્યપ્રદેશ થી જ થઈ રહી છે તેથી ત્યાંનું બજાર પણ ઉંચકાયું છે. વળી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ લાગે છે આમ લસણ મોંઘુ બન્યું છે. જો કે આ સ્થિતિ હજુ એક મહિનો રહેશે અને બાદમાં ગુજરાત, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશથી જ્યારે લસણ ની આવક શરૂ થશે ત્યારે ફરી ભાવ સામાન્ય થશે તેવું વેપારીઓનું માનવું છે.
હાલમાં લસણના ભાવ સમગ્ર રાજ્યમાં ભારે ઉચકાયા છે અને તેને લીધે અનેક ઘરના બજેટ પણ ખોરવાયા છે. સામાન્ય દિવસોમાં જે લસણ 100 રૂપિયામાં મળતું હતું, તેના અત્યારે હાલમાં 500 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. અત્યારે હાલમાં ગૃહિણીઓએ પોતાના ભોજનમાં સ્વાદ ફિક્કો કરવો પડી રહ્યો છે.