ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા પ્રસિદ્ધ કવિતા તમને યાદ જ હશે. જેમાં 14 વર્ષની ચારણ કન્યાએ નેસડામાં સિંહને ઉભી પૂંછડીએ ભગાડ્યો હતો. આવો જ એક કિસ્સો જૂનાગઢના વિસાવદરમાં સામે આવ્યો છે. જેમાં એક બાળકે માનવભક્ષી દીપડાને ઉભી પૂંછડીએ ભગાડ્યો હતો. પરિવાર સાથે ખેતરનાં મકાનમાં સૂતેલાં આ બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. અને તેને ગળેથી પકડી ભાગી રહ્યો હતો. પણ ત્યાં જ બાળકે પોતાની અસાધારણ હિંમતનો પરચો દેખાડતાં દીપડા સામે બાથ ભીડી હતી. અને મોતના મુખમાંથી પોતાનો જીવ બચાવ્યો હતો.
જૂનાગઢના વિસાવદરના પ્રેમપરા ગામમાં ખેતરનાં મકાનમાં એક પરિવાર રહે છે. આ પરિવાર રાત્રિના સમયે એક બાળક પોતાના પરિવાર સાથે સૂતો હતો. ત્યારે શિકારની શોધમાં એક માનવભક્ષી દીપડો ખેતરમાં આવી ચઢ્યો હતો. અને પરિવાર સાથે સૂતેલાં બાળક પર હુમલો કર્યો હતો. અને તેના ગળાના ભાગે પકડીને ખેતર તરફ નાસતો હતો
પણ બાળક પર કાંઈ જેવો તેવો ન હતો. તેના રોમે રોમમાં સાહસ અને હિંમતનો અદભૂત ખજાનો દબાયેલો હતો. મોતના મુખમાં પોતાને જોતાં જ બાળકની અંદર છૂપાયેલી બહાદૂરી છલકાઈ ઉઠી. અને તેણે દીપડાનો સામનો કરવાનો નિર્ધાર કર્યો. ગળાને ભાગે દીપડો ઢસેડતો હોવા છતાં, તેણે હાથ હેઠા મૂકી દેવાને બદલે દીપડા સામે બાથ ભીડી. અને દીપડાના મોઢા પર મુક્કા મારવા લાગ્યો. બાળકની આ અસાધારણ હિંમત જોઈ દીપડો પણ હેબતાઈ ગયો.
આ સમયે બાળકના પિતા પણ તેની પાછળ દોડી આવ્યા. અને તેઓએ પણ બાળકને બચાવવા કોશિશ કરી. જે બાદ દીપડાએ પિતા ઉપર પણ હુમલો કર્યા. પણ અંતે કાઠીયાવાડના આ બે ભાયડાઓ સામે દીપડાએ હાર માની અને ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગી નીકળ્યો. દીપડાના આ હુમલામાં બાળકને ગળા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે પિતાને પણ સામાન્ય ઈજા પહોંચતાં તેઓને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
તો બીજી બાજુ દીપડાના રોજે રોજના હુમલાથી ગ્રામજનો અને ખેડૂતો ભયભીત બની ઉઠ્યા હતા. અને વન વિભાગ સામે રોષ પ્રકટ કર્યો હતો. ત્યારે ઘોર નિંદ્રામાં આચરતું વન વિભાગ તાત્કાલિક માનવભક્ષી દીપડાને પકડે તેવી લોકોની માગ છે. પ્રેમપરા સીમમાં બાળક સાથે બનેલી આ ઘટનાના કલાકો બાદ પણ વન વિભાગ પહોંચ્યું ન હતું.