ગુજરાત સરકારે અદાણી જૂથની અદાણી પાવર લિમિટેડ (હવે અદાણી મુન્દ્રા પાવર લિમિટેડ) કંપની સાથે બિડ-1માં 1,200 મેગાવોટ પાવર યુનિટદીઠ રૂ. 2.89ના ભાવે અને બિડ-2માં 1,200 મેગાવોટ પ્ગાવર યુનિટ દીઠ રૂ. 2.35ના ભાવે 25 વર્ષ સુધી ખરીદવા માટે ફેબ્રુઆરી-2007માં એગ્રીમેન્ટ કર્યા હતા. પરંતુ વર્ષ 2020માં યુનિટદીઠ રૂ. 4.16ના ભાવે તથા વર્ષ 2021માં યુનિટદીઠ રૂ. 4.62ના ભાવે અદાણી પાસેથી વીજળી ખરીદાઈ છે. રાજ્ય સરકારે મંગળવારે વિધાનસભામાં પ્રશ્નોના લેખિત ઉત્તરો આપતી વખતે સરેરાશ યુનિટદીઠ ભાવની બાબત જાણીબુજીને છુપાવી હતી, જે ગણતરી બાદ જાહેર થઈ ગઈ છે.
રાજ્ય સરકારે વેરિયેબલ કોસ્ટ યાને એનર્જી સરચાર્જ કોસ્ટ ઊર્ફ FPPPA ચાર્જમાં સરેરાશ યુનિટદીઠ ભાવ આપ્યો હતો, પરંતુ કુલ સરેરાશ યુનિટભાવ દર્શાવ્યો ન હતો, જે ફિકસ્ડ કોસ્ટની રકમ સાથે કુલ યુનિટની ખરીદીને ભાગતાં, સરકારે છુપાયેલો ભાવ સાંપડયો છે.
રાજ્ય સરકારે અદાણીને કેલેન્ડર વર્ષ 2020માં સરેરાશ રૂ.4.16ના ભાવે 69,960 લાખ યુનિટ વીજળી ખરીદવા પેટે રૂ. 2,376 કરોડ તથા કેલેન્ડર વર્ષ 2021માં સરેરાશ રૂ. 4.62ના ભાવે 55,510 લાખ યુનિટ વીજળી ખરીદવા પેટે રૂ. 2,395 કરોડ મળીને છેલ્લા બે વર્ષમાં કુલ 1,25,470 લાખ યુનિટ વીજળી ખરીદવા પેટે કુલ જંગી રૂ. 4,771 કરોડનું ચુકવણું કર્યું છે, તદુપરાંત આ બે વર્ષમાં સીઇઆરસીના હુકમ મુજબ વધુ રૂ. 475 કરોડ પણ અદાણીને ચૂકવ્યાં છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે બિડ-1 રૂ. 2.89ના ભાવનો અને બિડ-2 રૂ. 2.35ના ભાવનો હોવા છતાં હવે 2021ના અંતે રૂ.4.62ના ભાવે અદાણી પાસેથી વીજળી ખરીદાઈ રહી છે.
રસપ્રદ એ પણ છે કે, ફિકસ્ડ કોસ્ટ પેટે 2020માં સૌથી વધુ સરેરાશ યુનિટદીઠ ભાવ એપ્રિલ-20માં રૂ. 9.05 ચૂકવાયો હતો, જ્યારે 2021માં નવેમ્બર 21માં સૌથી વધુ ફિકસ્ડ કોસ્ટ સરેરાશ ભાવ રૂ.3.41 ચૂકવાયો હતો.