અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે.આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં, બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' અને ભાઈ બળભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે. CM રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે. જો કે આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી રહ્યું હતું.
હાલ રથયાત્રા જમાલપુરથી ખમાસા તરફ આગળ વધી રહી છે, જ્યારે ટ્રક મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા છે. જ્યાં એએમસીના મેયર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો સ્વાગતની તૈયારી સાથે ભગવાનની રાહ જોઈ રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી
ગૃહમંત્રી બન્યા બાદ ગુજરાત આવેલા અમિત શાહે મંગળા આરતી કરી છે. આ વખતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીનો લ્હાવો લેવા આવ્યા હતા. મંદિર જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અને મંગળા આરતી થતાં જ મેઘારાજાએ પણ પોતાની હાજરી નોંધાવી હોય તેમ અમીછાંટણા પડ્યા હતા. રથયાત્રામાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાયા. જાંબુ, ફણગાવેલા મગ સહિતનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.
BRTS-AMTS રૂટમાં ફેરફાર કરાયા
રથયાત્રાને લીધે બીઆરટીએસના ઝુંડાલ સર્કલથી નારોલ, નરોડા ગામતી ઇસ્કોન ચાર રસ્તા, ઓઢવથી એલડી એન્જી. કોલેજ, નરોડા ગામથી વાસણા, આરટીઓ સરક્યુલર, આરટીઓ એન્ટીસરક્યુલર રૂટ બંધ કરવામાં આવ્યા છે. એએમટીએસની 300થી વધુ બસનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રથમવાર પોલીસ બંદોબસ્તમાં ફેરફાર
રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાંથી ચાલુ વર્ષે ડીસીપીથી નીચેના તમામ પોલીસ અધિકારીઓની ગાડીઓ નહીં જોડાય. આમ કરવા પાછળના મુખ્ય બે કારણ એ છે કે પોલીસની લગભગ 40 થી 50 ગાડીઓ યાત્રાની સાથે નહીં જોડાવાથી યાત્રાની લંબાઈ લગભગ 400 થી 500 મીટર ટૂંકી થઇ જશે. તે સાથે તે તમામ ગાડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા ડીપ પોઈન્ટ વાળા રોડ ઉપર પેટ્રોલિંગ કરશે. રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની સાથે તેમની ગાડીઓ પણ જોડાય છે. ચાલુ વર્ષે રથયાત્રાના બંદોબસ્તમાંથી 40 થી 50 ગાડીઓ ઓછી કરાઈ છે. અને તે ડીપ પોઈન્ટ વાળા રોડ ઉપર પેટ્રોલિંગ કરશે.
પોણો ઈંચ વરસાદની આગાહી
મધ્યપ્રદેશ પાસે સ્થિર થયેલાં ડિપ્રેશનની અસરથી આગામી બે દિવસ અમદાવાદમાં પોણા(20 મીમી)થી બે ઇંચ(50 મીમી) વરસાદ પડવાની શક્યતા છે. બુધવારે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં મોડી સાંજે ઠંડા પવન ચાલુ થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, બંગાળની ખાડીમાંથી સર્જાયેલુ લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને હાલમાં મધ્યપ્રદેશનાં ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિર થયું છે, જેને કારણે આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં પોણોથી બે ઇંચ વરસાદ પડી શકે છે. તેમાંય ગુરુવારે વરસાદ પડવાની સૌથી વધુ શક્યતા હોવાથી રથયાત્રામાં અમીછાંટણાની સાથે વરસાદ ભગવાન જગન્નાથને તરબોળ કરી દે તેવી પ્રબળ શક્યતા છે. જયારે રાજ્યનાં સરહદી વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
શાહીબાગમાં મહંત સ્વામી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે
શાહીબાગના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વખતે પહેલી વાર મહંત સ્વામીના હસ્તે રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે. આ રથયાત્રામાં 10 હજારથી વધુ સાધુ-સંતો તેમજ હરિભક્તો જોડાશે. મહંત સ્વામી રિમોટ કન્ટ્રોલ દ્વારા રથનું પ્રસ્થાન કરાવશે. આ રથની ઊંચાઈ 2.5થી 3 ફૂટની હશે. મહંત સ્વામીના હસ્તે વહેલી સવારે ઠાકોરજીને સ્નાન તેમ જ પૂજાપાઠ કરીને રથ��ાં બેસાડવામાં આવશે. ગુરુવારે વહેલી સવારે 4 વાગે મહંત સ્વામી પોતાનો નિત્યક્રમ પાઠ પૂર્ણ કરીને સવારે 5.30 વાગ્યે શાહીબાગ મંદિરમાં વિશાળ સ્ટેજ પર રિમોટ કંટ્રોલ દ્વારા રથનું પ્રસ્થાન કરાવશે. ત્યાર બાદ ભક્તો રથને મંદિરના પરિસરમાં ભ્રમણ કરાવશે. રથયાત્રાની ઉજવણીમાં હજારો સંતો ઠાકોરજીના ભજન કીર્તન પણ કરશે. 10 હજારથી વધુ સાધુ સંતો તેમજ હરિભક્તો ભગવાનના નાદ સાથે આ રથયાત્રામાં જોડાશે.
‘જીવનનો રથ પ્રભુને સોંપો, સમસ્યામાંથી મુક્તિ મળશે’
રથયાત્રા અંગે બીએપીએસના વડા મહંત સ્વામીએ ઉપદેશ આપતા જણાવ્યું હતું કે, આપણું જીવન એક રથ સમાન છે, જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનનો રથ હાંક્યો હતો અને અનેક સમસ્યાઓમાંથી તેને વિજય પ્રાપ્ત કરાવ્યો હતો. તેવી જ રીતે જ આપણા જીવનનો રથ પણ ભગવાનને સોંપી દઈએ તો અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
તોફાનોમાં નિશાન બની રહેતી રથયાત્રા હવે એખલાસનું પ્રતીક
રથયાત્રા સાથે ભૂતકાળમાં શહેરમાં ફાટી નીકળેલા રમખાણોની પણ યાદ આવી જાય છે. 1946થી 1992 શહેર ચાર વાર રમખાણોની આગમાં સપડાયું હતું.
1946: રથયાત્રા કાલુપુર દરવાજા બહાર રાજમહેલ સર્કલ પાસે પહોંચી હતી ત્યારે અખાડિયનની કોઈકે મશ્કરી કર્યા બાદ રમખાણની ચીનગારી ભડકી ઊઠી હતી.
1969: મંદિરની ગાયો ચારો ચરીને પરત ફરી રહી હતી ત્યારે કબાબ-ભજિયાંની ગરમાગરમ વાનગી તૈયાર કરી રહેલી એક હાટડીનો તાવડો ગાયની અડફેટમાં આવી ગયો હતો, જેથી દુકાનદારે ઝારો તાવડામાં બોળીને ગરમ તેલ ગાય પર છાંટ્યું હતું અને પછી રાતે ટોળાએ રાત્રે મંદિર પર હુમલો કર્યાની અફવા ફેલાઈ. બીજી બાજુ તત્કાલીન મહંતે ઉપવાસ શરૂ દીધા હતા. સવાર સુધીમાં તંગદિલી ફેલાઈ હતી.
1985-86: અનામત આંદોલન પાર્ટ-2ને લીધે સ્થિતિ ગંભીર બની હતી અને રથયાત્રા પર પ્રતિબંધ મુકાયો હતો, પણ મંદિરના દ્વારેથી ગજરાજોએ પોલીસવાનો હડસેલી પ્રયાણ કરાવ્યું હતું.
1992: બાબરી ધ્વંસ બાદ ફેલાયેલી તંગદિલીમાં રથયાત્રાનો અવસર હિંસાની આગમાં ઝડપાઈ ગયો હતો. જોકે 92ના વર્ષ બાદ આજે 27 વર્ષ વીતી ગયાં, પણ કાંકરીચાડો સરખો થયો નથી.