અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામમાં માલધારીનાં ઘેટાંની જોકમાં સિંહ ત્રાટક્યા હતા અને આતંક મચાવ્યો હતો. જોકમાં રહેલા 50થી વધુ ઘેટાંનો સિંહે શિકાર કર્યો હતો તેમજ 15 જેટલાં ઘેટાં ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાને લઈ માલધારી ભાવુક થયા હતા અને રડવા લાગ્યા હતા.
સિંહના આતંકથી 15 જેટલાં ઘેટાં ઈજાગ્રસ્ત પણ થયાં
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક રહેતા ભોળાભાઈ ભીમભાઈ કુકડની ઘેટાં માટેની જોક છે. તેમણે અહીં જોકમાં દુધાળાં 80 જેટલાં ઘેટાં રાખ્યાં હતાં. ત્યારે ગત રાત્રે જોકમાં સિંહ ત્રાટકતાં દેકારો મચ્યો હતો. સિંહે જોકમાં આતંક મચાવી 50 જેટલાં ઘેટાંનો શિકાર કર્યો હતો તેમજ સિંહના આતંકથી 15 જેટલાં ઘેટાં ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટના બની એ દરમિયાન માલધારી બાજુમાં રહેલા મકાનમાં સૂતા હતા અને તેમણે જાગીને સિંહો સામે હિંમતભર બહાદુરી બતાવી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. ચારેતરફ જાળની બાંધેલી જોક ઘેટાં માટે બનાવેલી હતી, એની અંદર સિંહો ઘૂસતાં અફરાતફરી સર્જાઈ હતી. ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર ગ્રામજનોમાં વન વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડી આવ્યો
આ ઘટનાની જાણ થતાં રાજુલા રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ. સહિત વન વિભાગની ટીમ પણ દોડી આવી હતી અને ઘટનાસ્થળે તપાસ શરૂ કરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી છે તેમજ મૃતક ઘેટાંનાં મોત બાદ સરકાર દ્વારા અપાતી વળતરની રકમ માટે કાર્યવાહી શરૂ કરી છે. આ માલધારી પરિવારનાં દૂધ આપતાં ઘેટાંનો મોટા પ્રમાણમાં શિકાર થતાં માલધારીને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે, જેથી પરિવારની ચિંતા વધી ગઈ છે.
માલધારી પરિવારને ઝડપથી વળતર મળે એ માટે રજૂઆત
આ સમગ્ર ઘટનાના સમાચાર રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીને મળતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે માલધારી ભોળાભાઈ ભાવુક બની રડી પડ્યા હતા. જેથી હીરા સોલંકી દ્વારા તેમના પરિવારને ઘટનાસ્થળે 51,000 રોકડા સ્થળ પર આપી દિલાસો પાઠવતાં માલધારી પરિવારે હાશકારો અનુભવ્યો હતો. ત્યાર બાદ સ્થ�� પરથી વનમંત્રી કિરીટ સિંહ રાણાને ટેલિફોનિક રજૂઆત કરી આ માલધારી પરિવારને ઝડપથી વળતર મળે એ માટેની માગ કરી હતી.
અમારું બધું પૂરું થઈ ગયું છેઃ માલધારી
માલધારી ભોળાભાઈ કૂકડે જણાવ્યું હતું કે સિંહો આવી જતાં અમને ઘણું નુકસાન થયું છે. સિંહે અમારાં ઘેટાંને મારી નાખતાં અમારે તો હવે રોટલાનું પણ નથી રહ્યું અને અમારે માથે હાથ રાખી બેસવાનો વારો આવ્યો છે, જેથી સરકાર ઝડપથી મદદ કરી સહાય આપે એવી અમારી માગણી છે તેમજ તેમણે કહ્યું હતું કે હીરાભાઈએ રૂપિયા 51 હજારની સહાય કરી છે.
જરૂર પડશે તો સીએમને પણ રૂબરૂ મળીશઃ હીરા સોલંકી
પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ થતાં હું સ્થળ પર આવી પહોંચ્યો હતો અને સરવે પણ કર્યો છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી સ્થળ પરની કાર્યવાહી કરી સહાય માટેનો રિપોટ કરી ઝડપથી સહાય ચૂકવવા માટેના પ્રયાસ શરૂ કરાવ્યા છે. આજે વનમંત્રીને પણ ફોન કરી રજૂઆત કરી દીધી છે. માલધારી પર આજે આફત આવી છે, ખૂબ દુઃખદ બાબત છે, જરૂર પડશે તો હું મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીશ. આ માલધારીની સાથે હું અને મારી પાર્ટી ઊભી છે.