પોરબંદર નજીક આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક અરબી સમુદ્રમાં આગ લાગેલી ફિશિંગ બોટમાં સવાર 7 માછીમારોને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અરબી સમુદ્રમાં ફિશિંગ કરતી ‘કળશ રાજ’નામની બૉટમાં ઈંધણ લિકેજ થવાના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમયે ઈન્ડિયન કોસ્ટગાર્ડનું “આરુષ”નામનું જહાજ પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આથી કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ફિશિંગ બોટમાં સવાર ક્રુ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા.
કોસ્ટગાર્ડના અધિકારીના જણાવ્યા મુજબ, ફિશિંગ બોટમાં ઝડપથી આગ ફેલાઈ જવાના કારણે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે તેમાં સવાર માછીમારોને બચાવીને બોર્ડ પર લાવવામાં આવ્યા હતા. આ બચાવાયેલા માછીમારોને અન્ય ફિશિંગ બોટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હાલ આ તમામ તમામ માછીમારોને પ્રાથમિક સારવાર માટે ઑખા લઈ જવામાં આવ્યા છે.