પાદરામાં વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને નાગરિકે ગેસ સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? પ્રજાનું નહીં વિચારવાનું? તેવો સવાલ કરતાં 14 સેકન્ડમાં માઇક લેવાતાં લોકશાહીનું હનન થયાની લાગણી ઉભરી હતી.
ભાજપે શરૂ કરેલા વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત વડોદરા જિલ્લામાંથી થઈ છે. જે અંતર્ગત બુધવારે પાદરા સ્થિત આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીના નિવેદન સામે આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમણે મેન્ટલ હોસ્પિટલમાં જઈ ચેક અપ કરાવવું જોઈએ. તેઓ હિન્દુ ધર્મના ભાઈ-બહેનોની લાગણી સાથે રમત રમવાનું બંધ કરે. હું અહિયાથી તેમને વોર્નિંગ આપુ છું કે આવો જો પ્રયત્ન તેઓ વારંવાર કરશે તો આ હિંદુ પ્રજા તેમને પાઠ ભણાવશે. તે પણ તેમને જાણી લેવાની જરૂર છે.
સી.આર.પાટીલે કોંગ્રેસના નેતાના નિવેદન અંગે વધુ પ્રતિક્રિયા આપી હતી કે, તેમનામાં જો હિંમત હોય તો હિંદુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મસ્થાનો છે, અમે તેને એટલું જ સન્માન આપીએ છીએ, અમે તેના માટે પણ ક્યારે કોઈ નિવેદન કરતા નથી. તેમનામાં તાકાત હોય તો તેવા ધર્મસ્થાનોની આજુબાજુ પણ અનેક કુતરાઓ ફરતા હોય છે. જે શબ્દ પ્રયોગ તેમણે કર્યો છે, ત્યારે અન્ય ધર્મસ્થાનો પર પણ કુતરાઓ તેમની નૈસર્ગીંક પ્રક્રિયા કરતા હશે તે બાબતનું નિવેદન તેઓ કરે તો હું મર્દ સમજું. ઉલ્લેખનિય છે કે, એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર પર વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.
પાદરામાં બુધવારે યોજાયેલા વન ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં સમસ્યાના નિવારણ માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દિવ્યાંગો, વિધવા બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. પાદરા બાદ તેઓ વરણામા ત્રી-મંદિર પહોચ્યાં હતાં. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના વનડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ દરેક જિલ્લામાં 24 કલાક સુધી એ જિલ્લામાં રહેવું, પેજ કમીટીના સદસ્યો સાથે સંવાદ અને રેલી કરવી.
ત્યાર પછી તે જિલ્લાના સંગઠનના પદાધીકારીઓ, ધારાસભ્યો, સાંસદ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કરવો. કાર્યકર્તાઓની ફરિયાદી કે સુચનો સાંભળવા. અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવો.
દરમિયાન સભામાં એક નાગરિકે હાથમાં માઇક લઇને સવાલ ઉઠાવ્યો હતો કે રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? તમારે પ્રજાનું નહીં વિચારવાનું. મને જવાબ આપો. આ સવાલને પગલે કેટલાકે તાળીઓ પણ પાડી હતી. આખરે સવાલ પૂછનાર નાગરિકના હાથમાંથી માઇકલ લઇ લેવાયું હતું. જો કે સ્ટેજ પર બેઠેલા નેતાઓના મો સિવાઇ ગયા હતા.
મધરાતે મંદિરો તોડી નાખવાની ઘટનામાં પાટીલ જાણકારી મેળવશે
પાલિકા દ્વારા મધરાતે મંદિરો તોડી નાખીને હનુમાનજી, ગણપતિ સહિતની ભગવાનની મૂર્તીને નવલખી મેદાન ખાતે કચરામાં ફેંકી દેવાના મામલે સી.આર.પાટીલે આ અંગે માહિતી મેળવ્યા બાદ જવાબ આપવાનું જણાવ્યું હતું.