પનામા પેપર્સ લીક કૌભાંડના પાંચ વર્ષ પછી હવે પેન્ડોરા પેપર્સના નામથી લીક થયેલા કરોડોના દસ્તાવેજોએ ભારત સહિત 91 દેશોના હાલના અને પૂર્વ નેતાઓ, ઓફિસરો અને પ્રખ્યાત સેલિબ્રિટિના નાણાકિય રહસ્યો ખોલ્યા છે. પનામા પેપર લીક કૌભાંડમાં ખુલાસો થયો હતો કે કેવી રીતે અમીર વેપારીઓ અને સેલિબ્રિટિઓ ટેક્સ ચોરી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ ફરી એક વખત આવો જ એક ખુલાસો સમગ્ર દુનિયા સામે આવ્યો છે અને આ વખતે આ પેપર લીકનું નામ છે પેન્ડોરા પેપર લીક. આ દસ્તાવેજોમાં ભારતના છ અને પાકિસ્તાનના સાત નેતાઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
શું છે પેન્ડોરા પેપર લીક?
પેન્ડોરા પેપર લીકમાં સમગ્ર દુનિયાના અંદાજે 1.20 કરોડ દસ્તાવેજોની તપાસ કર્યા પછી સમગ્ર દુનિયામાં ચાલતી પૈસાની લેણ-દેણ અને હેરાફેરી વિશે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ એક એવુ પેપર લીક છે જેમાં છુપાવવામાં આવેલી સંપત્તિ, ટેક્સથી બચવા માટેની પદ્ધતિઓ, દુનિયાના અમીર અને શક્તિશાળી લોકો દ્વારા મનિ લોન્ડરિંગનો ખુલાસો કરે છે. 117 દેશોના 600થી વધારે પત્રકારો અને 140 મીડિયા ઓર્ગેનાઈઝને ઘણાં મહિનાઓ સુધી સતત કામ કર્યું અને 14 અલગ અલગ સોર્સના દસ્તાવેજોની તપાસ કરીને આ સમગ્ર ખુલાસો કર્યો છે.
આ ખુલાસો ઈન્ટરનેશનલ કંસોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટે (ICIJ) કર્યો છે. જેને વિશ્વનો સૌથી મોટો ખુલાસો માનવામાં આવે છે. પેન્ડોરા પેપર્સ લીકમાં 90 દેશોની પ્રખ્યાત સેલિબ્રિટિના નામ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાનના પણ ઘણાં નેતાઓ સામેલ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું નામ પણ આ પેપર લિકમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે અને તેથી હાલ તેમના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે.
શું ખુલાસો કરાયો?
પેન્ડોરા પેપર લીક વિશે બીબીસી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પેન્ડોરા પેપર્સ લીકમાં 64 લાખ દસ્તાવેજ, અંદાજે 30 લાખ તસવીરો, અંદાજે 10 લાથથી વધારે ઈમેલ્સ અને અંદાજે 5 લાખ સ્પ્રેડશીટ સામેલ છે. ઈન્ડિયન એક્સપ્રેસે તેમના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતના અમીર વેપારી અનિલ અંબાણી જેમણે બ્રિટનની એક કોર્ટમાં પોતાને નાદાર ગણાવ્યા છે પરંતુ તેમની પાસે વિદેશમાં 18 કંપનીઓ છે.
90 દેશોના 330 મોટા નેતાઓના નામ
પેન્ડોરા પેપરની ફાઈલોથી ખુલાસો થાય છે કે, કેવી રીતે દુનિયાના અમુક શક્તિશાળી લોકો જેમાં 90 દેશોના 330થી વધારે રાજનેતા સામેલ છે તેમણે તેમના ધનને છુપાવવા માટે ગુપ્ત કંપનીઓનો ઉપયોગ કર્યો છે. અમેરિકન થિંક ટેન્ક ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્ટીગ્રિટીના લક્ષ્મી કુમારે જણાવ્યું છે કે, આ લોકો મોટા ભાગે જાણીતી ના હોય તેવી સેલ કંપનીઓનો ઉપયોગથી તેમનું ધન છુપાવે છે.
પેન્ડોરા પેપર લીકમાં અંબાણી-સચિન સહિત ઘણી મોટી સેલિબ્રિટિઓના નામ
ઈન્ડિયન એક્સપ્રેસમાં આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પેન્ડોરા પેપર લીકમાં ભારતની ઘણી સેલિબ્રિટિઓના નામ છે, જેમાં પંજાબ નેશનલ બેન્કમાંથી હજારો-કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી જનાર હીરાના વેપારી નીરવ મોદીનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નીરવ મોદીની બહેને તે ભાગ્યો તેના એક મહિના પહેલાં જ ટ્રસ્ટ બનાવીને પૈસાની હેરા-ફેરી કરી હતી. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, પાંચ વર્ષ પહેલાં પનામા પેપર્સ લીક પછી ભારતીય સેલિબ્રિટિઓએ સાચવીને તેમની સંપત્તિ રિ-ઓર્ગેનાઈઝ કરવાની શરૂઆત કરી દીધી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે પનામા પેપર લીકના ત્રણ મહિના પછી વર્જિન આઈલેન્ડમાં આવેલી તેમની સંપત્તિ વેચવાનો પ્રયત્ન કર્યો હતો.
લિસ્ટમાં 300 ભારતીયોના નામ
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે પેન્ડોરા પેપર લીકમાં ભારતના 300થી વધારે લોકોના નામ છે. જેમાંથી 60 પ્રખ્યાત વ્યક્તિઓના પુરાવા સાથેના દસ્તાવેજો મળી આવ્યા છે. પેન્ડોરા પેપર લીક કરનાર સંસ્થાએ કહ્યું છે કે, ધીમે ધીમે પુરાવા સાથે નામોના ખુલાસો કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ લોકોને ટેક્સથી બચવા માટે ઘણાં પ્રકારના ગેરકાયદેસર કામ કર્યા, જેમાં સમાઓ, બેલીજ, કુક આઈલેન્ડ સિવાય બ્રિટિશ વર્જિન આઈલેન્ડ અને પનામામાં ટેક્સ હેવન બનવાનું કામ કર્યું.
ભારતના જીડીપીથી વધારે ટેક્સ ચોરી
પેન્ડોરા પેપર્સ લીક કરનાર સંસ્થા ICIJના જણાવ્યા પ્રમાણે, દુનિયાના અમીર વેપારીઓ, રાજનેતાઓ અને સેલિબ્રિટિઓએ કેટલા પૈસાની હેરાફેરી કરી તે ચોક્કસ રીતે જણાવવું મુશ્કેલ છે. પરંતુ ICIJના અંદાજ પ્રમાણે સમગ્ર દુનિયામાં અંદાજે 5.6 ટ્રિલિયન ડોલરથી 32 ટ્રિલિયન ડોલર સુધીના રૂપિયા વિદેશમાં નાની મોટી કંપની બનાવીને જમા કરવામાં આવ્યા અને ઈન્ટરનેશનલ મોનીટરી ફંડે કહ્યું કે, ટેક્સ હેવનના ઉપયોગથી સમગ્ર દુનિયાની સરકારોને અંદાજે 600 અબજ ડોલર ગુમાવવા પડ્યા છે. એક્સપર્ટે કહ્યું છે કે, આ દેશ અને સમાજ માટે ઘણું ઘાતક છે. આની સીધી અસર દેશના લોકોના જીવન પર પડે છે. બાળકોનું શિક્ષણ, સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે. વિકાસ યોજના ઉપર પણ તેની અસર થઈ શકે છે.
દુનિયાના મોટા મોટા નેતાઓના નામ
ભારતના હાલ બે નામ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાંથી એક નામ સચિન તેંડુલક અને બીજુ નામ અનિલ અંબાણીનું છે. પરંતુ આ સિવાય વિશ્વના ઘણાં નેતાઓના નામ પેન્ડોરા પેપર લીકમાં આવી રહ્યા છે. તેમાં જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા, ઈક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપ્બલિકના વડાપ્રધાન પણ સામેલ છે. તે સિવાય બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયરનું નામ પણ પેન્ડોરા પેર લીકમાં સામેલ છે. આ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાસ સહયોગીનું નામ પણ સામેલ છે. આ સિવાય રશિયા, અમેરિકા, મેક્સિકોના અંદાજે 130 અબજપતિ વેપારીઓના નામ પણ સામેલ છે. તે ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનથી લઈને તેમના ઘણાં મંત્રીઓ આ પેપર લીકમાં સામેલ છે. પાકિસ્તાનના ઘણાં વિપક્ષી નેતાઓના નામ પણ પેન્ડોરા પેર લીકમાં સામેલ છે.
પેપર લિકમાં PM ઈમરાન સહિત 700 લોકોના નામ
પેન્ડોરા પેપર્સ લિકે પાકિસ્તાનના રાજકારણમાં વિવાદ સર્જી દીધો છે. આ લિસ્ટમાં 700 પાકિસ્તાનીઓના નામ છે. ઈમરાન ખાન સરકારના ઘણાં મંત્રીઓ અને પરિવારના સભ્યોના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમાં જળ સંસાધન મંત્રી મૂનિસ ઈલાહી, ઉ્દોયગમંત્રી ખુસરો બખ્તિયાક, નાણા મંત્રી શૌકત તારિન અને સાંસદ ફૈસલ વાવડા પણ સામેલ છે. નેતાઓ સિવાય આ લિસ્ટમાં સેનાના અધિકારીઓ પણ સામેલ છે. આ રિપોર્ટ આવ્યા પછી પાકિસ્તાનના વિપક્ષે સરકાર સામે પ્રહારો શરૂ કરી દીધા છે અને ઈમરાન ખાનના રાજીનામાની પણ માંગણી કરી છે.
જોકે રિપોર્ટ સામે આવ્યા પછી પાકિસ્તાની વડાપ્રધાને ઈમરાન ખાને ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, લિસ્ટમાં જે પણ લોકોના નામ હશે તેમની સામે તપાસ કરવામાં આવશે. દોષિતો સામે આકરા પગલાં લેવામાં આવશે.
પુતિનની ગર્લફ્રેન્ડ પન્ડોરા પેપર્સમાં સામેલ
પેન્ડોરા પેપર લીકમાં પુતિનની મોલાકોમાં આવેલી ગુપ્ત સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં વિદેશમાં આવેલી એક કંપની વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો છે. જોકે આ કંપનીની માલિકી તેની ગર્લફ્રેન્ડ પાસે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનની ગર્લફ્રેન્ડે આ અપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેની કિંમત 4.1 મિલિયન ડોલર છે. આ લક્ઝુરિયસ ફ્લેટ બ્રોકવિલે ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યું છે. પેન્ડોરા પેપર્સમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ફ્લેટની ઓનર Svetlana Krivonogikh નામની એક મહિલા છે.
તેંડુલકરના વકિલે કહ્યું, રોકાણ કાયદાકીય રીતે યોગ્ય
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, તેંડુલકરના વકિલે કહ્યું કે, પૂર્વ ક્રિકેટરનું રોકાણ કાયદાકિય રીતે યોગ્ય છે અને તે વિશે ટેક્સ અધિકારીઓની બધી માહિતી છે. શકીરાના વકિલે કહ્યું કે, પોપ સિંગર તેમની કંપનીઓથી ટેક્સ એડ્વાન્ટેજ નથી લઈ શકતી અને આ વિશે તેમણે બધી માહિતી સરકારને આપી છે.