પ્રયાગરાજમાં સોમવારે સાંજે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્ર ગિરિનું શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. તેમને આજે સમાધિ આપવામાં આવશે. આ પહેલાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે બાધંબરી ગદ્દી મઠ ખાતે રાખવામાં આવશે. પંચ પરમેશ્વર પણ પહોંચશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ જવા રવાના થયા છે. તેઓ મહંત નરેન્દ્ર ગિરિની અંતિમ યાત્રામાં જોડાઈ શકે છે. ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય પણ અંતિમસંસ્કારમાં હાજરી આપશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચ પરમેશ્વર મહંત નરેન્દ્ર ગિરિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેશે. હાલ તેમના મૃતદેહને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો છે. સરોજિની નાયડુ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આશ્રમની આસપાસનો વિસ્તાર બેરિકેડ અને સીલ કરવામાં આવ્યો છે, જ્યારે આશ્રમની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
અલાહાબાદ હાઈકોર્ટમાં મહંત નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોતની CBI તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર એડવોકેટ સુનીલ ચૌધરીએ પ્રયાગરાજના DM અને SSPને તાત્કાલિક બરતરફ કરવાની માગ કરી હતી.
પ્રયાગરાજ સાંસદ રીટા બહુગુણા જોશી પણ પહોંચી ગયાં છે. તેમણે કહ્યું, આ એક સંતની આત્મહત્યાનો કેસ છે. તેના મૂળ સુધી જવામાં આવશે. આની પાછળના લોકો કોણ છે, કોણ દોષિત છે, એની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
શિષ્ય આનંદ ગિરિ સામે કેસ દાખલ
મોડી રાત્રે, મહંત નરેન્દ્ર ગિરિના જૂના શિષ્ય યોગગુરુ આનંદ ગિરિ વિરુદ્ધ કલમ 306 હેઠળ જ્યોર્જટાઉન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. કલમ 306નો અર્થ છે આત્મહત્યા માટે મજબૂર કરવા. હનુમાન મંદિરના સંચાલક અમર ગિરિ વતી આ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે મહંતે આનંદના ત્રાસને કારણે મહંતે પોતાનો જીવ આપ્યો હતો.
આનંદ ગિરિની સોમવારે સાંજે ઉત્તરાખંડ પોલીસે ધરપકડ કરી હતી. મોડી સાંજે સહારનપુર પોલીસ અને યુપીથી એસઓજીની ટીમ હરિદ્વારના આશ્રમ પહોંચી હતી અને લગભગ દોઢ કલાક સુધી પૂછપરછ કરી હતી. એ બાદ આનંદ ગિરિની ધરપકડ કરી સાથે લઇ જવામાં આવ્યો હતો. અગાઉ આનંદ ગિરિએ તેને એક મોટું ષડયંત્ર ગણાવતાં કહ્યું હતું કે તે નિર્દોષ છે. આનંદે સીએમ યોગી પાસે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. તેણે કહ્યું, હું તપાસમાં દરેક સહકાર માટે તૈયાર છું. દોષિતોને છોડવામાં ન આવે.
આનંદ બાદ આદ્યા તિવારી અને તેના પુત્ર સંદીપ તિવારીને પણ યુપી પોલીસે પ્રયાગરાજથી પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા.
સુસાઇડ નોટમાં આનંદ ગિરિનો ઉલ્લેખ છે
આઈજી રેન્જ કેપી સિંહે જણાવ્યું હતું કે સ્થળ પરથી 7 પાનાંની સુસાઈડ નોટ મળી આવી છે. આમાં મહંત નરેન્દ્ર ગિરિએ વસિયતનામાની જેમ લખ્યું છે, એમાં શિષ્ય આનંદ ગિરિનો પણ ઉલ્લેખ છે. નરેન્દ્ર ગિરિ દ્વારા તેની સુસાઇડ નોટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કયા શિષ્યને શું આપવાનું છે? કેટલું આપવું? સુસાઈડ નોટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે તે તેના કેટલાક શિષ્યોના વર્તનથી ખૂબ જ દુઃખી હતા અને તેથી જ તે આત્મહત્યા કરી રહ્યા છે. પ્રથમ નજરે તે આત્મહત્યાનો કેસ હોવાનું જણાય છે.
સવાર���ી જ ચહેરા પર ટેન્શન દેખાતું હતું, સૂતેલા હનુમાન મંદિરે પણ ન ગયા
જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે સવારથી નરેન્દ્ર ગિરિના ચહેરા પર તણાવ દેખાઈ રહ્યો હતો. સૂતેલા હનુમાન મંદિરના કર્મચારીઓનું કહેવું છે કે તેમના વર્તનમાં પહેલાં ક્યારેય આવો ફેરફાર થયો નથી, તેઓ સંગમના કિનારે આવેલા લેટે હનુમાન મંદિરે પહોંચ્યા બાદ સવારે આઠ વાગ્યા સુધી પ્રાર્થના કરતા હતા, પરંતુ ગઈકાલે સવારે તેઓ ત્યાં ગયા ન હતા. લોકોને લાગ્યું કે મહંતની તબિયત સારી નહીં હોય, તેથી તેઓ નથી આવ્યા.
બપોરે 11:30 વાગ્યે ભોજન લીધું હતું
બાધંબારી મઠ ખાતે વેદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે રાબેતા મુજબ મહંત નરેન્દ્ર ગિરિએ 11:30 વાગ્યે ઘંટ વાગતાં તમામ લોકો સાથે ભોજન કર્યું. ત્યાં હાજર શિષ્યો અને સ્ટાફ તરફથી તેમના હાલચાલ પણ પૂછવામાં આવ્યા હતા. એક શિષ્યે કહ્યું હતું કે તેમણે ભોજન કર્યું અને મારા હાલ પણ પૂછ્યા હતા.
બપોરે એક વાગ્યા આસપાસ રૂમમાં ગયા હતા
આશ્રમના જે રૂમમાં જ્યાં મહંત નરેન્દ્ર ગિરિ મૃત હાલતમાં મળી આવ્યા હતા ત્યાં આશરે એક વાગ્યે તેઓ આરામ કરવા ગયા હતા. ત્યાંના સ્ટાફ અને શિષ્યોએ કહ્યું હતું કે તેઓ ઘણીવાર પહેલા માળે રહેલા રૂમમાં જ આરામ કરતા હતા. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર રૂમમાં, જ્યારે તેમને થોડો સમય રોકાવાનો હોય ત્યારે જ જતા હતા. સોમવારે તેઓ બપોરે એક વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર રૂમમાં આરામ કરવા ગયા હતા. સાંજે 5:20 વાગ્યે તેમના મોતની જાણકારી મળી હતી.
મઠના પરિસરમાં લીમડાના ઝાડ પાસે બનાવાશે સમાધિ
મહંત નરેન્દ્ર ગિરિએ પોતાની સુસાઈડ નોટમાં દરેક મુદ્દા લખ્યા છે. તેમણે એ નોંધમાં પણ લખ્યું છે કે તેમની સમાધિ મઠમાં આવેલા લીમડાના ઝાડ નીચે યજ્ઞશાળા પાસે બનાવવામાં આવે. આહવાન અખાડાના કમલ ગિરિ મહારાજે પણ જણાવ્યું હતું કે અગાઉ વાતચીત દરમિયાન તેમણે બ્રહ્મલીન થવા પર મઠમાં જ સમાધિ બનાવવાની વાત કરી હતી.
અંતિમ યાત્રા સંગમ કિનારે સ્થિત સૂતેલા હનુમાન મંદિરે જશે
મઠમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહંત નરેન્દ્ર ગિરિજીની અંતિમયાત્રા સંગમ કિનારે સ્થિત સૂતેલા હનુમાન મંદિરે પણ લઈ જઈ શકાય છે, જેના માટે મઠ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. જ્યારે રાત્રે જ 13 અખાડાના સાધુ-સંતો બાધંબરી મઠ પહોંચ્યા અને શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે CBI તપાસ કરાવવી જોઈએ.