આપણા પડોશી દેશ પાકિસ્તાનની કંગાળ હાલત કોઇનાથી છૂપી નથી પણ કદાચ વાચકોને એ ખબર નહી હોય કે અગ્રણી બિઝનેસ જૂથ ટાટા જૂથે જ એકલા હાથે સમગ્ર પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ રાખી દીધું છે. એક અહેવાલ અનુસાર ટાટા જૂથનું માર્કેટ કેપિટલાઇઝેશન 365 અબજ ડોલર એટલે કે 30.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. બીજી તરફ આઈએમએફના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની જીડીપી(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન) 341 અબજ ડોલરની જ છે એટલે કે એકલંુ ટાટા જૂથ જ પાક. અર્થતંત્ર કરતાં મોટું છે. સોનાથી લઇને સોફ્ટવેર સુધીના ક્ષેત્રોમાં વેપાર કરનારા ટાટા જૂથમાં એકથી એક ચડે તેવી કંપનીઓ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસની એકલીનું વેલ્યૂએશન 15 લાખ કરોડ રૂપિયા એટલે કે 170 અબજ ડોલર છે. આ કંપની ભારતની બીજા ક્રમની સૌથી મોટી કંપની છે. બીજા શબ્દોમાં કહીએ તો એકલી ટીસીએસ કંપની જ અડધા પાકિસ્તાની અર્થતંત્ર જેટલું કદ ધરાવે છે.
ટાટા જૂથની લિસ્ટેડ કંપનીઓનું પ્રદર્શન
નોંધનીય છે કે ટાટા જૂથની માર્કેટ વેલ્યૂમાં અલગ અલગ લિસ્ટેડ કંપનીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ટાટા મોટર્સ અને ટ્રેન્ટે પાછલા એક વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે. આવી જ તેજી ટાઇટન, ટીસીએસ અને ટાટા પાવરમાં જોવા મળી હતી. તાજેતરમાં જ લિસ્ટેડ બનેલી ટાટા ટેકનોલોજી સહિતની ટાટા જૂથની આઠ કંપનીઓએ પાછલા 12 મહિનામાં પોતાના મૂલ્યને બમણું કરી દીધું છે. આ દરમિયાન ટાટા કેમિકલ્સ એકમાત્ર એવી કંપની રહી છે જેના વેલ્યૂએશનમાં ઘટાડો થયો છે.
અનલિસ્ટેડ કંપનીઓ જૂથના મૂલ્યમાં $170 અબજનો ઉમેરો કરી શકે
જો કે નોંધનીય છે કે ટાટા જૂથની તમામ કંપનીઓ લિસ્ટેડ નથી. ટાટા સન્સ, ટાટા કેપિટલ, ટાટા પ્લે, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ તથા એરલાઇન વ્યવસાય(એર ઈન્ડિયા અને વિસ્તારા) જેવી કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ નથી પણ જો તેમના અનુમાનિત બજાર મૂલ્યને ધ્યાન પર લેવામાં આવે તો ટાટા જૂથના કુલ મૂલ્યમાં 160-170 અબજ ડોલરનો વધારો થઇ શકે તેમ છે.
ભારતનું અર્થતંત્ર પાક.ના અર્થતંત્ર કરતાં 11 ગણું મોટું
ભારતની સરખામણીએ પાકિસ્તાનનું અર્થતંત્ર 11 ગણું નાનું છે. વર્તમાન સમયમાં દેશની જીડીપી લગભગ 3.7 અબજ ડોલરની છે. માનવામાં આવે છે કે 2028 સુધીમાં ભારત જાપાન અને જર્મનીને પછાડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. હાલમાં ભારત પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે.
કંગાળ પાકિસ્તાન દેવાના ડુંગર હેઠળ દબાયેલું છે
બીજી તરફ તમામ મોરચે પાયમાલ થઇ ગયેલું પાકિસ્તાન હાલમાં ભારે દેવાના બોજ સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાન પર ઊર્જા અને અન્ય દેવા મળીને કુલ 125 અબજ ડોલરનું ભારણ છે. તેની પાસે હાલમાં ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વ લગભગ આઠ અબજ ડોલરનું જ છે. પાક. સરકારને આ વર્ષે જે આવક મળશે તેનો 50 ટકા હિસ્સો તો ફક્ત જંગી ઋણ પરનું વ્યાજ ચૂકવવામા�� જ વપરાઇ જવાનો છે.
પાક. ટાળી ન શકાય તેવા ડિફોલ્ટ તરફ જઈ રહ્યું છે
ઇસ્લામાબાદ સ્થિત થીંક ટેન્ક તબાદલેબનો અહેવાલ તો પાકિસ્તાનના નાણાકીય સ્વાસ્થ્યનું ભયંકર ચિત્ર દોરે છે, જે રિપોર્ટ જણાવે છે કે પાકિસ્તાનની હાલત આઈએમએફએ જણાવી તેના કરતાં ઘણી વધારે ખરાબ છે. દેવાનું સ્તર ભયજનક ઊંચાઇ પર પહોંચવાની સાથે પાકિસ્તાન અનિવાર્ય ડિફોલ્ટની ભયંકર સંભાવનાઓનો સામનો કરી રહ્યું છે. મતદારોમાં આર્થિક નિરાશાવાદ વચ્ચે ડેટના ટકાઉપણાની ચિંતા છે જે તાજેતરના ગેલોપ પોલ અને વિવાદાસ્પદ ચૂંટણી દ્વારા
હાઇલાઇટ થાય છે.