જેમ જેમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. હવે સ્થિતિ એવી છે કે, વિરોધીઓની સાથે સાથે પોતાના અંગત લોકો પણ ટાર્ગેટ કરી રહ્યા છે. હવે આવી ઘટના પંજાબમાંથી સામે આવી છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની બહેન સુમન તૂરે પોતાના ભાઈ પર સંપત્તિ કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. તે તો ત્યાં સુધી કહે છે કે પ્રોપર્ટી પર કબજો કરવા માટે તેણે તેની માતાને બેઘર કરી દીધી.
પિતાના અવસાન બાદ માતાને ઘરમાંથી કાઢી મૂકી
નવજોત સિદ્ધુની બહેન હોવાનો દાવો કરતી સુમન તૂર અમેરિકામાં રહે છે. તેમણે કહ્યું કે, તેના ભાઈએ 1986માં તેના પિતાના મૃત્યુ બાદ તેની માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પછી, તેની માતાનું 1989માં દિલ્હી રેલ્વે સ્ટેશન પર લાવારિસ હાલતમાં મૃત્યુ થયું હતું. સુમન તૂરે કહ્યું કે તે નવજોત સિંહ સિદ્ધુને મળવા તેમના ઘરે ગઈ હતી, પરંતુ કોઈએ ગેટ ન ખોલ્યો.
સિદ્ધુએ માતા સાથે કરેલા વર્તન માટે માફી માગવી જોઈએ
સુમન તૂરે કહ્યું કે તે 1990માં અમેરિકા ચાલી ગઈ હતી. સિદ્ધુએ તેની માતા સાથે ઘણો અન્યાય કર્યો છે. તે સિદ્ધુને કહેવા માગતી હતી કે, સાર્વજનીક રીતે માતા વિશે કહેલી વાતો માટે માફી માગે, પરંતુ તેણે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
મિલકત માટે માતાને છોડી દીધી
સુમન તૂરે કહ્યું કે જે પરિવારનો ન થયો તે બીજાનો શું થશે. તેણે મિલકત માટે માતાને છોડી દીધી. તમને જણાવી દઈએ કે પંજાબની 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. પંજાબ ચૂંટણીના પરિણામ 10 માર્ચે આવશે.