દેશના સૌથી ધનિક બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પોતાનો જમણો હાથ મનાતા મનોજ મોદીને લાંબા સમયથી તેમણે દાખવેલી પ્રામાણિકતા અને તેઓ પરિવાર સાથે રહી શકે તે માટે એક-બે નહીં પણ પૂરા 22 માળનું બિલ્ડિંગ ભેટમાં આપ્યું છે.આ ઇમારત મુંબઇના સૌથી મોંઘાદાટ વિસ્તાર નેપિયન્સી રોડ પર આવેલી છે.
આ બિલ્ડિંગની કિંમત લગભગ 1500 કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહી છે. ઇમારતનું નામ ક્રિસ્ટિન્ડ વૃંદાવન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે સમર્પણ સાથે કરેલી સખત મહેનતના બદલામાં મનોજ મોદીને આ ઇમારત ભેટ તરીકે અપાઇ છે. લગભગ 1500 કરોડની કિંમતની હોવાને કારણે આ ઇમારત મુંબઇમાં સૌથી મોંઘાદાટ રહેણાંક પૈકી એક છે. આ બગલાનો દરેક માળ 8000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવે છે. બંગલો કુલ 1.9 લાખ ચોરસ ફૂટ વિસ્તાર ધરાવે છે.
મનોજ મોદીને અપાયેલા આ બંગલાનું નિર્માણ લાઇટન ઇન્ડિયા કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ કરી રહ્યું છે, તેના ઇન્ટિરિયરનું સઘળું કામ તલાટી એન્ડ પાર્ટર્નસ LLP દ્વારા કરાયું છે. બંગલાનું તમામ ફર્નિચર ઇટાલીથી આયાત કરાયેલું છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની તરફથી પણ બંગલામાં ઘણી વસ્તુઓ ઉમેરાવીને તેને શણગાર્યું છે.
કેટલું વૈભવી છે મકાન?
વૃંદાવનના ટેરેસ પર સ્વિમિંગ પુલ આવેલો છે જે અરબ સમુદ્ર જેવો ભાસ કરાવે છે. 19માં અને 21માં માળે પેન્ટહાઉસ આવેલા છે, જ્યાં મોદી પોતાના પરિવાર સાથે રહેશે. બિલ્ડિંગના 16, 17 અને 18માં માળે તેમના મોટા પુત્રી ખુશ્બુ પોદ્દાર, તેમના પતિ રાજીવ પોદ્દાર અને તેમના સાસુ-સસરા અરવિંદ અને વિજયાલક્ષ્મી પોદ્દાર રહેશે. પોદ્દાર પરિવાર બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચલાવે છે. તે ઉપરાંત 11,12 અને 13માં માળ મોદીના નાના પુત્રી ભક્તિ મોજીને અપાયા છે. ભક્તિ ઇશા અંબાણી સાથે મળીને રિલાયન્સ, રિટેઇલમાં કામ કરે છે. મોદીની ઓફિસ 14માં માળે રહેશે. 15માં માળ પર ઇન-હાઉસ મેડિકલ અને આઇસીયુ સેટઅપ તેમજ પૂજા રૂમ રહેશે.
હાઈટેક સિક્યોરિટી સિસ્ટમ
ઇમારતના 8,9 અને 10મા માળ મનોરંજન માટે અનામત છે, જેમાં ખેલ સુવિધા, પાર્ટી રૂમ્સ, મીટિંગ માટેનો વિસ્તાર, સ્પા, તેમજ 50 પ્રેક્ષકોને સમાવી શકે તેવું થિયેટર રહેશે. બીજી તરફ બિલ્ડિંગના પહેલા સાત માળ પાર્કિગ માટે અનામત રહેશે. ઇમારતમાં 175 લોકોનો સ્ટાફ રહેશે જે મોદી પરિવારની સુરક્ષા અને સેવા માટે ઉપલબ્ધ રહેશે. જેમાં વિશ્વ સ્તરીય શેફ, બટલર્સ અને મેનેજર રહેશે. ઇમારતને સુરક્ષિત રાખવા માટે હાઇટેક સિક્યોરિટી સિસ્ટમ પણ બેસાડવામાં આવી છે.