ભારતીય સેનાના પ્રમુખ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત આપણી વચ્ચે નથી રહ્યા. ભારતીય સેનાએ આ દુખજ સમાચાર દેશવાસીઓ સાથે શેર કર્યા છે. તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. જેમા બિપિન રાવત, તેમની પત્ની મધૂલિકા રાવત સહિત 13 લોકોના નિધન થયા છે. બિપિન રાવત તે હેલિકોપ્ટરમાં સવાર હતા, જે કુન્નુરથી વેલિંગટન જઇ રહ્યું હતું. જે કુન્નુરના જંગલમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
ભારતના પ્રથમ સીડીએસના નિધનના સમાચારથી દેશમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. 31 ડિસેમ્બર 2019ના રોજ થલ સેનાધ્યક્ષ તરીકે રિટાયર થયા બાદ આગામી દિવસે જ જનરલ રાવત દેશના પ્રથમ પ્રમુખ બન્યા હતા. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી થલ સેનાધ્યક્ષના પદ પર રહ્યા હતા.
63 વર્ષીય જનરલ રાવત ઉત્તરાખંડના તે પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા, જે પેઢીઓથી મા ભોમની સેવા કરે છે. લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવતના પુત્ર બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં થયો હતો. તેમનો પરિવાર ઘણી પેઢીઓથી સેનામાં સેવા આપી રહ્યો છે. બિપિન રાવત સેન્ટ એડવર્ડ સ્કૂલ, શિમલાના અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકસાલાના વિદ્યાર્થી હતા. તેમને ડિસેમ્બર 1978માં ભારતીય મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાંથી 11મી ગોરખા રાઈફલ્સની 5મી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું, જ્યાં તેમને ‘સ્વોર્ડ ઑફ ઓનર’ એનાયત કરવામાં આવ્યા હતા.
બિપિન રાવતનો પરિવાર
બિપિન રાવતના પત્ની મધૂલિકા રાવત આર્મી વેલફેર સાથે જોડાયેલા હતા. તેઓ આર્મી વુમન વેલફેર એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. બિપિન રાવત પોતાની પાછળ બે દીકરીઓને છોડીને ગયા છે. રાવતની બે દીકરીઓ છે. મોટી દીકરી કૃતિકાના થોડા સમય પહેલા જ મુંબઇમાં લગ્ન થયા છે જ્યારે નાની દીકરી તારિણી હાલમાં અભ્યાસ કરી રહી છે.
દેશની વિશિષ્ટ સેવાઓ આપવા બદલ ઘણી વખત પુરસ્કાર આપવામાં આવ્યો
બિપિન રાવતને આતંકવાદ વિરોધી કામગીરીમાં કામ કરવાનો ઘણા વર્ષોનો અનુભવ હતો. બિપિન રાવતે ઘણા વર્ષો સુધી ઊંચાઈ પરના યુદ્ધના મેદાનમાં પણ કામ કર્યું હતું. તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને ‘પરમ વિશિષ્ટ સેવા મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ વગેરેથી નવાજવામાં આવ્યા હતા.