આજે પ્રજાસત્તાક દિવસ છે. ભારતભરમાં તેની ઉજવણી થઇ રહી છે. દિલ્હીમાં પરેડનું આયોજન પણ થાય છે. ત્યારે આપણે ઇન્ડિયન એરફોર્સના એક ઉમદા પાયલોટ એર કોમોડોર સુરેન્દ્રસિંગ ત્યાગી સાથે પ્રજાસત્તાક દિનને લઈને વાતચીત કરી રહ્યા છીએ. પોતાની સુજ્બુજ અને કર્મનિષ્ઠાથી તેઓ બે યુદ્ધ પણ લડી ચુક્યા છે. તેઓ Mig-21 ફાઈટર એરક્રાફ્ટ પર 6 હજારથી વધારે સોર્ટી કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. Mig-21 ફાઈટર એરક્રાફ્ટ પર આટલી સફર કરનારા તેઓ વિશ્વના એકમાત્ર વ્યક્તિ છે. તેઓ રાષ્ટ્રપતિ દ્વારા વાયુ સેના મેડલ પણ મેળવી ચુક્યા છે. પોતાની ૩૨ વર્ષની કારકિર્દીમાં તેઓ 16થી વધારે મેડલ મેળવી ચુક્યા છે. ઇન્ડિયન એરફોર્સના તમામ ફાઈટર એરક્રાફ્ટ તેઓ બખૂબી ચલાવી જાણે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડને લઈને તેઓ જણાવે છે કે અમે પ્રજાસત્તાક દિવસની પરેડને લઈને ખુબ ઉત્સાહિત રહેતા હતા. મારા કરિયરના શરૂઆતના દિવસો હતા ત્યારે અમે ખુબ વધારે પ્રેક્ટીસ કરતા હતા. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તમામ એરક્રાફ્ટ જાતે ચલાવવા પડતા, કોઈપણ ફાઈટર પ્લેન ઓટોમેટીક હતું નહી. એ વખતે હજાર મીટરનું અંતર પણ ખુબ ઓછુ લાગતું હોય છે. પરેડ દરમિયાન ચાર એરક્રાફ્ટ બોક્સ નાં આકારમાં ફરતા હોય છે. ત્યારે એક એક સેકંડ ખુબ કીમતી હોય છે. કારણકે તમારી સાથે બીજા ત્રણ ફાઇટર પ્લેન હોય ત્યારે તમે પોતાની મરજી પ્રમાણે ન ચલાવી શકો.
1969 નાં વર્ષમાં પરેડમાં સૌથી વધારે એરક્રાફટ શામેલ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે 75 એરક્રાફટ શામેલ થવાના છે. પરેડમાં ચોક્કસ ધ્યાન રાખવું પડે પરંતુ અમને આની ટ્રેનિંગ મળી હોય છે. અશક્ય શબ્દ કોઈપણ આર્મી કે એરફોર્સ વ્યક્તિના શબ્દકોશમાં નથી હોતો. પરેડ વખતે અમને જ્યારે કહેવામાં આવે કે ખૂબ સરસ ફલાયિંગ કર્યું ત્યારે જુસ્સો અનેકગણો વધી જાય છે. પરેડ જોનાર વ્યક્તિના તો શ્વાસ થંભી જાય તેવી પ્રેક્ટિસ થતી જ હોય છે. અમે લોકો પણ કડકડતી ઠંડીમાં પરસેવે રેબઝેબ થઈ જતાં હોઈએ છીએ.
તેઓ જણાવે છેકે ભારત દેશના લોકોએ મને ઘણું આપ્યું છે. અત્યારે હું જે પણ છુ તે આ દેશના કારણે જ છું. મારા કરિયર દરમિયાન મારા કુલ 28 પોસ્ટીંગ થયા હતા. આ તમામ જગ્યાના લોકોએ મને ભરપુર લાગણીથી સાચવ્યો છે. આ દેશના લોકો પાસેથી હું શીખ્યો છું કે કેરીંગ ઈઝ શેરીંગ. વ્યક્તિને ત્યારે સૌથી વધારે ખુશી મળે છે જયારે તે બીજી કોઈ વ્યક્તિને ખુશ કરી શકે છે. કોઈ વ્યક્તિ આર્મીમાં ન હોય અને છતાં તેને દેશની સેવા કરવી હોય તો તે કરી શકે છે. કોઈપણ વ્યક્તિ પોતાનું કામ દૃઢ નીષ્ટા સાથે કરે અને તમામ નિયમોનું પાલન કરે તે પણ દેશની સેવા જ છે.