ઉત્તર પ્રદેશમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અલ્હાબાદ હાઈકોર્ટે લખનૌ બેંચે મંગળવારે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે OBC અનામત વિના નગરપાલિકાની ચૂંટણી કરાવવાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી ટ્રિપલ ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી OBC અનામત નહીં હોય. સરકાર અથવા ચૂંટણી પંચ OBC અનામત વિના ચૂંટણી કરાવી શકે છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મંગળવારે પોતાનો 70 પાનાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સરકાર દ્વારા આપવામાં આવેલ OBC અનામતને રદ્દ કરી દીધી છે. OBC માટે અનામત તમામ બેઠકો હવે સામાન્ય ગણવામાં આવશે. હાઈકોર્ટે તાત્કાલિક નગરપાલિકાની ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. એટલે કે હવે યુપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રસ્તો સાફ થયો
ગયા મહિને ઉત્તર પ્રદેશ સરકારે મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે બેઠકોની અનામત યાદી જાહેર કરી હતી. તેની સામે હાઈકોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારે OBC અનામત આપવા માટે ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા અપનાવી નથી. આ ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનાવવામાં આવી છે.
ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા શું છે?
ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા મુજબ રાજ્યએ એક કમિશન બનાવવું પડશે જે ઓબીસીની સ્થિતિ અંગે પોતાનો રિપોર્ટ આપશે અને તેના આધારે અનામત લાગુ કરવામાં આવશે. આરક્ષણ આપવા માટે ટ્રિપલ ટેસ્ટ એટલે કે 3 સ્તર પર રાખવામાં આવશે જેને ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. આ સિવાય કુલ આરક્ષણ 50 ટકાથી વધુ ન હોવું જોઈએ તેને ટ્રિપલ ટેસ્ટ નામ આપવામાં આવ્યું છે.
હાલમાં સુપ્રીમ કોર્ટે એક નિર્દેશમાં કહ્યું હતું કે, જો ઓબીસીને ટ્રિપલ ટેસ્ટ હેઠળ અનામત આપવામાં નહીં આવે તો ઓબીસી સીટોને બિનઅનામત ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આધાર માનીને અલ્હાબાદ હાઈકોર્ટે યુપી સરકાર દ્વારા આપવામાં આવેલ ઓબીસી અનામતને રદ્દ કરી દીધી છે.