ભારતે સોમવારે ઓડિશામાં બાલાસોરના સાગર કિનારે લોંગ રેન્જ સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ ઓફ ટોરપિડો(SMART)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ બાદ ડીઆરડીઓએ જણાવ્યું હતું કે ટોરપિડોની પારંપરિક સીમાથી અનેક ગણી, એન્ટિ-સબમરીન વોરફેર ક્ષમતા વધારવા માટે આ સિસ્ટમને ડિઝાઇન કરવામાં આવી છે. આ એક એવી સિસ્ટમ છે કે જેમાં ટોરપિડોની સાથે મિસાઇલ પણ હોય છે.
આમ સ્માર્ટ એક પ્રકારની એન્ટિ-શિપ મિસાઇલ છે. તેમાં ઓછા વજનનો ટોરપિડો લગાવવામાં આવે છે. આ ટોરપિડોનો ઉપયોગ પેલોડની માફક થાય છે. આ બન્નેની તાકાતથી તે એક એન્ટિ-સબમરીન મિસાઇલ બની જાય છે કે જેને મિસાઇલની તાકાત તો મળે જ છે, સાથે ટોરપિડોની મદદથી તેનામાં સબમરીનને તહેસ નહેસ કરવાની તાકાત પણ આવી જાય છે.
નેવીની સમુદ્રમાં યુદ્ધની ક્ષમતા વધારે સંહારક બની શકે છે
જો કે હાલમાં તેની રેન્જને લઈને ચોક્કસ અનુમાન લગાવવામાં આવ્યું નથી પણ તેને પરિણામે ભારતીય નેવીની સમુદ્રમાં યુદ્ધની ક્ષમતા વધારે સંહારક બની શકે છે. નોંધનીય છે કે ભારત પાસે વરુણાસ્ત્ર નામનો એક એન્ટિ-સબમરીન ટોરપિડો પણ છે. આ ટોરપિડો જીપીએસની મદદથી દુશ્મન દેશની સબમરીનને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. જો સ્માર્ટની વરુણાસ્ત્ર સાથે સરખામણી કરીએ તો તે ઘણો હલકો છે. ચીન સાથે લદાખ સરહદે તંગદિલી વચ્ચે ડીઆરડીઓ પાછલા કેટલાક સમયથી ભારે સક્રિય થયેલું છે.