સંસદના બજેટ સત્રના 7માં દિવસે PM મોદીએ રાજ્યસભામાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર જવાબ આપ્યો. વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પણ કોંગ્રેસને આડેહાથ લીધી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્વર્ગસ્થ લતા મંગેશકરના પરિવારને ટાંકીને એક એવી વાત કહી જેના વિશે કદાચ આજે ઘણા લોકો જાણતા નહીં હોય.
પીએમએ લતા મંગેશકરના ભાઈ સાથે બનેલી ઘટના કહી
પીએમ મોદીએ બોલવાની આઝાદી પર પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું, લતા મંગેશકરના નાના ભાઈ પંડિત હૃદયનાથને ઓલ ઈન્ડિયા રેડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમનો ગુનો એ હતો કે તેમણે રેડિયો પર વીર સાવરકરની દેશભક્તિની કવિતા રજૂ કરી હતી. તેને 8 દિવસમાં બરતરફ કરવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં નેહરુની ટીકા કરવા બદલ મજરૂહ સુલતાનપુરી અને પ્રોફેસર ધરમપાલ બંનેને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે કિશોર કુમારે ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા ગાંધીને નમન કર્યા નહોતા ત્યારે તેમના પર ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) પર ગાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમે જાણીએ છીએ કે કેવી રીતે એક પરિવાર સાથે સંમત ન થવા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવ્યો હતો. હકિકતમાં આ ઉદાહરણો દ્વારા, પીએમ મોદીએ વાણી સ્વતંત્રતા અંગેની ટીકાનો જવાબ આપ્યો.
મારા પર ઘણા અત્યાચાર થયા: મોદી
કેન્દ્ર અને રાજ્યોને જવાબ આપતા પીએમ નરેન્દ્ર મોદીએ ભૂતકાળની ઘણી રાજકીય ઘટનાઓ ગણાવી પીએમએ કહ્યું કે જ્યારે રાજ્યો પ્રગતિ કરે છે ત્યારે દેશ આગળ વધે છે. આ સાથે તેમણે પોતાના મુખ્યમંત્રી કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે, હું ગુજરાતમાં હતો, દિલ્હી સરકાર દ્વારા મારી પર કેવા અત્યાચારો થયા, ઈતિહાસ સાક્ષી છે, મારી સાથે શું શું થયું, ગુજરાત સાથે શું થયું. પણ એ ગાળામાં પણ હું એક જ વાત કહેતો હતો કે ગુજરાતનો વિકાસ દેશના વિકાસ માટે છે. દિલ્હીમાં કોની સરકાર છે તે વિચારીને તેઓ ચાલતા ન હતા.