સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં તેની વિવાદાસ્પદ નવી પ્રાઇવસી પોલિસી પર આશ્વાસન આપ્યું હતું કે, અમે ભારત સરકાર સંસદમાં ડેટા પ્રોટેક્શન બિલ પસાર નહીં કરે ત્યાં સુધી યૂઝર્સને અમારી નવી પ્રાઇવસી પોલિસી અપનાવવાની ફરજ પાડીશું નહીં અથવા તો પોલિસી નહીં અપનાવનારા યૂઝર્સ માટે વોટ્સએપની કામગીરી મર્યાદિત બનાવીશું નહીં. વોટ્સએપ વતી દિલ્હી હાઇકોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેેએ જણાવ્યું હતું કે, વોટ્સએપ સ્વેચ્છાએ હાલપૂરતી નવી પ્રાઇવસી પોલિસી મોકૂફ રાખવા સંમત થઇ છે. ભારત સરકાર સંસદમાં ડેટા પ્રોટેક્શન લો પસાર ન કરે અને અમલમાં ન મૂકે ત્યાં સુધી અમે યથાસ્થિતિ જાળવી રાખીશું.
સાલ્વેએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ભારતની સંસદ આ પ્રકારની પોલિસીની પરવાનગી નહીં આપે તો અમે ક્યાં તો તેનો અમલ નહીં કરીએ અથવા તો ભારતમાં અમારી દુકાન બંધ કરી લઇશું. જ્યાં સુધી ભારતીય સંસદ દ્વારા ઘડાયેલો કાયદો અમલમાં નહીં આવે ત્યાં સુધી વોટ્સએપ યથાસ્થિતિ જાળવી રાખવા પ્રતિબદ્ધ છે. જો ભારતની સંસદમાં કાયદો ઘડાશે તો વોટ્સએપે તેનું પાલન કરવું પડશે. જો કાયદો ભારત માટે અલગ પોલિસી રાખવાની વોટ્સએપને પરવાનગી આપશે તો કંપની તે પોલિસી જારી રાખશે. જો સંસદ તેની પરવાનગી નહીં આપે તો કંપની માટે બેડ લક ગણાશે. ત્યારપછી કંપનીએ નિર્ણય લેવો પડશે. જો સંસદ તેની પરવાનગી આપી દેશે તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કોઇ આદેશ કરી શકશે નહીં અથવા તો તપાસ કરી શકશે નહીં.. સાલ્વેએ સીસીઆઇને જવાબ આપવાનો સમય માગતા સુનાવણી મોકૂફ રખાઇ હતી. ઔકોમ્પિટિશન કમિશનની વોટ્સએપ સામે તપાસ
ભારતનું કોમ્પિટિશન કમિશન પ્રાઇવસી પોલિસીના મામલે તપાસ કરી રહ્યું છે. આ માટે કમિશને વોટ્સએપ અને ફેસબુકને નોટિસ જારી કરી તેની ઔપ્રાઇવસી પોલિસી અંગે માહિતી માગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે વોટ્સએપને વિવાદાસ્પદ પ્રાઇવસી પોલિસી પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. વોટ્સએપે આ તપાસ સામે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી છે. કેન્દ્ર સરકારનો આરોપ છે કે પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદો બને તે પહેલાં વોટ્સએપ તેની પ્રાઇવસી પોલિસી સ્વીકરવા યૂઝર્સ પર દબાણ કરી રહી છે.