ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પોતાની એપને વધુ સારી બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે. આ એપ ઘણી નવી સુવિધાઓ લાવવાની તૈયારી કરી રહી છે. આમાંની અમુક સુવિધાઓ પહેલાંથી જ અપડેટ થઈ ચુકી છે અને અમુક આવનારા સમયમાં બહાર પાડવામાં આવશે ત્યારે આ એપ હાલમાં જ એક નવા ફીચર પર કામ કરતી જોવા મળી છે. જોકે, કેટલાક યુઝર્સને તેના વિશે જાણીને આશ્ચર્ય થશે. મળતી માહિતી મુજબ આ નવા ફીચરથી યુઝર્સ ગાયબ થઈ જતાં વ્હોટ્સએપ મેસેજને સેવ કરી શકશે. કંપનીએ ખાસ કરીને યુઝર્સના મેસેજની પ્રાઈવસી વધારવા અને તેમને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફીચર બહાર પાડ્યું હતું, પરંતુ કંપની હવે આ ફીચરમાં નવું અપડેટ લાવી રહી છે, જેના કારણે યુઝર્સના મનમાં અનેક સવાલો આવી શકે છે. મળતી માહિતી મુજબ WhatsApp આ ફીચર અપડેટને 'Keep Message' નામ આપી શકે છે. જેના પર એપ કામ કરતી જોવા મળી રહી છે.
WhatsAppનું 'Keep Message' ફીચર કેવી રીતે કામ કરશે?
વ્હોટ્સએપ ટ્રેકિંગ સાઈટ Wabetainfo એ આ અંગે માહિતી શેર કરી છે. સાઇટે આ ફીચરને સમજાવતો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જે મુજબ મેસેજિંગ એપ યુઝર્સને ગાયબ થયેલા મેસેજને કાયમ માટે સેવ કરવાની સુવિધા આપશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે યુઝર્સ ગાયબ થઈ ગયેલી ચેટમાં ખૂબ જ જરૂરી મેસેજ કરે છે અને તે તેને ગુમાવવા માંગતા નથી, તો તે તેને તેની એક્સપાયરી ડેટ પહેલાં સ્ટોર કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે એપ્લિકેશનના આગામી અપડેટ્સમાં કેટલાક ઓટોમેટિક ગાયબ થઈ જતાં મેસેજને સેવ કરી શકશો.
વ્હોટ્સએપ ફીચર ટ્રેકર દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટ દર્શાવે છે કે, વ્હોટ્સએપ કોન્ટેક્ટ ઈન્ફો અને ગ્રુપ ઈન્ફોની અંદર એક નવું સેક્શન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે, જે તમામ સ્ટોર કરેલા સંદેશાઓને સૂચિબદ્ધ કરશે. યુઝર્સ જ્યારે આ મોડ ઓન કરશે ત્યારે જ મેસેજ સેવ થશે. આ ઉપરાંત ગાયબ થઈ ગયેલા મેસેજીસ પણ તેમના નિશ્ચિત સમય મુજબ 7 દિવસ અથવા 24 કલાક પછી ગાયબ થઈ જશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ચેટમાં દરેક વ્યક્તિ તે મેસેજને અન-સેવ કરવાનું નક્કી કરી શકે છે, તેથી એપ હવે તે મેસેજને શોધવાનું વધુ સરળ બનાવવાની યોજના બનાવી રહી છે.
WhatsAppના આગામી નવા ફીચર્સ
આ સિવાય એપના અન્ય ફીચર્સની વાત કરીએ તો કંપનીએ હાલમાં જ કેટલાક નવા ફીચર્સ ઓફિશિયલ કર્યા છે. હાલમાં જ એપમાં 2gb સાઈઝની ફાઈલ શેર કરવાની સુવિધા બહાર પાડવામાં આવી હતી. આ તમામ ફાઈલો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. અગાઉ એપમાં માત્ર 100MB ફાઇલો ટ્રાન્સફર કરવાની સુવિધા હતી. જોકે, આટલી મોટી ફાઇલ સાઈઝ શેર કરવા માટે યુઝર્સને વાઈફાઈથી કનેક્ટ કરવાની જરૂર પડશે.