દુનિયાની દરેક વ્યક્તિ બીજા પોતાનું માને તે માટે પ્રયત્નશીલ હોય છે અને આ ઝંખનામાંથી જ માઇન્ડ હૅકિંગની શરૂઆત થઇ છે. પૂનામાં એક પ્રોફેસર યુવતીએ સાઇબર સેલમાં પોલીસ ફરિયાદ આપી કે મારું માઇન્ડ કોઇ હૅક કરી રહ્યું છે અને મને આદેશો આપી રહ્યાં છે!
દુનિયામાં સૌને પોતે વિચારે એવું બીજા વિચારે તે વાત ગમતી હોય છે. કુદરતે કોઇપણ બે વ્યક્તિનાં એકસરખાં માઇન્ડ બનાવ્યાં નથી. દરેકના વિચાર અલગ હોય છે. આ સંજોગોમાં સદીઓથી બીજાનાં માઇન્ડ પર કબજો મેળવવાના જાતજાતના પ્રયત્નો- નુસખા ચાલ્યા આવે છે. દરેકને એવી ઇચ્છા હોય કે હું કહું તેવું બીજા કરે. અને આમાંથી જ દુનિયામાં હિંસા, ઇર્ષા અને નફરત વધતી જાય છે.
તાજેતરમાં પૂનાના સાઇબર પોલીસ સ્ટેશનમાં 35 વર્ષની મહિલા પ્રોફેસર પહોંચી ગઇ અને કહ્યું કે મારી ફરિયાદ લખો, મારું માઇન્ડ કોઇકે હૅક કરી લીધું છે. કોઇક મને આદેશો આપી રહ્યું છે અને એ રીતે હું વર્તી રહી છું. પૂનાની સાઇબર સેલ પોલીસ પણ આ મહિલા પ્રોફેસરની વાતથી ચકરાવે ચઢી ગઇ, કારણ કે સાઇબર સેલ પાસે અત્યાર સુધીમાં માઇન્ડ હૅકિંગ થવાની ઘટના પહેલી વાર પોલીસ પાસે આવી. શરૂઆતમાં પોલીસે આખી વાત રમૂજમાં લીધી હતી પરંતુ પોલીસ પાસે આવા કિસ્સા વધવા લાગ્યા અને પૂનાનું સાઈબર સેલ માઇન્ડ હૅકિંગની વાતને હવે સીરિયસલી લેતું થયું છે.
પહેલાંના જમાનામાં અઠંગ ચોર, લૂંટારું, ધાડપાડુઓ, ઠગ, પિંઢારાઓનો સતત ભય રહેતો હતો. આ આખી જમાત લોકો પાસેથી કીમતી ચીજવસ્તુઓ, સરસામાન બળજબરીથી કે પોતાની લુચ્ચાઈથી પડાવી લેતી હતી. હવે આજના જમાનામાં હૅકર્સોની જમાતનો ડર આખી દુનિયાને છે.
તમે કોઇ શોપિંગ મૉલમાં 500 રૂપિયાની વસ્તુઓ ખરીદો, તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ચુકવણું કરો અને હજુ તો ઘરે પહોંચ્યા ન હોય ને તમારામાં મેસેજ આવે કે તમારા કાર્ડ પરથી 20,000નું શોપિંગ કરાયું છે. ક્યારેક તમારા બૅન્ક ખાતામાંથી લાખો રૂપિયાની હેરફેર થઇ જાય, તમારા પર્સનલ કમ્પ્યૂટરમાંથી ડેટા, ડિઝાઇન કે ડૉક્યુમેન્ટ ગાયબ થઇ જાય કે કોપી કરીને ઉઠાંતરી કરી લે, તમારા લેપટોપથી તમારા આઇડિયા કે મોબાઇલ પરની અંગત ચૅટ, પર્સનલ ફોટા કોઈ જોઈ જાય આ બધી હૅકર્સની કમાલ હોય છે.
દુનિયાના કોઈ ખૂણે બેઠેલો કમ્પ્યૂટર ઉસ્તાદ તમારાં લેપટોપ, મોબાઇલ, કમ્પ્યૂટર સાથે ચેડાં કરીને કોઇપણ વિગતો તફડાવી લે છે. આ વાત હવે સામાન્ય બનતી જાય છે. જોકે વાત હવે આનાથી પણ આગળ વધી રહી છે. હૅકર્સોને એ જાણવું હોય છે કે તમે શું વિચારો છો? તમે ભવિષ્યમાં શું કરશો ? આ વાત જાણવાની કલા એટલે માઇન્ડ હૅકિંગ. માઇન્ડ હૅકિંગની આખી વાત ખૂબ જોખમી છે પરંતુ નવી નથી. મેટ્રિક્સ સીરિઝની ફિલ્મો જે જોતા હશે તે લોકોને ખબર હશે કે માનવના મગજનું મશીનીકરણ કેવી રીતે કરીને હાલતાં ચાલતાં માણસને રૉબોટ બનાવી દેવામાં આવે છે. મેટ્રિક્સ સીરિઝની ફિલ્મ્સમાં તો આવી કલ્પના કરવામાં આવી છે પરંતુ અત્યારનું સાયન્સ આ દિશામાં સીરિયસલી વિચારવા લાગ્યું છે.
આખી દુનિયામાં સંપત્તિની બહુ જ અસમાન વહેંચણી છે. દુનિયાભરની મોટાભાગની આવક પર 6થી 10 ટકા લોકોનું પ્રભુત્વ છે. ત્યારે આ સંજોગોમાં આ 6થી 10 ટકા સુપર સુપર રિચ લોકો પોતાની પ્રોડક્ટ દુનિયાભરના લોકો વાપરે તેવું ઇચ્છતા હોય છે. આ માટે સુપર રિચ લોકોએ જાતજાતનાં માધ્યમોનો ઉપયોગ કર્યો. અખબારો, ટીવી, રેડિયો, ફિલ્મથી માંડીને તમામ મનોરંજનનાં સાધનો મારફતે આ વર્ગે લોકોનાં માઇન્ડમાં પોતાની પ્રોડક્ટ ઘુસાડવાના પ્રયત્નો કર્યા. છેલ્લે હવે મોબાઇલ દ્વારા આ પ્રયત્નો ચાલુ છે. દુનિયાના મોટાભાગના લોકોના હાથમાં મોબાઇલ છે ત્યારે આ સુપર રિચ લોકો માટે લોકોનું માઇન્ડ જાણવાનું સહેલું થઈ પડયું છે. મોબાઇલ ચલાવતી સિસ્ટમમાં એક અલ્ગોરિધમ શબ્દ પ્રચલિત છે. આનાથી મોબાઇલ વાપરનારના શોખ, પસંદગીની જાણકારી મેળવ�� લેવાય છે.
જો તે તમે ફેસબુક પર વન્યજીવોને દેખાડતી ક્લિપ એક-બે વાર લાઇક કરી પછી તમને વારંવાર આ પ્રકારની ક્લિપો બતાવવામાં આવશે. જો તમને જૂનાં ફિલ્મીગીતો પસંદ હશે તો તમને એ પ્રકારનાં રફી, લતા, કિશોરનાં ગીતો સિસ્ટમ મોકલશે. તમારી આ પસંદગીને આધારે તમે કઈ વસ્તુના શોખીન છો ?, તમે શું ખરીદશો ? એ બધું જાણીને તમને એ પ્રોડક્ટના ફોટોગ્રાફ્સ અને માહિતી મોકલવામાં આવશે. જોકે આ તો તમારી પસંદગી જાણવાની થઇ આડકતરી રીત. હવે તમારી પસંદગી ડાયરેક્ટ કેવી રીતે જાણી શકાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યાં છે. આખી પ્રક્રિયાને માઇન્ડ હેકિંગ કહી શકાય. એક વખત તમે શું વિચારવાના છો અને તમે શું કરશો તે જાણી લેવાશે પછી તમારા માઇન્ડમાં બહારથી આદેશો મોકલીને તમને કોઇ કામગીરી સોંપવાનું કામ બીજાના હાથમાં આવી જશે ત્યારે આ દુનિયાની દરેક વ્યક્તિ જીવતોજાગતો રોબોટ બની જવાનો છે.
આવા દિવસો આવશે કે નહીં તે કહી નહીં શકાય પરંતુ આવા દિવસો લાવવા માટે સુપર સુપર રિચ લોકો સદીઓથી પ્રયત્ન કરી રહ્યાં છે. જો આવું થશે તો દુનિયાની દરેક વ્યક્તિ એક જ બ્રાન્ડની ટૂથપેસ્ટ, એક જ બ્રાન્ડનું રેઝર, એક જ બ્રાન્ડનાં કપડાં, એક જ બ્રાન્ડનું પરફ્યૂમ અને એક જ બ્રાન્ડના શૂઝ પહેરતો થઇ જવાનો છે. કારણ એ છે કે તમારી પસંદગીનો સવાલ રહેવાનો જ નથી. તમારા માઇન્ડમાં આદેશો આવશે કે આ જ કંપનીનું ખરીદો અને આ જ જગ્યાએ શોપિંગ કરવા જાવ.
વાત થોડી વધારે પડતી લાગે તેવી છે પરંતુ હવે આજની દુનિયામાં કશું અશક્ય નથી, કારણ કે દુનિયાના 30 ટકા લોકો જ્યારે કોલગેટથી બ્રશ કરતા હોય અને 40 ટકાથી વધારે લોકો કોકાકોલા ડ્રિન્ક પીતા હોય ત્યારે આ ટકાવારીમાં વધારો કરવાનું કામ અશક્ય તો નથી જ.
દુનિયામાં વર્ષોથી આપણા ધર્મગુરુઓથી માંડીને પોલિટિશિયનની જમાત માઇન્ડ હૅકિંગની કામગીરી જ કરી રહી છેને. પોતાની વિચારધારામાં બીજા લોકો આકર્ષાય, પોતે જે વાત કહે છે તે માને તે માટે તો ધર્મગુરુઓ અને પોલિટિશિયનો લાગેલા હોય છે. તમે થોડી ઝીણી નજર કરશો તો કુટુંબના વડીલથી માંડીને ઓફિસમાં તમારો બોસ પણ જાણેઅજાણે તમારું માઇન્ડ હૅકિંગ કરવાની ટ્રાય કરતા હોય છે. દરેકને પોતાની વાત મનાવી છે. દરેકને પોતે કહે તે બીજા કરે તેવી સત્તા જોઇતી હોય છે. પેરન્ટ્સથી માંડીને હસબન્ડ-વાઇફ પણ માઇન્ડ હૅકિંગની આ ધારદાર રમતમાં સામેલ હોય છે જને.