શહેરના પીરાણા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં કમોડ-પીરાણા રોડ 18 કરોડના ખર્ચે ફોરલેન બનાવાશે. પીરાણા-પાલડી કાંકજ માર્ગ એક કરોડના ખર્ચે રીસરફેસ કરાશે. પાલડીના લાટથી પીરાણા માર્ગ- પરા ખેડૂતોને કમોડ-પીરાણા માર્ગ સાથે જોડતાં સવા કિ.મી.ના માર્ગનું રપ લાખના ખર્ચે રીસરફેસ કરાશે. આ ઉપરાંત માર્ગ-મકાન વિભાગમાં ભરતી થયેલા 113 અધિક મદદનીશ ઈજનેરને નિમણૂંક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કોન્ટ્રાક્ટર જી.પી.ચૌધરીનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. જેને લઈને ઉપસ્થિત તમામ શ્રોતાગણમાં ચણભણાટ શરૂ થઈ ગયો હતો. 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા ચોમાસાના લીધે અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર રોડ તૂટી ગયા હતા. ઠેક-ઠેકાણે ખાડાઓ પડી ગયા હતા. જેના લીધે મ્યુનિ.શાસકો સામે ‘વિકાસ ગાંડો થયો’ કેમ્પેઈન ચાલ્યું હતું. જેનો જવાબ આપવામાં ભાજપને ફાંફા પડી ગયા હતા. બાદમાં આ રોડનું કામ કરનાર જી.પી.ચૌધરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા હતા.
દેખીતી રીતે જ મંત્રીને આ માહિતીની જાણકારી ન હોય પરંતુ સરકારના બધા જ અધિકારીઓ જે હકીકતથી વાકેફ હતાં તેમણે પણ મંત્રીનું ધ્યાન ન દોર્યું અથવા તો જાણી જોઈને તેમને અંધારામાં રાખ્યા હોવાની ય ચર્ચા છે.