સુરતમાં પણ રક્તચંદનનું મોટા પાયે કાળા બજારમાં વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી વચ્ચે અમદાવાદથી દોડી આવેલી ATSની ટીમે સુરત એસ.ઓ.જી. અને જંગલખાતાની મદદથી કુંભારીયા ગામમાંથી 25 લાખની કિંમતનં 570 કિલો રક્તચંદન કબજે લીધું હતું. આ રક્તચંદનનો જથ્થો રાખનાર તથા તેને ખરીદી કરવા સાથે આવેલાં જમીન દલાલ સહિત ત્રણની ધરપકડ કરી હતી.
ATSના ઇન્સપેક્ટર વાય.એમ. ગોહિલ અને સુરત એસ.ઓ.જી. ઇન્સપેક્ટર રાજેશ સુવેરાના ટીમે કુંભારીયા ગામના ટેકરા ફળીયામાં રેઇડ કરી હતી. અહીં રહેતો 49 વર્ષીય વિનોદ સોમા પટેલના ઘરમાં મોટી માત્રામાં રક્તચંદનનો જથ્થો છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી હતી. આ જથ્થો તે પૂણાગામ અર્ચના સ્કુલ પાછળ રહેતાં જમીન દલાલ ધીરૂ ઉર્ફે ગોલ્ડન ભોળા ઝાંઝાળા અને કામરેજની રાધિકા સોસાયટીમાં રહેતાં વિજય ગોવિંદ બોળીયાને વેચવાની ફિરાકમાં હોવાની માહિતી સાથે હાથ ધરાયેલાં ઓપરેશનમાં પોલીસને અહીંથી ત્રણેયને દબોચી લીધા હતા.
ઘર કમ ગોડાઉનની તલાશી લેવામાં આવતાં અહીંથી આંતર રાષ્ટ્રીય બજારમાં 25 લાખની કિંમત ધરાવતાં 570 કુલ રક્તચંદનનો જથ્થો મળી આવ્યો હતો. સુરતમાં રક્તચંદન ઝડપાયું હોવાની માહિતીને પગલે ફોરેસ્ટ વિભાગ પણ દોડી આવ્યો હતો. આ સાથે જ બીજાં સરકારી વિભાગો પણ ચોંક્યા હતા. પોલીસે તપાસ કરતાં આ રક્ત ચંદન સુરતના કામરેજમાં જ ઉગાડવામાં આવતું હોવાની વાતથી વધુ આશ્ચર્ય સર્જાયું હતું.
કામરેજના શામપુરા ગામથી કાપવામાં આવ્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શામપુરા ગામે બ્લોક નંબર 545 થી 550 નંબર વાળી જમીન આશરે 100 વીઘાની જમીન આવેલી છે. જેમાં સાગ, રક્તચંદન, નાળિયેરી, આંબા, વાંસ અને કાજુ સહિત 5 હજાર કરતાં વધુ ઝાડ રોપવામાં આવ્યા છે. જેના 3 માલિકો છે. બે મુંબઇ તથા એક સુરતના. વિનોદ પટેલ આ ખેતીના રખેવાળ તરીકે કામ કરતો હતો. માલિકોની જાણ બહાર જ આ ખેતર તેણે કાપી આ બંને સાથે સોદો કરી નાંખ્યો હતો અને તેઓ આ ઝાડ જોવા આવ્યા હતા.
પોલીસે મામલતદાર અને ફોરેસ્ટ વિભાગને પણ તેડાવ્યા હતા. આ વૃક્ષો કાપવા અને તેના વાહતુક માટે ફોરેસ્ટ વિભાગની પરવાનગી લેવાની રહે છે. જોકે રોપવા માટે પણ પરમિશન લેવાની હોય છે કે કેમ? તેને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.