બાવળા-બગોદરા નેશનલ હાઇવે ઉપર પવન ચક્કીના પાંખીયા બનાવતી કંપનીની કેન્ટીનનો વધેલો વાસી ખોરાક હાઇવે ઉપર જાહેરમાં ફેકવામાં આવ્યો હતો જેને આરોગી જતા કેટલીક ગાયો મોતને ભેટી છે, ઘણા પશુઓ બીમાર પડયા છે. બીમાર પશુઓને બાવળાના પશુ પ્રેમીઓ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ અંગે બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
કંપનીઓની કેન્ટીનનો વાસી ખોરાક જવાબદાર
બાવળા તાલુકાના બગોદરા તરફ જવાના હાઇવે ઉપર આવેલી કેટલીક કંપનીઓની કેન્ટીનનો વાસી ખોરાક હાઇવે ઉપર ખુલ્લામાં નાખવામાં આવી રહ્યો છે. જેને આરોગતા ઘણા પશુઓ મોતને ભેટી રહ્યા છે જ્યારે કેટલાક બીમાર પડી રહ્યાં છે. આજરોજ અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ-દિલ્હીના પ્રમુખ બાવળા તાલુકામાં ગૌ-સેવા તરીકે ફ્રજ બજાવતા રણછોડભાઈ નાનુભાઈ અલગોતર દ્વારા કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી કે હાઇવે ઉપર નાખવામાં આવેલા વાસી ખોરાક આરોગી જતા સાત ગાયોના મોત નિપજ્યા છે અને 13 ગાયો બીમાર પડી છે. જેમાંથી 3 ગાયો ગંભીર હાલતમાં છે.
ખોરાક પ્લાસ્ટિકની બેગોમાં ભરીને ખુલ્લેઆમ ફેંકવામાં આવ્યો
આ અંગે બગોદરા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક ગાયોમાંથી એક ગાયના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે. જ્યારે બીમાર ગાયોના નમૂના લઈ એફ્એસએલ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે બગોદરા પોલીસ મથકે ગાયોના માલિક ગેલાભાઈ નાગજીભાઈએ આઈનોક્સ વિન્ડ કંપનીની કેન્ટીન દ્વારા જાહેરમાં ફેકવામાં આવેલા વાસી ખોરાકના કારણે મોત થયાનું જણાવી ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ચાંગોદરથી બગોદરા સુધીના નેશનલ હાઇવે ઉપર આવેલા ઉદ્યોગો દ્વારા તેમની કંપનીમાં ચલાવવામાં આવતી કેન્ટીનોના વધેલા વાસી ખોરાક પ્લાસ્ટિકની બેગોમાં ભરીને હાઇવેની સાઈડમાં ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે. આવો ખોરાક અબોલ પશુઓ આરોગતા મોતને ભેટી રહ્યાં છે.
હાલ 13માંથી 3 ગાયોની હાલત ગંભીર
બગોદરા પીએસઆઇ જાનીએ જણાવ્યું હતું કે સાત ગાયોના મોત થયા છે જ્યારે ઘણી ગાયો બીમાર થઈ છે. અમે મૃતક ગાયનું પીએમ કરાવી, અન્ય બીમાર ગાયોના નમૂના લઈ એફ્એસએલમાં મોકલી આપ્યા છે. હાલ અમે જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બાવળાના પશુપ્રેમી રણછોડભાઈ દ્વારા જણાવામાં આવ્યું હતું કે વાસી ખોરાક ખાવાથી ચાર રખડતી ગાયો, ત્રણ માલિકીની ગાયોના મોત થયા છે. જ્યારે માલિકીની અન્ય 13 ગાયો બીમાર હોવાનો અમને ફેન આવતા બગોદરા, બાવળાના પશુ ડોકટર દ્વારા બીમાર ગાયોને સારવાર આપવામાં આવી છે. હાલ 13માંથી 3 ગાયોની હાલત ગંભીર છે.