રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમમાં કેશ પૂરી થવાના મામલામાં બેન્ક પર દંડ કરવાનો નિર્ણય લીધો છે. આ વ્યવસ્થા 1 ઓક્ટોબરથી શરૂ થશે. કેન્દ્રીય બેન્કે એટીએમમાં કેશ ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને થનારી અસુવિધાને દૂર કરવા માટે આ પગલું લીધું છે. એટીએમમાં સમયે પૈસા ન નાખવાના મામલામાં સંબંધિત બેન્ક પર 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
10 કલાકથી વધુ સમય સુધી કેશ ન રહેવા પર કરાશે દંડ
આરબીઆઈ કોઈ એક મહિનામાં એટીએમમાં 10 કલાકથી વધુ સમય સુધી કેશ ન રહેવાના મામલામાં સંબંધિત બેન્કોને આ દંડ કરશે. આ વ્યવસ્થા 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. કેન્દ્રીય બેન્કે એક સર્ક્યુલરમાં કહ્યું હતું કે એટીએમમાં કેશ ન નાખવાને લઈને દંડ લગાવવાની વ્યવસ્થાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકોની સુવિધા માટે આ મશીનોમાં પર્યાપ્ત પૈસા ઉપલબ્ધ હોય.
બેન્કો એટીએમમાં પૈસા ઉપલબ્ધ કરાવવા બાબતે વધુ જાગ્રત થશે
રિઝર્વ બેન્કને નોટ ઈસ્યુ કરવાની જવાબદારી મળેલી છે, જ્યારે બેન્કો તેની શાખાઓ અને એટીએમના વ્યાપક નેટવર્કના માધ્યમથી લોકોને પૈસા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી નિભાવે છે. કેન્દ્રીય બેન્કે કહ્યું હતું કે આ નિર્ણયથી બેન્ક એટીએમમાં કેશ ઉપલબ્ધતાને લઈને એની પ્રણાલીને મજબૂત બનાવશે અને એ વાતની તકેદારી રાખશે કે એટીએમમાં કેશ સમયે નાખવામાં આવે, જેથી લોકોને હેરાનગતિ ન થાય.
કેટલો થશે દંડ
આરબીઆઈએ કહ્યું હતું કે આ સંદર્ભમાં નિયમનું પાલન ન કરવા પર એને ગંભીરતાથી લેવામાં આવશે અને નાણાકીય દંડ કરાશે. એટીએમમાં કેશ ન નાખવાને લઈને દંડની યોજનામાં આ જોગવાઈ કરવામાં આવી છે. યોજના એક ઓક્ટોબર 2021થી લાગુ થશે. દંડની રકમ વિશે કેન્દ્રીય બેન્કે કહ્યું હતું કે કોઈ પણ એટીએમમાં જો મહિનામાં 10 કલાકથી વધુ સમય સુધી કેશ રહેતી નથી તો પ્રતિ એટીએમ 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જૂન 2021ના અંત સુધીમાં દેશની વિવિધ બેન્કોના 2,13,766 એટીએમ હતાં.