ઉત્તર ભારતમાં હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. બીજી બાજુ, ક્લાઇમેટ ચેન્જ સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દેશમાં લૂ અને વધારે પડતી ગરમી પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં દિલ્હી સહિત અન્ય ગરમ વિસ્તારોમાં ગરમીના રેકોર્ડ તૂટી શકે છે. ગઇ વખતે દિલ્હીમાં 25મી એપ્રિલે પારો 122 વર્ષના રેકોર્ડને તોડીને 46 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. આ વખતે પણ પારો રેકોર્ડ સ્તર સુધી પહોંચી શકે છે.
ક્લાઇમેટ ટ્રેન્ડના સ્થાપક-ડાયરેક્ટર આરતી ખોસલાએ કહ્યું છે કે વ્યક્તિઓ ગરમીનો સામનો કરવા માટેની હદ પાર કરી રહ્યા છે. આ છેલ્લાં 50-60 વર્ષમાં હવામાનમાં આવેલા ફેરફારનાં પરિણામ તરીકે છે. તેને ક્લાઇમેટ ચેન્જ કહેવામાં આવે છે. છેલ્લાં 50 વર્ષમાં શહેરોમાં જેટલી ઇમારતો બની છે, તેમાં હાઇ એમિશન પાવર પ્લાન્ટ છે, તે ગ્લોબલ વોર્મિંગ વધારે છે. છત્તીસગઢ, હિમાચલ, પંજાબમાં વરસાદ-હિમવર્ષા જારી છે. જે પશ્ચિમી ડિસ્ટર્બન્સનું પરિણામ છે.
ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામ, જોશીમઠમાં ફરી હિમવર્ષા
ગુરુવારે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ અને બાગેશ્વર જિલ્લામાં હળવો વરસાદ થયો હતો. ચમોલી જનપદમાં હવામાનમાં પલટાયું હતું અને બદરીનાથ ધામ, હેમકુંડ સાહિબની સાથે જોશીમઠના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. ઔલીમાં પણ હિમવર્ષા થઇ છે. ગોપેશ્વર, નંદાનગર, પીપલકોટી, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, ભરાડી સેંણ, ગેરસેંણ ક્ષેત્રોમાં પણ હવામાનમાં પલટો આવીને ઠંડી વધી ગઇ છે. અહીં મોડી સાંજ સુધી હિમવર્ષા જારી રહી હતી.
ગ્લોબલ વોર્મિંગની અસર દરેક મહાદ્વીપમાં અલગ થઇ, આગાહી કરવી મુશ્કેલ
ક્લાઇમેટ ચેન્જ નિષ્ણાત આરતી ખોસલાના મતે, ગ્લોબલ વોર્મિંગની દરેક મહાદ્ધીપમાં તેની જુદી અસર થઇ છે. ઇંગ્લેન્ડમાં ઠંડીના દિવસોમાં ગરમી હતી. નોર્થ અમેરિકામાં બરફનાં તોફાન હતાં. હવે ભારતમાં પણ ગરમી વહેલી શરૂ થઇ રહી છે. ક્લાઇમેટ ચેન્જની અસર દરેક જગ્યાએ જુદી છે. તેના પ્રભાવ અને અસરને લઇને અંદાજ લગાવવાની બાબત મુશ્કેલ છે. આ દસકામાં સૌથી વધારે ગરમ વર્ષ જોવા મળ્યાં છે, જેમાં 2020 પાંચમું સૌથી ગરમ વર્ષ છે.
હિમાચલ પ્રદેશ: અટલ સુરંગમાં પાંચ ઇંચ હિમવર્ષા, કુલ્લુ ખીણમાં પણ બરફની ચાદર
કુલ્લુ : હિમાચલના લાહૌલ સ્પીતિ, કુલ્લુ તેમજ કાશ્મીર ખીણના ગુલમર્ગ સહિતના ઊંચાઇવાળા વિસ્તારોમાં ગુરુવારે હિમવર્ષા થઇ હતી. કુલ્લુના પહાડોમાં પીજ, લગવેલી, માહુટી નાગ, ચંદ્રખણી સહિતના જિલ્લા મનાલીનાં રોહતાંગ પાસ, અટલ સુરંગ ધુંધી, મણિકિરણ ખીણ, મલાણાની સાથે જોડાયેલા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હિમવર્ષાની વચ્ચે અટલ સુરંગમાં રોહતાંગ તરફ હજુ લોકોની અવરજવર ચાલુ છે.