રાજ્યમાં સિંચાઈના પાણી મુદ્દે કૃષિમંત્રી આર.સી.ફળદુનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આર.સી ફળદૂએ પાણી રિઝર્વ રાખ્યા બાદ ખેડૂતો અને ઉદ્યોગોને પાણી આપવાની વાત કરી છે અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું કામ સરકારનું પ્રથમ કર્તવ્ય હોવાની જણાવ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાયો છે અને ગુજરાત સહિત દેશના જુદા જુદા શહેરોમાં દુષ્કાળના ડાકલા સંભળાઈ રહ્યા છે, ત્યારે સિંચાઈના પાણી મુદ્દે કૃષિમંત્રી આર.સી.ફળદુ જણાવ્યું છે કે, પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતો, ઉદ્યોગોને પાણી અપાશે. પીવાના પાણીની વ્યવસ્થા જાળવવી જરૂરી છે. હાલ વરસાદ માટે જગતનો તાત અને સમગ્ર લોકો સંપૂર્ણ આશાવાદી બન્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં આજે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ એક નિવેદન આપ્યું છે. રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ચારેબાજુ પીવાના પાણીની સમસ્યા ઉદ્દભવી છે. રાજકોટમાં હવે ગણતરીના દિવસો ચાલે તેટલું જ પાણી બચ્યું છે, ત્યારે ફળદૂએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 15 દિવસથી જળ સંપત્તિ યોજનાઓમાં પીવાનું પાણી રિઝર્વ રાખી તમામ રાજ્યોમાં ખેતીવાડી માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. નર્મદા આધારિત સૌની યોજનાથી પીવાનું પાણી આપવામાં આવે છે. તેની પણ વ્યવસ્થા ચાલું છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય જનતાને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખવી છે. તેના માટે કટિબદ્ધ છીએ. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને અને ઉદ્યોગો માટે પાણી આપવામાં આવશે. સૌરાષ્ટ્રનું રાજકોટ હબ છે. રાજકોટથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અને ખેતીવાડી માટે જળ સંપત્તિની યોજનામાં જે પાણી રિઝર્વ રાખવાનું હોઈ છે, તેને લઈને ફાઈલ રાજ્ય સરકારે મુવ કરી છે.
ફળદુએ જણાવ્યું હતું કે, અમે વરસાદ માટે સંપૂર્ણ આશાવાદી છીએ. ખરીફ સિઝન રામ મોલ કહેવાય છે અને રામ મોલમાં દર વર્ષે વરસાદનું પ્રમાણ જળવાયેલું જ રહેતું હોય છે. આ વર્ષે પણ ભગવાન આપણને વરસાદ આપશે.
અત્રે નોંધનીય છે કે, મોરબીમાં કેનાલમાંથી કારખાનેદારો પાણી ચોરી કરે છે, જેને લઈને થયેલ આંદોલન મુદ્દે આર.સી.ફળદુએ બોલવાનું ટાળ્યું હતું.