અમદાવાદના પૂર્વ વિસ્તારના દાણીલીમડામાં આવેલા સવૈયાનાથની ચાલીના લોકો એક અજીબ પ્રકારના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. જેમાં, તેમને પાણીની સુવિધા માટે ટાંકી તો મળી, પરંતુ આ ટાંકીમાં પાણી ચડાવ્યા બાદ જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે ધડાકા થાય છે અને આ ચાલીના મકાનો રીતસર ધ્રુજી ઉઠે છે. આ પ્રશ્નનો સામનો અહીંના લોકો છેલ્લા ઘણા વર્ષથી કરી રહ્યા છે. જેના લીધે, ચાલીના અનેક મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, તેમાંથી પોપડા પણ ખરે છે.
સવૈયાનાથની ચાલીની ટાંકીમાં ધડાકા અનુભવાયા
આ વિસ્તારમાં સામાજીક કાર્યકર તરીકે કામ કરતા પ્રકાશ રામીનુ કહેવું છે કે, ‘ચારેક વર્ષ પહેલા સવૈયાનાથની ચાલી પાસે 25,000 લિટરની ક્ષમતા સાથેની પાણીની ટાંકી બનાવવામાં આવેલી. આ ઉપરાંત, ટાંકીમાં પાણી ચડાવવા માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકી પણ બનાવાયેલી છે. પાણીની ટાંકીથી 100 મીટરના અંતરેથી પાઈપલાઈન નાખીને અહીં પાણી પહોંચાડવામાં આવ્યુ છે. આ ચાલીમાં 24 જેટલા મકાનો છે અને આસપાસમાં પણ અનેક સોસાયટીઓ આવેલી છે. વહેલી સવારે છ થી આઠ વચ્ચે પાઈપલાઈન દ્વારા અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાણી લાવવામાં આવે છે. આ પછી, દરરોજ રાત્રે પાણી ચડાવવામાં આવે છે. પાણીની સુવિધા તો મળી છે, પરંતુ ધડાકાના પ્રશ્નના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે.’
પાણી ચડાવ્યા બાદ થાય છે ધડાકાનો અહેસાસ
સવૈયાનાથની ચાલીના રહેતા 70 વર્ષના ગોવિંદ પરમાર કહે છે કે, ‘તેઓ મકાન નં. 15માં રહે છે. અહીં પાણી ચડાવ્યા બાદ જ્યારે તેને બંધ કરવામાં આવે છે ત્યારે ધડાકા થાય છે. આ ધડાકો એટલે મોટો હોય છે કે જેના લીધે અમારા ઘર ધ્રુજી ઉઠે છે અને થોડી ક્ષણનો ભૂકંપ આવ્યો હોય તેવુ લાગે છે.’ મકાન નં. 16ના રહીશ બિપીન પરમારના મતે, ‘છેલ્લા સાડા ત્રણ વર્ષથી તેઓ નિરંતર આ પ્રશ્નનો સામનો કરી રહ્યા છે. દરરોજ રાત્રે આઠ થી સાડા નવના ગાળા દરમિયાન આ ધડાકા થાય છે. આ સ્થિતિના લીધે તેમના ઘરોને નુકસાન થાય છે અને
લોકો પણ ડરી જાય છે.’
વર્ષોથી સમસ્યા હોવા છતાં કોર્પોરેટર માત્ર આશ્વાસન જ આપે છે
આ પ્રશ્ન લોકો પર ઢોળતા દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રમીલાબહેન કહે છે કે, ‘સ્થાનિક લોકો સાથે આવે તો તેઓ ઝોનના ડેપ્યુટી કમિશનરને આ અંગે રજૂઆત કરશે. જો કે, લોકો આ બાબતે તેમની પાસે આવતા નથી તો તેઓ એકલા ફરિયાદ લઈ જઈને શું કરે ?’ બીજી તરફ, દાણીલીમડા વોર્ડના પાણી વિભાગના ઈનજરે સાથે જ્યારે સંદેશ ન્યૂઝે વાત કરી ત્યારે તેમણે કહેલું કે, ‘આ અંગે ફરિયાદ મળેલી છે.
જો કે, આ પ્રશ્ન તેમના અંતર્ગત આવતો નથી. તેમનુ કામ વોર્ડની પાઈપલાઈનનુ મેઈન્ટેનન્સ જાળવવાનુ છે.’ આ પ્રશ્ન સંદર્ભે અમદાવાદ શહેર વોટર પ્રોજેક્ટ વિભાગના ઈન્ચાર્જ એડીશનલ સિટી ઈજનેરનુ કહેવું છે કે, ‘આ પ્રશ્ન તેમના અંતર્ગત આવતો નથી.’ જ્યારે, અમદાવાદ શહેર વોટર ઓપરેશન વિભાગના સંબંધિત અધિકારીનુ કહેવું છે કે, ‘તેઓ હાલ જ ફરજમાં જોડાયા છે. તેઓ આ બાબતની તપાસ કરશે અને પ્રશ્ન શું છે, તેની માહિતી મેળવશે. ત્યાર બાદ તેને ઉકેલવા માટે પ્રયાસ કરાશે.’