રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. આ તમામની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રને સંબોધન કરતા રશિયન રાષ્ટ્રપતિ પુતિને જે એલાન કર્યું છે તેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. પુતિને એલાન કર્યું છે કે રશિયા, પૂર્વ યુક્રેનને બે અલગ અલગ ક્ષેત્રોની સ્વતંત્રતાને માન્યતા આપશે. રશિયા સ્વઘોષિત ગણરાજ્ય ડોનેત્સ્ક અને લુહાંસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપશે. પુતિનની આ જાહેરાતથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોને યુદ્ધની આશંકા દેખાય રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિએ ડોનેત્સ્ક પીપુલ્સ રિપબ્લિક અને લુહાંસક પીપુલ્સ રિપબ્લિકની માન્યતા સંબંધિત કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. રશિયન રાષ્ટ્રપતિએ ડીપીઆરના પ્રમુખ ડેનિસ પુશિલિન અને એલપીઆરના પ્રમુખ લિયોનિદ પાસચનિકની સાથે સંધિ પર પણ હસ્તાક્ષર કર્યા છે. રશિયા અને ડીપીઆર, એલપીઆર વચ્ચે આ સંધિ મૈત્રી, સહયોગ અને પારસ્પરિક સહાયતાને લઈને છે.
યુક્રેન અમેરિકાની કોલોની બની ગયું છે અને કઠપૂતળી સરકાર ચાલે છે: પુતિન
પુતિને કહ્યું કે યુક્રેનને સામૂહિક વિનાશના હથિયારો મળી જાય તો વૈશ્વિક સ્થિતિમાં મોટા પ્રમાણમાં ફેરફાર થશે. છેલ્લાં કેટલાક મહિનાઓથી યુક્રેન પશ્ચિમી હથિયારોથી ભરાઈ ગયું છે. નાટોના પ્રશિક્ષક યુક્રેનમાં સૈન્ય અભ્યાસ દરમિયાન સતત હાજર રહ્યા હતા. તેમણે અમેરિકા અને નાટો પર યુક્રેનને યુદ્ધના રંગમંચમાં બદલવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કહ્યું હતું કે યુક્રેન અમેરિકાની કોલોની બની ગયું છે, જ્યાં કઠપૂતળીની સરકાર ચાલી છે.
રશિયાના રાષ્ટ્રપતિએ આ ઉપરાંત કહ્યું હતું કે જે લોકોને હિંસા, રક્તપાત, અરાજકતાના રસ્તા જવું છે, તેમને ડોનબાસના મામલાને જાણ્યો જ નથી. ડોનેત્સક પીપુલ્સ રિપબ્લિક અને પીપુલ્સ રિપબ્લિક લુહાંસક સ્વતંત્રતા અને સંપ્રભુતાને ઓળખશે. રશિયન સંઘની સંઘીય વિધાનસભાના આ નિર્ણયનું સમર્થન કરવા માટે કહેશે અને બાદમાં આ ગણરાજ્યોની સાથે દોસ્તી અને પારસ્પરિક સહાયતા માટે બે સંધિઓ કરશે. જેનાથી સંબંધિત દસ્તાવેજ ટૂંક સમયમાં જ તૈયાર કરવામાં આવશે. વધુમાં પુતિને કહ્યું કે નાટોમાં યુક્રેનનું શામેલ થવું રશિયાની સુરક્ષા માટે સીધો ખતરો છે. હાલમાં જ બનેલી ઘટનાઓ યુક્રેનમાં નાટોના સૈનિકોને ઝડપથી તૈનાતી માટે કવરની માફક કામ કરે છે. તેમણે દાવો કર્યો છે કે, યુક્રેનમાં નાટો ટ્રેનિંગ સેન્ટર નાટોના સૈન્યા ઠેકાણા બરાબર છે. યુક્રેનના સંવિધાનમાં વિદેશી સૈન્ય બેસની મંજૂરી આપતું નથી.
Open Meetingમાં બોલશે ભારત
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના યુક્રેની વિસ્તારના અલગ દેશની માન્યતાના જાહેરાત બાદ યુક્રેન, અમેરિકા અને છ બીજા દેશો એ UNSCને બેઠકનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ઇમરજન્સી બેઠક બોલાવામાં આવી. હવે આ મુદ્દા પર એક ઓપન મીટિંગ આયોજીત કરાશે જેમાં ભારત પણ નિવેદન આપશે. UNSCની બેઠક પહેલાં જ મનાય છે કે સંયુકત રાષ્ટ્ર કોઇ કાર્યવાહી કે આકરું નિવેદન આપશે નહીં. કારણ કે રશિયાની પાસે વીટો પાવર છે.