ભારતની નારાજગી બાદ કેનેડીયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના સૂર હવે નરમ પડી રહ્યા છે. તેમણે હવે જણાવ્યું છે કે અમે ભારતને ઉશ્કેરવાના પ્રયાસો નાથી કરી રહ્યા. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે ભારત આ મુદ્દાને ગંભીરતાથી લે. વાસ્તવમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિજજરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઇ શકે છે.
પ્રધાનમંત્રી ટ્રુડોએ બદલ્યું નિવેદન
પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે કેનેડા સિખ અલગાવવાદી નેતાની હત્યામાં સંડોવણીને લઈને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નાથી કરી રહ્યું. અમે ઈચ્છીએ છીએ કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે જોઈને તેને ગંભીરતાથી લે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ મામલને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ઉશ્કેરણી કે તેને આગળ વધારવાના પ્રયાસો નથી કરી રહ્યા.
નિજજરની કરાઇ હતી ગોળી મારીને હત્યા
જણાવી દઈએ કે આ વર્ષે જૂન મહિનામાં કેનેડાના એક પ્રમુખ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજજરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના સરે ખાતે ગુરુનાનક સિખ ગુરુદ્વારા પાસે બે અજ્ઞાત હુમલાખોરોએ નિજજર પર હુમલો કર્યો હતો જેમાં નિજજરનું મોત થયું હતું.
NIAએ નિજજરને ભાગેડુ જાહેર કર્યો હતો
ભારતીય એજન્સી NIAએ નિજજરને ભાગેડુ જાહેર કર્યો હતો. જણાવી દઈએ કે નિજજર ગુરુનાનક સિખ ગુરુદ્વારાનો અધ્યક્ષ હતો અને કેનેડામાં ચરમપંથી સંગઠન સિખ ફોર જસ્ટિસનો મુખ્ય ચહેરો હતો. નિજજર ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો પ્રમુખ પણ હતો.
કેનેડીયન પીએમએ ભારત સરકાર પર લગાવ્યો હતો આરોપ
દરમિયાન કેનેડીયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે કેનેડીયન સુરક્ષા એજન્સીઓ પાસે એમ માનવાનું કારણ છે કે ભારત સરકારના એજન્ટોએ જ નિજજરની હત્યા કરી છે. કેનેડીયન એજન્સીઓ નિજજરની હત્યામાં ભારતનું ષડયંત્રની સંભાવનાઓની તપાસ કરી રહી છે. જસ્ટિન ટ્રુડોએ ભારપૂર્વક કહ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડીયન નાગરિકની હત્યામાં કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય છે.
કેનેડાને ભારતે આપ્યો સણસણતો જવાબ
સમગ્ર મામલે કેનેડાના આરોપોનો ભારતના વિદેશ મંત્રાલયે કડકાઈથી જવાબ આપ્યો હતો. મંત્રાલયે કેનેડાના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા. ભારતે કહ્યું હતું કે આ પ્રકારના આરોપો માત્ર તે ખાલિસ્તાની આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓથી ધ્યાન હટાવવા માટે છે જેમને કેનેડામાં લાંબા સમયથી આશ્રય આપવામાં આવ્યો છે અને જેઓ ભારતની પ્રાદેશિક એકતા અને અખંડિતતા માટે સતત જોખમ છે.