યુએનમાં ફરી એકવાર પાકિસ્તાને ભારતનું નામ લઇ પોતાના જ પગ પર કુહાડી મારી છે. લઘુમતીઓના અધિકારો પર વાત કરતી વખતે પાકિસ્તાને ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો, વિવિધ આક્ષેપો કર્યા. પરંતુ આ આરોપો પછી તરત જ ભારત વતી UNESના સંયુક્ત સચિવ શ્રીનિવાસ ગોત્રુએ પાકિસ્તાનનો ઉધડો લઇ લીધો. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મામલે પાકિસ્તાનના આંકડા એટલા શરમજનક છે કે તેમણે તેને છાપવાનું પણ છોડી દીધું છે.
યુએનમાં પોતાના સંબોધન દરમિયાન શ્રીનિવાસ ગોત્રુએ કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારનો લાંબો ઈતિહાસ છે. દરેક વ્યક્તિ જાણે છે કે પાકિસ્તાને તેના લઘુમતી સમાજને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધો છે. આવા ઘણા સમુદાયો છે જે હવે લુપ્ત થવાની સ્થિતિમાં આવી ગયા છે. હાલમાં પણ પાકિસ્તાન પોતાના દેશના હિંદુ, શીખ, ઈસાઈ સમુદાય પર સતત અત્યાચાર કરી રહ્યું છે. હજારો મહિલાઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. હવે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય. જ્યારે પણ પાકિસ્તાને ભારતને નિશાન બનાવ્યું છે, કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી છે.
જો કે, જાણકારી માટે આપને જણાવી દઈએ કે યુએન દ્વારા બુધવારે લઘુમતીઓના અધિકારોને લઈને એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો, ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ આવ્યા હતા. ભારત પહેલાં પાકિસ્તાને અહીં પોતાનું ભાષણ આપ્યું હતું અને અપેક્ષા મુજબ તેણે ભારત પર ઘણા આક્ષેપો કર્યા હતા અને દાવો કર્યો હતો કે ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. પરંતુ જોઈન્ટ સેક્રેટરી શ્રીનિવાસ ગોત્રુએ તથ્યોના આધારે જોરદાર જવાબ રજૂ કર્યો હતો.