શ્રાલંકાની આર્થિક સંકટના કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે. દેશના પ્રેસિડેન્ટ દેશ છોડીને ભાગી ગયા છે અને જનતા રોડ પર ઊતરી આવી છે. અસહ્ય મોંઘવારીના કારણે ખાણી-પીણીની કિંમત આસમાને છે. ગરીબ લોકો ભૂખ્યા સૂવા મજબૂર થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઇનો લાગે છે. વાસ્તવમાં આ દેશ અતિશય ભારે વિદેશી દેવાના ભારણ હેઠળ દબાયેલો છે. દેવું ભરપાઈ થવાની કોઈ સંભાવના નહીં જણાતા શ્રાલંકાએ પોતાની જાતને દેવાળિયું જાહેર કરી દીધું છે. જો કે વિશ્વમાં શ્રાલંકા એકમાત્ર દેશ નથી જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.
વિશ્વમાં હજુ ઘણા દેશો છે જ્યાં આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે, તેમા ઘણા ભારતના પડોશી દેશો છે. શ્રાલંકા અગાઉ અમેરિકન દેશ આર્જેન્ટિના પણ વર્ષ 2000થી 2020 વચ્ચે બે વાર દેવાળિયો જાહેર થઈ ચૂક્યો છે. 2012માં ગ્રીસ, 1998માં રશિયા, 2003માં ઉરુગ્વે, 2005માં ડોમિનિકન રિપબ્લિક અને 2001માં ઇક્વાડોર દેવાળિયા જાહેર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત જર્મની, જાપાન, યુકે જેવા સમૃદ્ધ દેશો પણ અલગ અલગ સમય પર દેવાળિયા જાહેર થઈ ચૂક્યા છે. હાલમાં બેલારુસ, મ્યાંમાર, પાકિસ્તાન, આર્જેન્ટિના, ટયૂનિશિયા, યૂક્રેન જેવા દેશો પણ કંગાળ બનવાની હરોળમાં છે.
પાકિસ્તાનમાં વિદેશી ચલણની અનામતો તળિયે પહોંચી
પાકિસ્તાનમાં પણ શ્રાલંકાની માફક વિદેશી ચલણની અનામતો ઝડપથી ખતમ થઈ રહી છે. તેની વિદેશી ચલણની અનામતો ગગડીને 9.8 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ સપ્તાહે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે પાકિસ્તાને સોદો કર્યો છે. આઈએમએફ ફરીથી આ દેશને ઋણ આપવા તૈયાર થયું છે પરંતુ વૈશ્વિક બજારમા ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે ત્યારે પાકિસ્તાનના વિદેશી ચલણના ભંડાર પર ભારે દબાણ છે અને ગમે ત્યારે તીવ્ર આર્થિક સંકટ ઊભું થઈ શકે તેમ છે. પાકિસ્તાન પાસે જે ભંડોળ બચ્યું છે તેની મદદથી પાંચ સપ્તાહ ચાલે તેટલું ઇંધણ પણ આયાત થઈ શકે તેમ નથી. એક ડોલર સામે પાક. રૂપિયો 210ના સ્તર પર પહોંચી ગયો છે. આ દેશમા પેટ્રોલની કિંમત લિટરે 263 રૂપિયા અને ડીઝલ 276 રૂપિયા છે. આ દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. ફક્ત ઇંધણ જ નહીં દૂધ પણ રૂ. 129માં લિટર મળે છે. બ્રેડનું પેકેટ 90 રૂપિયામાં મળે છે અને એક કિલો ચોખા 167 રૂપિયામાં મળી રહ્યા છે.
મ્યાંમાર પર ગંભીર આર્થિક સંકટ
મ્યાંમારમાં પણ ગંભીર આર્થિક સંકટ ઘેરાઈ રહ્યું છે. આ દેશની મધ્યસ્થ બેન્કે સ્થાનિક કંપનીઓને તથા બેન્કોને વિદેશી ઋણની ચુકવણીને સ્થગિત કરવા અથવા વિલંબથી ચુકવણી કરવાનો આદેશ કરી દીધો છે. ડોલર સામે મ્યાંમારનું ચલણ ક્યાત જોરદાર ગગડયું છે અને એક ડોલર સામે 1,850 ક્યાતનો દર છે જેને પરિણામે દેશના આર્થિક સંકટને વધારે ઘેરું કર્યું છે. ઇંધણ અને ખાણી-પીણીની ચીજવસ્તુઓની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે. મ્યાંમારની મધ્યસ્થ બેન્કે એક જ દિવસની અંદર સ્થાનિક બેન્કોમાં વિદેશી ચલણ જમા કરવા અને તેને બદલવાને લઈને અનેક આદેશો જાહેર કર્યા છે. મંત્રાલયો અને સ્થાનિક સરકારો પર પણ વિદેશી ચલણના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
આર્જેન્ટિનામાં વિદેશી ચલણના કાળા બજારમાં સોદા થાય છે
આર્જેન્ટિનાનું ચલણ પેસો હવે કાળાબજારમાં 50 ટકા કિંમત પર ટ્રેડ થાય છે. દેશનો વિદેશી ચલણનો ભંડાર તળિયે છે. સરકાર પાસે 2024 સુધી કામ કરવા પૂરતા પ્રમાણમાં વિદેશી ચલણ નથી. આ દેશ ગમે ત્યારે આઈએમએફના શરણમાં જઈ શકે. આ દેશે 2001માં પોતાના લેણદારોને ઋણ ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો અને નાદારી નોંધાવી હતી. ત્યારે આ દેશની સ્થિતિ પણ આજના શ્રાલંકા જેવી જ હતી.
ટયૂનિશિયા અંદાજિત ખોટ 10 ટકા પર પહોંચી
ટયૂનિશિયામાં અંદાજિત ખોટ 10 ટકા પર પહોંચી ગઈ છે. આ દેશમાં પણ વિદેશી ચલણની અનામતો ખતમ થવાની તૈયારીમાં છે. વિદેશી દેવું ચૂકવવા આ દેશ પાસે નાણાં નથી. મોર્ગન સ્ટેન્લિ અનુસાર સંભવિત ડિફોલ્ટ દેશોની યાદીમાં ટયૂનિશિયા ટોચના ત્રણ દેશમાં સામેલ છે.
ઘાના દેવાના વિષચક્રમાં ડૂબેલો દેશ
વિશ્વમાં અનેક સ્થાનો પરથી દેવું કરવાના કારણે ઘાના ઉપર જીડીપીના રેશિયોમાં દેવું 85 ટકા સુધી વધી ગયું છે. ઘાનાનું ચલણ ઘાનિયન સેડીએ આ વર્ષમાં પોતાના મૂલ્યમાં 25 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આ દેશમાં મોંઘવારી પણ 30 ટકાની નજીક પહોંચી ગઈ છે. આ ઉપરાંત મિસર, કેન્યા, ઇથિયોપિયા, અલ સાલ્વાડોર, બેલારુસ, ઇક્વાડોર, નાઇજીરિયા પણ કંગાળ થવાની તૈયારીમાં છે.
યૂક્રેનની હાલત યુદ્ધના કારણે સાવ કથળી ગઈ છે
રશિયા સામે યુદ્ધમાં લડી રહેલાં યૂક્રેનની હાલત પણ અત્યંત ખરાબ છે. રેટિંગ એજન્સીઓ અનુસાર યૂક્રેનને પોતાના 20 અબજ ડોલરથી વધુના દેવાને પુનઃગઠિત કરવાની ફરજ પડશે. સપ્ટેમ્બરમાં યૂક્રેને 1.2 અબજ ડોલરના બોન્ડની ચુકવણી કરવાની છે. યૂક્રેનની સૌથી મોટી ઓઈલ કંપની નાફ્તાગાઝી કે જેનું સંચાલન સરકાર ખુદ કરે છે તેણે પણ પોતાના ઋણને બે વર્ષ માટે ફ્રીઝ કરવાની માંગ કરી છે.