જેનાં કારણે મોટાં શહેરોની સ્કૂલોમાં ફાયરસેફ્ટીનાં સાધનોની અછત અને તેનાં ઉપયોગની અણઆવડતને લઈને અનેક સવાલો ઉઠ્યાં હતાં. સામાન્ય રીતે જ્યારે પણ આવી કોઈ મોટી દુર્ઘટના બને છે ત્યારે સમાજ તેમાંથી બોધપાઠ લઈને ઘટતું કરવાને બદલે, જાહેરમાં બળાપો ઠાલવીને સંતોષ માની લેતો હોય છે. બહુમતિ લોકો ઠાલી વાતો કરીને ફરી પાછાં હતાં રોજબરોજની જિંદગીમાં પરોવાઈ જતાં હોય છે. બહુ ઓછાં એવાં લોકો હોય છે, જે આવી દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને સમસ્યાનાં કાયમી સમાધાન માટે પ્રયત્નો આદરતાં હોય છે. સુરતનાં પ્રતિક ધોળકિયા આવા જ એક વ્યક્તિ છે.
‘સેફ્ટી સોલ્જર્સ’ નામનું ગ્રુપ આપી રહ્યું છે સ્વરક્ષણના પાઠ
પોતે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીનાં વિદ્યાર્થી રહી ચૂક્યાં હોઈ, હવે પછી તક્ષશિલા જેવી દુર્ઘટના રાજ્યની અન્ય શાળાઓમાં ન ઘટે તે માટે તેમણે તેમનાં જેવા અન્ય મિત્રોને જોડીને ‘સેફ્ટી સોલ્જર્સ’ નામનું ગ્રુપ તૈયાર કર્યું છે, જે શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે વિદ્યાર્થીઓ, શિક્ષકોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની આગ લાગવાનાં કારણો, તેનાથી બચવાનાં ઉપાયો, સલામતી કેવી રીતે રાખવી, સેફ એવેક્યુશન પ્લાન તથા સ્વરક્ષણની તાલીમ આપે છે.
મેગા સિટીની શાળામાં યોજે છે ફાયર સેફ્ટી મુદ્દે જાગૃતિ કાર્યક્રમ
તેમનાં આ સેવાકાર્યમાં નમન, વાસુદેવ, નયન, રાજ, વિરલ અને આદિત્ય વગેરે મિત્રો પણ જોડાયાં છે. આ ટીમ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં શહેરોની શાળાઓનાં આમંત્રણને માન આપીને ફાયર સેફ્ટી મુદ્દે જાગૃતિ કાર્યક્રમ યોજે છે. તેમનાં આ ઉમદા કાર્યની જાણ થતાં હવે સ્થાનિક ફાયર વિભાગનાં અધિકારીઓનો પણ તેને સહકાર મળી રહ્યો છે.
નિર્દોષ વિદ્યાર્થીઓના મોત બાદ મળી પ્રેરણા
આ વિચાર કેવી રીતે આવ્યો તેની વાત કરતાં પ્રતિક ધોળકિયા કહે છે, ‘સુરતમાં બનેલી આગની ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ખોયો હતો. આ ઘટનાથી મને એટલું લાગી આવેલું કે, કેટલાંય દિવસ સુધી ચેન પડતું નહોતું. મને સતત એવું લાગ્યાં કરતું હતું કે, ફાયર સેફ્ટીનું મારું ભણતર જો આ વિદ્યાર્થીઓનાં જીવ ન બચાવી શક્યું તો નકામું કહેવાય. હું પોતે દહેજ જીએનએફસીમાં ફાયર એન્ડ સેફ્ટી વિભાગમાં ફરજ બજાવું છું.
કાંઇક કરી છૂટવાના ભાવથી આકાર પામ્યુ સેફ્ટી સોલ્જર્સ
અમદાવાદની મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટમાંથી મેં ડિપ્લોમાં ઈન ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો કોર્ષ કર્યો છે. છેવટે નક્કી કર્યું કે તક્ષશિલાનાં વિદ્યાર્થીઓ તો પાછાં આવી શકવાનાં નથી, પણ હવે એકેય વિદ્યાર્થી આવી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે કંઈક કરવું. બસ આમાંથી સેફ્ટી સોલ્જર્સનો વિચાર આવ્યો, જે મેં સુરત, અમદાવાદ અને ભરૂચનાં મારાં મિત્રોને જણાવ્યો, એટલે તેઓ પણ જોડાયાં. અત્યાર સુધીમાં અમે 50થી વધુ ફાયર સેફ્ટીનાં કાર્યક્રમો કરી ચૂક્યાં છીએ.