આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામનવમીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હિંમનગરમાં આજના પાવન પર્વ પર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અહીંના છાપરીયા વિસ્તારમાં રામનવમીના પર્વ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં બે જૂથો સામ-સામે આવી ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીના પર્વ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો. 2 જૂથો આમને સામને આવીને પથ્થરમારો કરતાં સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ ગઈ હતી. તોફાની ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
આ બનાવની જાણ થતાં હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસના 5 રાઉન્ડ છોડ્યા હતા. હાલ તો તણાવપૂર્ણ સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
આ મામલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જો કે હજુ સુધી પથ્થરમારાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ખુદ ગૃહરાજ્યમંત્રી સમગ્ર બનાવ પર નજર રાખી રહ્યાં છે. આટલું જ નહીં, અરવલ્લી પોલીસની પણ મદદ લેવામાં આવી છે.