ઓગણજ ખાતે રાહુલ ગાંધી (આરજી) પ્રીમીયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એવું નિવેદન કર્યું હતું કે, સરસ મજાની આહ્લાદક ઠંડીમાં જમવાની તો વ્યવસ્થા કરી છે પરંતુ બીજું તો કંઈ જ થઈ નહિ શકે, તેમના આ વિધાન પછી હાજર લોકોમાં જોરદાર હાસ્ય રેલાયું હતું. પૂર્વ પ્રમુખે પોતાની વાત આગળ ધપાવતાં કહ્યું કે, અહીં પાબંદી છે એટલે. યુગ પરિવર્તનની સાથે કદાચ ગુજરાતની પ્રજા જ્યારે આવું કંઈ ઈચ્છશે ત્યારે ગુજરાતની પ્રજાને એવો મોકો પણ મળશે, તે ભવિષ્યની માન્યતા મને લાગે છે.
ગુજરાતની પ્રજા જો ઈચ્છશે તો આવો મોકો મળશે
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, પરિવર્તનની સાથે ગુજરાતની પ્રજા જો ઈચ્છશે તો આવો મોકો મળશે, ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઈ જાણે છે, ગુજરાતમાં ગેરકાયદે રીતે જોઈએ તેટલો દારૂ મળે છે, સ્વભાવિક રીતે લોકચર્ચામાં વાત છે, સરકારના ઓથા નીચે જ એમના મળતિયા અને બુટલેગરો દારૂ વેચે છે અને આર્થિક લાભ મેળવે છે, એ પૈસા સરકારમાં જમા થાય તો સરકારને ટેક્સની આવક થાય. પરિવર્તનની સાથે ભવિષ્યની આવી માન્યતા મને લાગે છે.
દારૂબંધીની વિરુદ્ધ ગુજરાતની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરાજી કહેતા હતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પરંતુ સામાન્ય માણસ દારૂ ન પી શકે. ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે સાત કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી. પરંતુ દારૂબંધી વચ્ચે દારૂ વેચાય છે તે સૌ કોઈ જાણે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ દારૂબંધીની વિરુદ્ધ ગુજરાતની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.