દેશ આખામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચારને ડામવા માટે ઓક્ટોબરમાં જ સરકાર એક્શન મોડમાં આવી ગઇ હતી. આ સંદર્ભે ગત મહિને મહેસૂલમંત્રીએ કહ્યું હતું કે, મહેસૂલ વિભાગનો કોઈપણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે લાંચ માગે તો એનું વીડિયો રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો. આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે આકરા પગલાં લેવામાં આવશે.
મહેસૂલમંત્રીના સૂચના પ્રમાણે, ગુજરાત હાઈકોર્ટના વકીલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દીપેન દવેએ અમદાવાદની સરકારી કચેરીમાં સ્ટિંગ ઓપરેશન કર્યું હતુ. પાંજરાપોળ સ્થિત પોલિટેક્નિક કેમ્પસમાં આવેલી ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ અને મૂલ્યાંકન કચેરીમાં દસ્તાવેજના કામ માટે લાંચ માગવામાં આવતી હોવાનો દાવો કર્યો છે. આ મામલે તેમણે મીડિયા સમક્ષ ડેપ્યુટી કલેકટર કેકે શાહના વહીવટદાર મારફત પ્રતિ દસ્તાવેજ રૂપિયા 7000ની માગ કરવામાં આવતી હોવાનો દાવો કર્યો છે. આ અંગે તેમને પુરાવા તરીકે વહીવટદાર સાથેની ઓડિયો-ક્લિપ પણ જારી કરી છે.
આ મામલે રાજ્યમાં પહેલીવાર કેબીનેટ મંત્રીએ લાઈવ રેડ કરી છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાતે રેડ પાડી અને સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીએ પહોંચ્યા હતા. મહેસુલ વિભાગમાં વકીલ દિપેન દવેની ફરિયાદ બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ રેડ પાડી હતી. સરકારી વિભાગમાં મહેસૂલ મંત્રીની જાત તપાસથી વિભાગમાં ફફડાટ મચી ગયો હતો.
આ મામલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું છે કે,‘સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીમાં જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે અને સાંજ સુધીમાં તમામની બદલી કરાશે. ગુજરાત સરકાર ભ્રષ્ટચાર નહીં ચલાવી નહીં લે, જે અધિકારીઓ લાંચ લેતા હોય તેમના સ્ટિંગ કરી તેની માહિતી મને આપો. બદલી નહીં પણ તેમની સામે કડક પગલા લેવાશે. અમે એક્શન લેશું કોઈને છોડીશું નહીં’.
ઉલ્લેખનિય છે કે, આ મામલે સંદેશ ન્યૂઝે તપાસ કરતા જાણકારી મળી છે કે, રાજુ પારેખ પંકજ સાહ કર્મચારીઓ ના હોવા છતાં સરકારી કચેરીમાં બેસતા હતા. માટે અહીં સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે આ લોકો કોની પરવાનગીથી સરકારી કચેરીમાં બેસતા હતા? ત્યાં જ અહિયાંના કર્મચારીઓ એ કબૂલાત કરી છે કે વધારાના માણસ બેસતા હતા.