દેશના નેવીની શક્તિમાં વધારો કરતાં સબમરીન આઈએનએસ વેલાનો સમાવેશ કરાયો છે. નિષ્ણાતો આ સબમરીનને તમામ અભિયાન પાર પાડવામાં સક્ષમ મંચ તરીકે ઓળખાવે છે. ભારતીય નેવીમાં કલવરી શ્રેણીની સબમરીનના પ્રોજેક્ટ-75 હેઠળ કુલ છ સબમરીનને સેવામાં સામેલ કરવાની છે. આઈએનએસ વેલા આ શ્રેણીની ચોથી સબમરીન છે. ભારતીય નેવીએ એક સપ્તાહની અંદર આઈએનએસ વિશાખાપટ્ટનમ અને આઈએનએસ વેલાના રૂપમાં બે સિદ્ધિ હાંસલ કરી છે.
હાલની બદલાતી અને જટિલ સુરક્ષા પરિસ્થિતિના સંદર્ભમાં વેલાની ક્ષમતા અને સૈન્ય શક્તિ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના સમુદ્રી હિતોની રક્ષા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે. નૌસેનાના જણાવ્યા અનુસાર વેલામાં છૂપા રહેવાની ઉન્નત ક્ષમતા છે. તે લાંબા ગાળાના નિર્દેશિત ટોરપિડોની સાથોસાથ મિસાઇલ વિરોધી મિસાઇલ્સથી પણ સજ્જ છે.
આ સબમરીનમાં એક અત્યાધુનિક સોનાર અને સેન્સર સૂટ છે કે જે ઉત્કૃષ્ટ પરિચાલનની ક્ષમતા ઉપલબ્ધ કરાવે છે. આ સબમરીન પાસે પ્રણોદન મોટરના રૂપમાં એક સ્થાયી ચુંબકીય સિંક્રોનસ મોટર છે. આઈએનએસ વેલા અત્યાધુનિક શસ્ત્રો અને સેંસરથી સજ્જ છે. આ સબમરીન એકવાર પોતાના લક્ષ્યને ફિક્સ કર્યા બાદ પોતાની ફ્લાઇંગ ફિશના નામે જાણીતી સબમરીન વિરોધી મિસાઇલનો અથવા ભારે વજન ધરાવતાં ટોરપિડોનો ઉપયોગ કરી શકે છે.
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતમાં બનેલી આઈએનએસ વિશાખાપટ્ટનમને ભારતીય નેવીમાં કમિશન કરવામાં આવી છે. આઈએનએસ વિશાખાપટ્ટનમ દેશ માટે એક ઉદાહરણ છે. 75 ટકા સ્વદેશી ઉપકરણોથી બનેલી આ સબમરીનમાં આધુનિક હથિયારો લાગેલા છે. દુશ્મનોને ભારતીય સીમામાં આવતાં જ બરબાદ કરી નાખવાની ક્ષમતા ધરાવતી આઈએનએસ વિખાશાપટ્ટનમ નૌસેનાની શાન છે.