અત્યાર સુધી 60 ટકા દુકાનો ખાનગી અને 40 ટકા સરકારી હતી
દિલ્હીમાં એક્સાઈઝ પોલીસીમાં સુધારો કરતાં હવે દારૂનો બિઝનેસ સંપૂર્ણપણે ખાનગી કંપનીઓના હાથમાં જતો રહ્યો છે. અત્યાર સુધી 60 ટકા દુકાનો ખાનગી અને 40 ટકા સરકારી હતી. દિલ્હીમાં 272 વોર્ડ છે. જેમાંથી 79માં આ સુધારા સુધી દારૂની એકપણ દુકાન નહોતી. હવે રાજધાનીના 272 વોર્ડમાં 32 ઝોન બનાવીને 849 લાઇસન્સ આપી દેવામાં આવ્યાં છે. હવે દરેક વોર્ડમાં ફરજિયાત 3થી 4 દુકાનો ખોલવામાં આવી છે. નવી પોલીસીમાં દારૂના લાઇસન્સમાં વેટ જોડી દેવાતાં હવે દારૂ સરેરાશ 9 ટકા મોંઘો થયો છે. નવી એક્સાઇઝ નીતિ મુજબ કેટલાક સ્થળે જગ્યા ન મળતાં દુકાનો ખોલી શકાઈ નથી ત્યાં એક–બે દિવસમાં જ દુકાનો ચાલુ કરી દેવામાં આવશે.
દારૂ પીવાની કાયદેસર ઉંમર 25થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી
જૂની પોલીસી મુજબ સસ્તા ભાવનો દારૂ મંગળવારની રાતના 12 વાગ્યા સુધી જ દારૂ વેચી શકાય એમ હોવાથી દારૂના વ્યાપારીઓએ સ્ટોક પૂરો કરવા સસ્તા ભાવે દારૂ વેચવા માંડતાં દુકાનોની બહાર ભારે ભીડ લાગી ગઈ હતી. દારૂ પીવાની કાયદેસર ઉંમર 25થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે. સરવાળે હવે દિલ્હીમાં દારૂ વધારે છૂટથી તથા સરળતાથી વેચાશે અને 21થી 24 વર્ષની ઉંમરના યુવાનોને છૂટ મળતાં વ્યાપાર પણ વધશે. નવી એક્સાઇઝ પોલીસી મુજબ દારૂની દુકાનના લાઇસન્સમાં જ વેટ જોડી દેવામાં આવ્યો છે. જથ્થાબંધ કિંમત ઉપર પણ એક્સાઇઝ ટેક્સની સાથે વેટ જોડી દેવામાં આવ્યો છે. તેથી દારૂના ભાવમાં સરેરાશ 9 ટકા વધારો થશે. સરકારની દલીલ છે કે દિલ્હીને અડીને આવેલાં રાજ્યો ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં દારૂના ભાવ દિલ્હી કરતાં વધારે જ છે.
નવી નીતિ પછી હવે શું સ્થિતિ છે?
દિલ્હીના વોર્ડ 272 રહ્યા છે. તેને 32 ઝોનમાં વિભાજિત કરાયા. એક ઝોનમાં સરેરાશ 8–9 વોર્ડ આવે છે અને દરેક ઝોનમાં સરેરાશ 27 દુકાનો હોવી જરૂરી. સરેરાશ દરેક વોર્ડમાં 3 દુકાન થશે. કુલ 849 દુકાનોના લાઇસન્સ અપાઈ ગયા છે. બે–ત્રણને બાદ કરતાં બધી દુકાનો ચાલુ થઈ ગઈ છે.